મુખ્ય સમાચાર
News of Friday, 7th May 2021

સુપ્રીમ કોર્ટે સેન્ટ્રલ વિસ્ટા કેસમાં દખલ કરવાનો કર્યો ઇન્કાર : કહ્યું - હાઇકોર્ટમાં વિચારાધીન છે

હાઇકોર્ટના ચીફ જસ્ટિસ પાસેથી સુનાવણીની વિનંતી કરી શકે

સુપ્રીમ કોર્ટે સેન્ટ્રલ વિસ્ટા કેસમાં દખલ કરવાનો ઇનકાર કર્યો છે. અરજદારને સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે તે સોમવારે હાઇકોર્ટના ચીફ જસ્ટિસ પાસેથી સુનાવણીની વિનંતી કરી શકે છે, હાઈકોર્ટ હાલમાં આ કેસની સુનાવણી કરી રહી છે અને અમે દખલ નહીં કરીએ.

 અત્રે ઉલ્લેખનીય છે કે, સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ પર રોક લગાવવા માટે સુપ્રીમ કોર્ટમાં પીટીશન દાખલ કરવામાં આવી હતી. અરજદારના વકીલ સિદ્ધાર્થ લુથરાના જણાવ્યા પ્રમાણે, આ મુદ્દો ખૂબ જ સરળ છે, આ પ્રોજેક્ટ જાન્યુઆરીમાં પસાર થઈ ગયો છે. પરંતુ જ્યાં સુધી માનવીય જીવનની વાત છે, ત્યાં સુધી આપણી માનવીય જીંદગીની સુરક્ષા કરવાની સરકારની ફરજ છે.

તેમણે વધુમાં કહ્યું કે, આ મામલે ચિંતિત થવાની જરૂર નથી, જ્યારે સરકાર માત્ર 3-4 કિલોમીટરના નિર્માણને લઈને ચિંતિત છે. અરજદારે કહ્યું હતું કે, દેશમાં સ્વાસ્થ્ય પ્રણાલી સંપૂર્ણ રીત વિફળ છે. તેમણે સવાલ ઉઠાવ્યો કે, જ્યારે દેશમાં આરોગ્ય ઇમરજન્સી જેવો માહોલ છે ત્યારે નિર્માણ કાર્ય કેવી રીતે ચાલી રહ્યું છે. જ્યારે શ્રમિકોનું સ્વાસ્થ્ય બગડશે તો સ્થિતિ વધુ ચિંતાગ્રસ્ત થશે. અમે સંપૂર્ણ પ્રોજેક્ટ પર રોક લગાવવા નથી માગતા પરંતુ ઇન્ડિયા ગેટ આસપાસ રોક લગાવવામાં આવે તેવું ઇચ્છી રહ્યા છીએ. દિલ્હી હાઇકોર્ટે આ અરજી અંગેની સુનાવણી 17 મે સુધી ટાળી દીધી છે

  અત્રે ઉલ્લેખનીય છે કે 20,000 કરોડના ખર્ચે બની રહેલ સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટનું નિર્માણને જરૂરી સેવાઓની કેટેગીરીમાં સ્થાન આપવામાં આવ્યું છે. જેને લઈને વિપક્ષે ખૂબ જ વિરોધ દર્શાવ્યો છે. દિલ્હીમાં હાલ લૉકડાઉન લાગુ છે.

(7:25 pm IST)