મુખ્ય સમાચાર
News of Thursday, 7th June 2018

ગાજીયાબાદમાં જુની નોટ બદલવાના કારસ્‍તાનનો પર્દાફાશઃ ૧૦ શખ્‍સો ૧ કરોડની પ૦૦ અને ૧૦૦૦ની નોટ સાથે ઝડપાયા

ગાજીયાબાદઃ ગાજીયાબાદમાંથી પોલીસે પ૦૦ અને ૧૦૦૦ની જુની ચલણી નોટો સાથે ૧૦ શખ્‍સોની ઝડપી પાડીને જુની નોટ બદલવાના કારસ્‍તાનનો પર્દાફાશ કર્યો છે.

નોટબંધી લાગુ થયાને દોઢ વર્ષ પૂર્ણ થઇ ગયું છે, દેશમાં એક હજાર અને પાંચસોની જૂની નોટ બદલવાની તમામ તારીખો પણ જતી રહી છે, પરંતુ હજુ કેટલાક લોકો અંદરખાને નોટ બદલવાનું રેકેટ ચલાવી રહ્યાં છે. ગાઝિયાબાદ પોલીસે આવી જ એક ગેંગના 10 શખ્સોની ધરપકડ કરી છે. તેમની પાસેથી એક કરોડ રૂપિયાની નોટ પર કબજે કરાઇ છે. આ રકમ બે કારની મદદથી નેપાળ લઇ જવામાં આવી રહી હતી.

પોલીસના જણાવ્યા પ્રમાણે સોમવાર રાતે માહિતીના આધારે પૂજા કટ પાસે બે કારને રોક તેની તપાસ કરી હતી, આ કારમાં ગાઝિયાબાદના રહેવાસી પિન્ટુ, રાહુલ કુમાર, મેરઠમાં રહેતો રાહુલ શર્મા સહિત 10 શખ્સો હતો, આ તમામમાં એક ડ્રાઇવરને બાદ કરી બાકી તમામ ઇન્સ્યોરન્સ એજન્ટ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. પૂછપરછમાં આરોપીઓએ જણાવ્યું કે આ રૂપિયા તેઓને ગ્રેટર નોએડાના અનિલ દિક્ષિત અને આગરાના મિસ્ટર યાદવ નામના શખ્સે આપ્યા હતા. ચાર દિવસ પહેલા ગ્રેનોથી જૂની કરંસી મેળવી હતી, પોલીસથી બચવા માટે આ રૂપિયા બે કારમાં રાખવામાં આવ્યા હતા, એટલે કે એક કાર ઝડપાય તો બીજી નેપાળ પહોંચી શકે.

સમગ્ર મામલે અનિલ દિક્ષિતના સંપર્કમાં રહેનારા અરુણે જણાવ્યું કે આ રૂપિયા બદલવા તેઓને 10 લાખ રૂપિયા મળવાના હતા, જૂની નોટ નેપાળ પહોંચાડ્યા બાદ મળશે. તેઓને જૂની કરંસી નેપાળ બોર્ડર લઇ જવાની હતી, ત્યારબાદ અનિલનો જ સાગરિત નેપાળમાં આગળ લઇ જવાનો હતો. આરોપી દિપકે જણાવ્યું કે તેઓને માત્ર રૂપિયા લઇ જવાનું જ કહેવામાં આવ્યું હતું, હાલ પોલીસ તપાસ કરી રહી છે કે આ રૂપિયા અનિલ અને યાદવના છે કે કોઇ અન્ય લોકોના છે.

જૂની કરંસી સાથે પકડાયેલા આરોપીએ જણાવ્યું કે પશ્ચિમ યુપીમાં એક હજાર અને પાંચસો રૂપિયાની જૂની નોટનું મોટું રેકેટ ચાલી રહ્યું છે. આ કામ કર્યા બાદ આરોપીઓને 200 કરોડની જૂની નોટ નેપાળ પહોંચાડવાનો ઓર્ડર મળવાનો હતો, ગ્રેનોના અનિલે આ રકમ લઇ જવા માટે 100 કાર અને માણસોની વ્યવસ્થા પણ કરવાની હતી. એસએસપીએ જણાવ્યું કે આ અંગે આઈટી અને મંત્રાલયને જાણકારી આપવામાં આવી છે. સમગ્ર રેકેટમાં હજુ અનેક નામ ખૂલવાની શક્યતા છે.

પોલીસ પૂછપરછમાં આરોપીએ જણાવ્યું કે ભારતમાં હવે જૂની નોટ્સ બદલવાની શક્યતા નથી. બીજી બાજુ નેપાળમાં હજી આ કામ શક્ય છે, જાણકારી પ્રમાણે નેપાળમાં પ્રવાસીઓની મદદથી આવેલા અંદાજે 950 કરોડ રૂપિયાની ભારતીય કરંસી છે, નેપાળે આ નોટ બદલવા માટે ભારત સાથે વાત કરી છે. ભારત આ રૂપિયાનો હિસાબ માગી રહ્યું છે, તો નેપાળનું કહેવું છે કે આ કરંસી એકત્રિત થઇને અહીં જમા થઇ છે. બીજી બાજુ નેપાળ રાષ્ટ્ર બેંક તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું કે ભારતીય રિઝર્વ બેંકે એક વ્યક્તિ સાડા ચાર હજાર રૂપિયા બદલવાની મૌખિક સહમતિ આપી છે, જો કે આ કાર્યવાહી હાલ શરૂ કરી નથી. કહેવામાં આવી રહ્યું છે કે જૂની કરંસી બદલવાનું રેકેટ ચલાવતી ટોળકી આ તકનો લાભ ઉઠાવી રહ્યા છે.

(12:00 am IST)