મુખ્ય સમાચાર
News of Thursday, 7th June 2018

ભેદભાવ કર્યા વગર ત્રાસવાદીઓ પર કડક કાર્યવાહી કરો

અમેરિકી વિદેશમંત્રીની પાક. આર્મી ચીફને ફટકાર

વોશિંગ્ટન તા. ૭ : ત્રાસવાદીઓના સુરક્ષિત પનાહગાહ બનેલા પાકિસ્તાનને અમેરિકાએ ફરી એકવાર ચેતવણી આપી છે. આ વખતે અમેરિકી વિદેશમંત્રી માઇફ પોમ્પિઓએ પાકિસ્તાનના સેના પ્રમુખ જનરલ કમર બાજવા સાથે ફોન પર વાત કરીને ત્રાસવાદીઓ વિરૂધ્ધ કાર્યવાહી કરવાનું કહ્યું છે. અમેરિકી વિદેશ મંત્રાલયના પ્રવકતા હીથર નોર્ટે જણાવ્યું કે, પોમ્પિઓએ બાજવા સાથે ફોન પર વાતચીત દરમિયાન કહ્યું છે કે, પાકિસ્તાન કોઇ ભેદભાવ વગર ત્રાસવાદી સમુહો વિરૂધ્ધ કાર્યવાહી કરી ઉલ્લેખનીય છે કે, આતંકવાદના મુદ્દા પર જ બંને દેશોના મિત્રતાભર્યા સંબંધોમાં ખટાશ પડી છે.

પ્રવકતા હીથર નોર્ટે કહ્યું, તેઓએ અમેરિકા - પાકિસ્તાન દ્વિપક્ષીય સંબંધોને આગળ વધારવાની રીત, અફઘાનિસ્તાનમાં રાજનૈતિક સુલેહની જરૂરીયાત અને કોઇ ભેદભાવ વગર દક્ષિણ એશિયામાં દરેક ત્રાસવાદીઓ અને ત્રાસવાદી સમૂહોને નિશાના બનાવવાને મહત્વ આપવા અંગેની ચર્ચા કરી.

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આ આરોપ લગાવ્યા બાદ પાકિસ્તાન આતંકવાદી સંગઠનોને સુરક્ષિત પનાહગાહ આપી રહ્યું છે. ટ્રમ્પ સરકારે પાકિસ્તાનને અપાતી ૨ અરબ ડોલરની સહાયતા રોકી દીધી હતી. અમેરિકાને પાકિસ્તાનને હક્કાની નેટવર્ક અને ત્રાસવાદી સંગઠન તાલિબાન વિરૂધ્ધ કાર્યવાહી કરવાની પણ માંગ કરી હતી. જોકે પાકિસ્તાનને આ દરેક આરોપોને નકારી દિધા હતા.

(4:11 pm IST)