મુખ્ય સમાચાર
News of Thursday, 7th June 2018

કિમ જોંગે હાથ જોડી ટ્રમ્પ પાસે માંગી હતી સિંગાપોર સમીટની ભીખ

ટ્રમ્પના આકરા વલણના કારણે કિમ નરમ પડયા

વોશિંગ્ટન તા. ૭ : અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વકીલ રૂડી ગિયુલિયાનીએ કહ્યુ છે કે ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉને સિંગાપોર સમિટ રદ થયા બાદ તે ફરીથી કરવાની ભીખ માંગી હતી. ગિયુલિયાનીએ આ વાત ઈઝરાયેલના શહેર તેલ અવીવમાં એક બિઝનેસ કોન્ફરન્સ દરમિયાન કહી છે. તેમનું કહેવુ હતુ કે ટ્રમ્પના આકરા વલણના કારણે કિમ જોંગે પોતાનું વલણ નરમ રાખવુ પડ્યુ છે. તેમનું કહેવુ હતુ કે ઉપરાષ્ટ્રપતિ માઈક પેંસના અપમાન બાદ ટ્રમ્પ પાસે સિંગાપોર સમિટ રદ કર્યા સિવાય કોઈ વિકલ્પ નહોતો.

રૂડી ગિયુલિયાનીએ બિઝનેસ કોન્ફરન્સમાં મીડિયા સામે કહ્યુ કે જયારે ડોનાલ્ડ ટ્રમ્પે સિંગાપોરમાં ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉન સાથે થનારી મુલાકાત રદ કરી દીધી તો કિમ જોંગે 'હાથ જોડીને ઘૂંટણિયે પડી' તેને ચાલુ રાખવાની ભીખ માંગી હતી. તેમણે કહ્યુ કે કિમે પરમાણુ યુદ્ઘની ધમકી આપી અને ઉપરાષ્ટ્રપતિ માઈક પેંસનું અપમાન કર્યુ ત્યારબાદ રાષ્ટ્રપતિ ટ્રમ્પ પાસે સિંગાપોર સમિટ રદ કરવા સિવાય કોઈ વિકલ્પ નહોતો. તેમણે કહ્યુ, 'અમે કહી દીધુ હતુ કે અમે આવી પરિસ્થિતિઓ વચ્ચે સમિટ નહિ કરી શકીએ.'

કિમ જોંગ અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે સિંગાપોરના સેંટોસા સ્થિત કૈપલા હોટલમાં ૧૨ જૂનના રોજ મુલાકાત થવાની છે. ટ્રમ્પે કિમને ચિઠ્ઠી લખીને આ સમિટ રદ કરવા વિશે જાણકારી આપી હતી પરંતુ એક જ સપ્તાહ બાદ આ સમિટ ફરીથી આયોજિત કરવાનો નિર્ણય થયો. ટ્રમ્પે પોતાની ચિઠ્ઠીમાં લખ્યુ હતુ, 'તેમને લાગે છે કે હાલમાં આ બહુ ચર્ચિત મુલાકાત થવી યોગ્ય નથી.' તેમણે લખ્યુ કે, 'ઉત્તર કોરિયા તરફથી ઉપરાષ્ટ્રપતિ માઈક પેંસને 'રાજકીય પૂતળા' ગણાવવામાં આવ્યા છે અને આનાથી ઉત્તર કોરિયાનો ગુસ્સો અને તેની દુશ્મની સ્પષ્ટ રીતે દેખાઈ આવે છે.'

ત્યારબાદ ઉત્તર કોરિયાની રાજધાની પ્યોંગયાગના ટોપ ઓફિસર કિમ યોંગ ચોલ વાઙ્ખશિંગ્ટન પહોંચ્યા અને તેમણે ટ્રમ્પ સાથે મુલાકાત કરી. આ મુલાકાત બાદ ટ્રમ્પે સિંગાપોર સમિટનું આયોજન માન્ય કર્યુ. ચોલે કિમ જોંગ ઉન તરફથી લખવામાં આવેલ એક ચિઠ્ઠી પણ ટ્રમ્પને આપી હતી. મુલાકાત બાદ ટ્રમ્પે કહ્યુ કે કિમ જોંગ કોરિયાઈ પ્રાયદ્વીપને પૂર્ણ રીતે પરમાણુ હથિયારોથી મુકત કરવા માટે પ્રતિબદ્ઘ છે અને તેમની ચિઠ્ઠી ખૂબ સારી અને રસપ્રદ હતી. તેલ અવીવમાં ગિયુલિયાનીએ સલાહ આપી કે આ જ પ્રકારની ટેકનિક ફિલીસ્તીનની ઓથોરિટી સાથે પ્રયોગ કરવી જોઈએ. તમને જણાવી દઈએ કે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જેરુસલેમને ઈઝરાયેલની રાજધાની તરીકે માન્યતા આપ્યા બાદ ફિલીસ્તીને અમેરિકા સાથેના સંબંધો ખતમ કરી દીધા છે.

(4:10 pm IST)