મુખ્ય સમાચાર
News of Thursday, 7th June 2018

SBI એ કહ્યું પતિ પત્નીના ATM કાર્ડનો ઉપયોગ કરી શકે નહીં, કોર્ટે માન્ય રાખ્યું

બેંગલોર , તા.૭:   સામાન્ય રીતે પતિ-પત્નીમાં એકબીજાના એટીએમ કાર્ડ અને તેનો પિન નંબર આપીને રૂપિયા ઉપાડવાનું ચલણ સામાન્ય છે. પરંતુ આવું કરવું કેવું ભારે પડી શકે છે તેનો અનુભવ બેંગલોરની એક મહિલાને થયો છે જેણે પતિને એટીએમ કાર્ડ આપીને રૂપિયા નીકાળવા માટે મોકલ્યો હતો. એટીએમમાંથી નીકાળવામાં આવેલી ૨૫ હજારની રકમ મેળવવા માટે કોર્ટમાં સાડા ત્રણ વર્ષ સુધી કેસ લડ્યા બાદ મહિલાને નિરાશ થવું પડ્યું હતું. કોર્ટે અંતે એસબીઆઈના નિયમને માન્ય રાખ્યો હતો જેમાં કહેવામાં આવ્યું છે કે પિન નંબર કોઈને આપી શકાય નહીં.

સાડા ચાર વર્ષ જૂના કેસમાં બેંગલોરમાં મરાઠાહલ્લી વિસ્તારમાં રહેતી વંદના નામની મહિલાએ ૧૪ ડિસેમ્બરે ૨૦૧૩ના રોજ પોતાના પતિ રાજેશને એટીએમ કાર્ડ આપીને રૂપિયા નીકાળવા માટે કહ્યું હતું. તે સમયે થોડા દિવસો પહેલા જ બાળકને જન્મ આપનારી વંદના મેટરનિટી લિવ પર હતી. પતિએ રૂપિયા નીકાળવા માટે સ્થાનિક એટીએમમાં કાર્ડ સ્વાઈપ કર્યું હતું જયાં તેને રૂપિયા તો ન હતા મળ્યા પરંતુ રૂપિયા નીકાળ્યા હોવાની પાવતી મળી હતી.

એટીએમમાંથી રૂપિયા ન નીકળ્યા તે બદલ રાજેશે એસબીઆઈના કોલ સેન્ટર પર ફોન કરીને સમગ્ર દ્યટના જણાવી હતી. ૨૪ કલાક બાદ પણ રૂપિયા રિફન્ડ ન થયા અને તે એસબીઆઈની બ્રાન્ચમાં ગયા અને ફરિયાદ નોંધાવી હતી. પરંતુ તેમને ત્યારે મોટો આંચકો લાગ્યો હતો જયારે એસબીઆઈએ થોડા દિવસમાં કેસ તે કહેતા કેસ બંધ કરી દીધો કે ટ્રાન્ઝેકશન યોગ્ય હતું અને ગ્રાહકને રૂપિયા મળી ગયા છે.

પીડિતાએ સીસીટીવી દેખાડ્યો, બેન્કે કહ્યું પિન શેર થયો, કેસ પૂરો ત્યારબાદ રાજેશે એટીએમમાં લાગેલા સીસીટીવી ફૂટેજ મેળવ્યા હતા જેમાં સ્પષ્ટ દેખાતું હતું કે મશીનથી રૂપિયા નીકળ્યા નથી. ફૂટેજ સાથે ફરિયાદ કરવા અંગે બેંકની તપાસ સમિતિએ તે કહેતા પીડિતાની માંગણીને ફગાવી દીધી કે ખાતાધારક વંદના ફૂટેજમાં જોવા મળતી નથી અને તેના સ્થાને અન્ય વ્યકિત (તેનો પતિ) રૂપિયા નીકાળતો જોવા મળે છે. બેંકે સ્પષ્ટ કહ્યું હતું કે પિન અન્ય વ્યકિતને આપ્યો હોવાથી કેસ બંધ થઈ ગયો.

 ત્યારબાદ પીડિતાએ ૨૧ ઓકટોબર ૨૦૧૪ના રોજ ગ્રાહક સુરક્ષાના દરવાજા ખટખટાવ્યા હતા. મહિલાએ પોતની ફરિયાદમાં કહ્યું હતું કે તેણે તાજેતરમાં જ બાળકને જન્મ આપ્યો હતો અને તે દ્યરમાંથી બહાર જવાની સ્થિતિમાં નથી. તેથી તેણે પોતાના પતિને એટીએમમાંથી રૂપિયા નીકાળવા માટે કહ્યું હતું. એટીએમમાંથી રૂપિયા તો ન હતા નીકળ્યા પરંતુ ટ્રાન્ઝેકશનની રિસિપ્ટ મળી હતી. કોર્ટે એસબીઆઈનો નિયમ માન્ય રાખ્યો

કોર્ટમાં આ કેસ સાડા ત્રણ વર્ષ સુધી ચાલ્યો. પીડિતાએ માંગ કરી હતી કે એસબીઆઈએ તેના ૨૫ હજાર રૂપિયા પરત કરવા જોઈએ. પરંતુ બેંક પોતાના નિયમો આગળ ધરીને અડગ રહી હતી. નિયમ પ્રમાણે પિન નંબર અન્યને આપી શકાય નહીં અને તેમ થાય તો તે નિયમોનું ઉલ્લંદ્યન છે. ૨૯ મે ૨૦૧૮ના રોજ કોર્ટે પોતાના ચૂકાદામાં બેંકની વાતને માન્ય રાખી હતી અને કહ્યું હતું કે વંદના જાતે જઈ શકવાની સ્થિતિમાં ન હતી તેવામાં તેણે સેલ્ફ ચેક કે અન્ય કોઈ રીતે પતિને રૂપિયા નીકાળવા માટે મોકલવો જોઈતો હતો. કોર્ટે આ આદેશ આપીને કેસ ખતમ કરી દીધો.(૨૨.૧૪)

(4:22 pm IST)