મુખ્ય સમાચાર
News of Thursday, 7th June 2018

ગુજરાતમાં બેરોજગારી ઘટાડવા લાગુ કરાશે તમિલનાડુ - આંધ્રપ્રદેશ મોડેલ?

વિધાનસભા ચૂંટણી ૨૦૧૭ પહેલા ગુજરાતમાં કુલ ૬ લાખ બેરોજગાર હતા

નવી દિલ્હી તા. ૭ : લોકસભા ચૂંટણી ૨૦૧૪ દરમિયાન ગુજરાત મોડેલને આગળ ધરીને પીએમ મોદીએ જોર પ્રસાર-પ્રચાર કર્યો હતો. આખા દેશમાં ગુજરાત મોડેલ લાગૂ કરવા સુધીની વાત કરી હતી, જો કે હવે ગુજરાત ખુદ આંધ્ર અને તમિલનાડુ મોડેલ અપનાવવા અંગે વિચારણા કરી રહ્યું છે. સરકારના દાવા મુજબ વિધાનસભા ચૂંટણી ૨૦૧૭ પહેલાં ગુજરાતમાં કુલ ૬ લાખ બેરોજગાર હતા, જો કે કામચલાઉ કામદારોની અસંતુષ્ટતા મામલે રાહુલ ગાંધીની ટીકા, અનામત માટે પાટીદાર આંદોલન વગેરે જેવા મુદ્દાઓએ સરકારને બેરોજગારી ઘટાડવા માટે પ્રયત્નો કરવા મજબૂર કરી છે.

ત્યારે ગુજરાતમાં હવે આંધ્ર અને તમિલનાડુ મોડેલ લાગુ કરવામાં આવી શકે છે. જણાવી દઈએ કે આંધ્ર પ્રદેશ અને તમિલનાડુએ પોતાના યુવાનોને નોકરી અપાવવા માટે વિવિધ પ્રકારની સ્કીમો લોન્ચ કરી છે, જે અંતર્ગત કેટલાય યુવાનોને પ્રોફેશનલ ટ્રેનિંગ આપવામાં આવે છે તો કેટલાક યુવાનોને વિદેશમાં નોકરી અપાવવામાં મદદ કરવામાં આવી રહી છે.

લોકસભા ચૂંટણીઓને એક વર્ષથી પણ ઓછો સમય બાકી રહ્યો છે. ગુરૂવારે રાજય સરકાર દ્વારા એક ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત અમ્મા અને નાયડુ મોડેલ અપનાવવા અંગે ચર્ચા કરવામાં આવશે ઉપરાંત તેની સારી બાબતો અને નરસી બાબતો વિશે પણ ચર્ચા કરવામાં આવશે. તમિલનાડુની 'અમ્મા સ્કીલ, એમ્પલોયમેન્ટ એન્ડ ટ્રેનિંગ પ્રોગ્રામ' અંતર્ગત યુવાનોને ૬ મહિનાની ટ્રેનિંગ અને સ્ટાયપેન્ડ આપવામાં આવે છે.

આવી જ એક સ્કીમ આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ ચલાવી રહ્યા છે, જે અંતર્ગત 'ઓવરિસઝ મેનપાવર કંપની આંધ્ર પ્રદેશ લિમિટેડ (OMCAP)' વર્ષ ૨૦૦૬થી લાયક ઉમેદવારોને વિદેશમાં નોકરી અપાવવામાં મદદ કરે છે. ચંદ્રબાબુ નાયડુએ તાજેતરમાં જ ડિગ્રી હોલ્ડર બેરોજગાર યુવાનો માટે મહિને ૧૦૦૦ રૂપિયાનું બેરોજગારી ભથ્થું આપવાની જાહેરાત કરી હતી. ત્યારે ગુજરાત સરકાર પણ હવે બેરોજગારીને નાથવા માટે અમ્મા અને નાયડુ મોડેલ અપનાવવા પર વિચારણા કરી રહી છે.

સ્ટેટ લેબર એન્ડ એમ્પલોયમેન્ટ વિભાગે ૫૦૦૦થી વધુની વસતી ધરાવતા ગામમાં સ્કીલ ટ્રેનિંગ પૂરી પાડવા માટે કૌશલ્ય વર્ધન કેન્દ્ર ફરી શરૂ કરવાની પ્રપોઝલ મૂકી છે. ચાર તબક્કામાં કુલ ૫૦૦ આવાં કેન્દ્ર ખોલવામાં આવશે અને પાંચ ધોરણ પાસ કર્યા પછી કોઈપણ વિદ્યાર્થી આ કેન્દ્રમાં પ્રવેશ મેળવી શકશે. ઉપરાંત સરકાર એમ્પલોયમેન્ટ એકસચેન્જ અંગે સુધારણા કરવા મામલે વિચારણા કરી રહી છે. કન્સ્ટ્રકશન સેકટરમાં નવી સ્કીલ પ્રોગ્રામ માટે સૂચનો મંગાવશે.(૨૧.૭)

(10:14 am IST)