મુખ્ય સમાચાર
News of Thursday, 7th June 2018

H-1B વીઝા પોલીસીમાં કોઇ ખાસ મોટા ફેરફાર નથીઃ એમ્‍પલોયમેન્‍ટ વીઝા તથા વર્ક પરમીટ મંજુર કરવાનો અમેરિકાને સાર્વભોમ અધિકાર છેઃ દિલ્‍હીમાં ‘‘સ્‍ટુડન્‍ટ વીઝા ડે''ની ઉજવણી પ્રસંગે અમેરિકાના ડેપ્‍યુટી ચિફ ઓફ મિશનનું ઉદબોધન

ન્‍યુ દિલ્‍હીઃ યુ.એસ.માં વિદેશોના કુશળ કર્મચારીઓને અપાતા H-1B વીઝા નિયમોમાં કોઇ ખાસ મોટા ફેરફાર નથી. તથા આવા કર્મચારીઓના જીવનસાથીને પણ કામ કરવાના અધિકાર માટે અપાતા H-4 વીઝા નિયમોમાં કંઇ ખાસ નવુ નથી. તેવું ભારતના દિલ્‍હી ખાતેના અમેરિકાના ડેપ્‍યુટી ચિફ ઓફ મિશન મેરીકે એલ કાર્લસનએ જણાવ્‍યું હતું. જો કે તેમણે ઉમેર્યુ હતું કે એમ્‍પલોયમેન્‍ટ વીઝા તથા વર્ક પરમીટ મંજુર કરવાનો અમેરિકાને સાર્વભૌમ અધિકાર છે.

ઉલ્લેખનીય છે કે અમેરિકાના વર્તમાન પ્રેસિડન્‍ટ ડોનાલ્‍ડ ટ્રમ્‍પના વહીવટી તંત્ર દ્વારા ૨૦૧૫ની સાલના તત્‍કાલિન પ્રેસિડન્‍ટ બરાક ઓબામાએ મંજુર કરેલી H-4 વીઝા પોલીસી રદ કરવાના ચક્રો ગતિમાન થયા છે. તે સંજોગોમાં આ બાબત અમેરિકાના સાર્વભોમ અધિકારમાં આવતી હોવાનું તથા સાથોસાથ હાલમાં કોઇ નવા ફેરફાર નહીં હોવાનુ દિલ્‍હી ખાતેના અમેરિકાના ઉચ્‍ચ અધિકારીનું મંતવ્‍ય સૂચક છે.

યુ.એસ.મિશનના ઉપક્રમે આજરોજ સ્‍ટુડન્‍ટ વીઝા ડે ઉજવાયો હતો. જે અંતર્ગત ભારત તથા અમેરિકા વચ્‍ચે ઉચ્‍ચ શિક્ષણ માટે કરાયેલી સમજુતિની છણાંવટ કરવામાં આવી હતી.

જો ટ્રમ્‍પ સરકાર દ્વારા H-4 વીઝા પોલીસી રદ કરવામાં આવે તો ભારતના ૭૦ હજાર જેટલા H-4 વીઝા ધારકોનો કામ કરવાનો અધિકાર છીનવાઇ જઇ શકે છે. જેમાં મોટા ભાગની મહિલાઓ છે આ માટે ભારતના વિદેશ મંત્રી સુશ્રી સુષ્‍મા સ્‍વરાજે ગયા મહિને જણાવ્‍યા મુજબ તેઓ H-4 વીઝા પોલીસી ચાલુ રાખવા ટ્રમ્‍પ વહીવટી તંત્રને અનુરોધ કરશે. તેમણે ૨૮મેના રોજ જણાવ્‍યા મુજબ H-4 વીઝા  પોલીસી રદ કરવા ટ્રમ્‍પ સરકાર વિચારી રહી છે તે વાત સાચી છે.

(11:16 pm IST)