મુખ્ય સમાચાર
News of Thursday, 7th June 2018

ટ્રેનમાં ગર્ભવતી મહિલાઓ માટે અલગ કવોટા

રેલ્વે રીઝર્વેશન ફોર્મમાં થયો ફેરફારઃ મુસાફરો માટે વિકલ્પનો ઉમેરોઃ ગર્ભવતી મહિલાઓને ડોકટરી સર્ટીફીકેટ જોડવુ પડશે

રાજકોટ, તા., ૭: રેલ્વે દ્વારા મુસાફરોની સુવિધા વધારવા અનેક પગલાઓ લેવાઇ રહયા છે. હવે ગર્ભવતી મહિલાઓ માટે અલગ રિઝર્વેશન કવોટા ફાળવવાનું જાહેર થયું છે. રેલ્વેએ રીઝર્વેશન ફોર્મેટમાં આ માટે બદલાવ કર્યો છે. ફોર્મમાં ગર્ભવતી માટે અલગ કોલમ હશે. આવી મહિલાઓને લોઅર બર્થ (સીટ) ફાળવવામાં આવશે.

આ ઉપરાંત યાત્રીકો માટે વિકલ્પ નામની કોલમ પણ ઉમેરવામાં આવી છે. જેમાં કોઇ એક ટ્રેનમાં ટીકીટ મળતી ન હોય તો બીજી ટ્રેનમાં એ જ ટીકીટથી રિઝર્વેશન બર્થ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ માટે ફોર્મમાં ૧ર, ર૪ અને ૪૮ કલાકની અંદર ઉપડતી ટ્રેનો પૈકી કોઇ પણ એક વિકલ્પ પસંદ કરી શકાશે.

દુરાંતો એકસપ્રેસમાં થર્ડ અને સેકન્ડ એસીના મુસાફરો માટે રિઝર્વેશન ટીકીટ લેતા સમયે બેડરોલ લેવા ઇચ્છુક છે કે નહિ?  તે દર્શાવવું પડશે. રાજધાની,  શતાબ્દી અને દુરાંતોમાં ટીકીટ લેતા પહેલા ફોર્મમાં વેજ કે નોનવેજ ભોજન તો અગાઉથી જ પસંદ કરવાનું રહે છે. નવા ફોર્મમાં યાત્રીક બાળક માટે આખી બર્થ લેવા ઇચ્છતા હોય તો તે માટેનો વિકલ્પ પસંદ કરવાનો રહેશે. આવા સંજોગોમાં બાળકને બર્થ ફાળવવામાં આખી ટીકીટનું ભાડુ ચુકવવું પડશે. ૧લી જુલાઇથી આ નવા નિયમો લાગુ પડશે. ટ્રેનના વિકલ્પનો દાખલો લઇએ તો કોઇ યાત્રીને રાજકોટથી મુંબઇ જતી જનતામાં રિઝર્વેશન ન મળે તો ત્યાર બાદની ૪૮ કલાકમાં મુંબઇ જતી કોઇ પણ ટ્રેનમાં લીધેલી ટીકીટ પર રિઝર્વેશન મેળવી શકાશે.

(4:16 pm IST)