મુખ્ય સમાચાર
News of Friday, 7th May 2021

સુપ્રીમકોર્ટમાં ચૂંટણીપંચનો પક્ષ રજૂ કરતા વકીલ મોહિત ડી,રામે રાજીનામુ આપ્યું : કહ્યું મારી નૈતિકતા -કામકાજને અનુરૂપ નથી

સુપ્રીમ કોર્ટ સમક્ષ ચૂંટણીપંચના પેનલના વકીલ તરીકેને જવાબદારીમાંથી ખુદને મુક્ત કરવા પત્ર લખ્યો

નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી પંચનો પક્ષ રજૂ કરી રહેલી પેનલના વકીલ મોહિત ડી રામે રાજીનામું આપી દીધુ છે. તેમનું કહેવું છે કે, મારી નૈતિક્તા, હાલના કામકાજને અનુરૂપ નથી

વકીલ મોહિત ડી રામ 2013થી સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી પંચના વકીલ તરીકે કાર્યરત હતા. તેમણે પોતાના રાજીનામાં પત્રમાં લખ્યું છે કે, મેં જાણ્યું કે, મારા સિદ્ધાંત ચૂંટણી પંચના હાલના કામકાજને અનુરુપ નથી અને આથી હું સુપ્રીમ કોર્ટ સમક્ષ તેની પેનલના વકીલ તરીકેને જવાબદારીમાંથી ખુદને મુક્ત કરવા માંગુ છું. હું મારા કાર્યાલયોમાં તમામ પેન્ડિંગ કેસોની ફાઈલો, એનઓસી અને વકાલતનામા હસ્તાંતરણ કરું છું.

ભારતના ચૂંટણી પંચનું પ્રતિનિધિત્વ કરવું એક સમ્માન હતું. આ યાત્રા ચૂંટણી પંચના સ્થાયી કાઉન્સિલના કાર્યાલયનો હિસ્સો થવા સાથે શરૂ થઈ હતી અને 2013માં ચૂંટણી પંચની પેનલના વકીલોમાંથી એક તરીકે મેં કામ કર્યું અને એમ તે આગળ વધી.

જો કે મને લાગે છે કે, મારા સિદ્ધાંત ચૂંટણી પંચના હાલના કામકાજને અનુરુપ નથી અને આથી મેં ભારતની સર્વોચ્ચ અદાલત સમક્ષ મારી પેનલના વકીલની જવાબદારીમાંથી ખુદને હટાવી લીધો છે.

ચૂંટણી પંચના એક પ્રવક્તાના જણાવ્યા મુજબ, મોહિત ડી રામને 2019 બાદ ચૂંટણી પંચનો કોઈ પણ કેસ આપવામાં આવ્યો નહતો

મોહિત ડી રામનું રાજીનામું એવા સમયે આવ્યું છે, જ્યારે મદ્રાસ હાઈકોર્ટની ટિપ્પણીઓ વિરુદ્ધ ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટના દરવાજા ખટખટાવ્યાં હતા. ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી, જેમાં મદ્રાસ હાઈકોર્ટ દ્વારા સમજ્યા-વિચાર્યા વિના કરવામાં આવેલી અપમાનજનક ટિપ્પણી હટાવવાની માંગ કરવામાં આવી હતી.

ચૂંટણી પંચે કહ્યું હતું કે, હાઈકોર્ટ ખુદ એક બંધારણીય સંસ્થા છે, જ્યારે ચૂંટણી પંચ પણ આવી જ સંસ્થા છે. આથી હાઈકોર્ટે આવી ટિપ્પણીઓ ના કરવી જોઈએ. વાસ્તવમાં હાઈકોર્ટે કહ્યું હતું કે, ચૂંટણી પંચ પર હત્યાનો કેસ ચલાવવો જોઈએ, કારણ કે ચૂંટણીમાં રાજનીતિક પાર્ટીઓની રેલીઓમાં કોવિડ ગાઈડલાઈન્સના ધજાગરા ઉડ્યા હતા.

દેશમાં કોરોના સંક્રમણના કારણે બગડેલી સ્થિતિનો ઉલ્લેખ કરતા કોર્ટે એ પણ કહ્યું હતું કે, ચૂંટણી પંચે આજની વર્તમાન સ્થિતિ માટે જવાબદાર એકમાત્ર સંસ્થા છે.

(9:41 pm IST)