મુખ્ય સમાચાર
News of Thursday, 7th June 2018

જનતાની ખુશીમાં જ રાજાની ખુશી હોવી જોઇએ : પ્રણવનો અભિપ્રાય

દરેક પ્રકારની હિંસાથી સમાજને બચવાની જરૂર છે : પ્રણવ મુખર્જીઃ વાતચીતથી જુદી જુદી વિચારધારાના લોકોની તમામ સમસ્યાનો ઉકેલ આવી શકે છે : રાષ્ટ્રવાદ ધર્મ, રંગ, ભાષા, જાતિથી પ્રભાવિત નથી : પ્રણવ મુખર્જી

નાગપુર, તા. ૭: ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને વર્ષો સુધી કોંગ્રેસના વરિષ્ઠ નેતા તરીકે રહી ચુકેલા પ્રણવ મુખર્જીએ આજે નાગપુરમાં સંઘના કાર્યક્રમમાં હાજરી આપી હતી અને રાષ્ટ્રવાદના સંદર્ભમાં પોતાના અભિપ્રાય પણ રજૂ કર્યા હતા. પ્રણવ મુખર્જીએ રાષ્ટ્રવાદને લઇને ખુબ જ ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું. તેમણે પોતાના સંબોધનમાં કહ્યું હતું કે, પ્રજાની ખુશીમાં જ રાજાની ખુશી હોવી જોઇએ. વાતચીતથી જુદી જુદી વિચારધારાના લોકોની સમસ્યાઓનો ઉકેલ આવી શકે છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, આટલી વિવિધતા હોવા છતાં ભારતીયતા અમારી ઓળખ બનીને રહી છે. રાષ્ટ્રવાદ કોઇપણ ભાષા, રંગ, ધર્મ અને જાતિથી પ્રભાવિત નથી. પ્રણવ મુખર્જીએ એમ પણ કહ્યું હતું કે, દરેક પ્રકારની હિંસાથી અમારા સમાજને બચવાની જરૂર છે. મૌખિક અને શારીરિક હિંસા બંને ખુબ જ ખતરનાક છે. વાતચીત મારફતે પ્રણવ મુખર્જીએ કેટલાક સ્પષ્ટ સંકેતો પણ આપ્યા હતા. તેમણે ઉમેર્યું હતું કે, ભારતનો આત્મા બહુવાદમાં રહે છે. અમને લોકશાહી ભેંટમાં મળી નથી. પ્રણવ મુખર્જીએ ઉમેર્યું હતું. બાળગંગાધર તિલકે સ્વરાજ હમારા જન્મસિદ્ધ અધિકાર હૈનો નારો આપ્યો હતો. ૫૦૦૦ જુની અમારી સભ્યતાને કોઇપણ વિદેશી આક્રમણકારીઓ પણ ખતમ કરી શક્યા નથી. અનેક લોકોએ સેંકડો વર્ષ સુધી ભારત ઉપર શાસન કર્યું હતું. ત્યારબાદ મુસ્લિમ આક્રમણકારીઓએ ભારત પર શાસન કર્યું હતું. ત્યારબાદ ઇસ્ટ ઇન્ડિયા કંપની દ્વારા અંગ્રેજોનું શાસન આવ્યું હતું. અસહિષ્ણુતાથી અમારી રાષ્ટ્રીય ઓળખને માઠી અસર થઇ છે. ભારત વિવિધતાઓથી ભરેલુ દેશ છે. ભારત યુરોપ અને અન્ય દુનિયાના દેશો કરતા પહેલાથી જ એક દેશ તરીકે હતું. દેશ પ્રત્યે નિષ્ઠા દેશભક્તિ તરીકે છે. ભારતના બારણા તમામ લોકો માટે ખુલેલા છે. પ્રણવ મુખર્જીએ ટૂંકા સંબોધનમાં ખુબ જ વિસ્તારપૂર્વક જુદા જુદા વિષયો પર વાત કરી હતી. પૂર્વ રાષ્ટ્રપતિએ પોતાના કાર્યક્રમમાં સામેલ થવાને લઇને આરએસએસે કહ્યું છે કે, વિચારોની આપલે થઇ છે. પ્રણવ મુખર્જી નાગપુરમાં કાર્યક્રમ સ્થળ ઉપર સાંજે નિર્ધારિત સમય કરતા મોડા પહોંચ્યા હતા. સંઘના સ્થાપક કેબી હેડગેવારના જન્મસ્થળ ઉપર પહોંચીને પ્રણવ મુખર્જી વિઝિટર બુકમાં પણ પોતાના મત રજૂ કર્યા હતા અને હેડગેવારને દેશના મહાન સપૂત તરીકે ગણાવ્યા હતા અને શ્રદ્ધાંજલિ આપી હતી. સંઘના કાર્યક્રમમાં પ્રણવ મુખર્જી ચાર કલાક સુધી રોકાયા હતા. હેડગેવારના જન્મસ્થળ ઉપર પ્રણવ મુખર્જી અને સંઘના વડા મોહન ભાગવત એક સાથે દેખાયા હતા. તેમની સાથે સંઘના અન્ય લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા. આને લઇને કોંગ્રેસ અને ભાજપ દ્વારા પોતપોતાની પ્રતિક્રિયાઓ પણ આપી હતી. પ્રણવ મુખર્જીના પુત્રી શર્મિષ્ઠાએ પણ નાગપુર જવાને લઇને પોતાની પ્રતિક્રિયા આપી હતી. તેમની પુત્રી સહિત કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ પણ પ્રણવ મુખર્જીની આ મુલાકાત સામે વાંધો ઉઠાવ્યો હતો. પ્રણવ મુખર્જી સાંજે ૫.૩૦ વાગ્યાથી લઇને ૯.૩૦ સુધી સંઘની ઓફિસમાં રહ્યા હતા.

(10:38 pm IST)