મુખ્ય સમાચાર
News of Friday, 7th May 2021

કોરોનામાં શહેરી વિસ્તારોમાં ગરીબીનું પ્રમાણ ૨૦% વધ્યું

ભારતમાં કોરોનાથી લોકોના હાલ બેહાલ : બીજી લહેર બાદ ગરીબ-મધ્યમવર્ગની સ્થિતિ વધુ કફોડી બને તેવી શંકા, એપ્રિલ-મેમાં ૧૦ કરોડ લોકોએ નોકરી ગુમાવી

નવી દિલ્હી, તા. ૭ : ભારતમાં કોરોનાનો કહેર લોકોને મોતના મુખમાં ધકેલી રહ્યો છે અને સાથે સાથે આર્થિક રીતે પણ બેહાલ કરી રહ્યો છે.

મોટી સંખ્યામાં લોકો ગરીબી રેખા નીચે ફરી ધકેલાઈ રહ્યા છે.અઝીમ પ્રેમજી યુનિવર્સિટીના એક રિપોર્ટમાં કહેવાયુ છે કે, કોરોનાનો સૌથી વધારે માર ગરીબોને પડ્યો છે.૨૦૨૦માં માર્ચ મહિનાથી ઓક્ટોબર મહિનાની વચ્ચે ૨૩ કરોડ મજૂરોની કમાણી લઘુતમ વેતન દર કરતા પણ ઓછી થઈ છે.ભારતમાં એક દિવસનો લઘુતમ વેતન દર ૩૭૫ રુપિયા છે.

રિપોર્ટમાં કહેવાયુ છે કે, શહેરી વિસ્તારોમાં ગરીબનુ પ્રમાણ ૨૦ ટકા અને ગ્રામ્ય વિસ્તારોમાં ૧૫ ટકા વધ્યુ છે.જોકે કોરોનાની બીજી લહેર બાદ ગરીબ અને મધ્યમવર્ગની સ્થિતિ વધારે કફોડી બનશે તેવી આશંકા છે.ગયા વર્ષે એપ્રિલ અને મે મહિના દરમિયાન ૨૦ ટકા ગરીબ પરિવારો એવા હતા જેમણે પોતાની પૂરી આવક ગુમાવી દીધી હતી.લોકડાઉનના બે મહિના એટલે કે એપ્રિલ અને મે દરમિયાન લગભગ ૧૦ કરોડ લોકોએ નોકરી ગુમાવી હતી.જ્યારે ૧.૫ કરોડ લોકો આખુ વર્ષ બેકાર રહ્યા હતા. કોવિડની સૌથી વધારે અસર યુવા વર્ગ પર પડી છે.૧૫ થી ૨૪ વર્ષના વર્ગમાં ૩૩ ટકા લોકોને ડિસેમ્બર સુધી રોજગાર મળ્યો નથી.જ્યારે ૨૫ થી ૪૪ વર્ષના ૬ ટકા લોકો રોજગાર ગુમાવી ચુક્યા હતા.

(9:13 pm IST)