મુખ્ય સમાચાર
News of Friday, 7th May 2021

કોરોના પર PM મોદીના ફોનની હેમંત સોરેને ઉડાવી 'મજાક': BJP લાલચોળઃ નવો વિવાદ શરૂ

હેમંત સોરેને ખુદ ટ્વીટ કરી તેની જાણકારી આપી છેઃ સાથે તેમણે આ ટવીટમાં પ્રધાનમંત્રી મોદી પર એકતરફા સંવાદનો આરોપ લગાવતા કટાક્ષ પણ કર્યો છે

રાંચી, તા.૭: પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ કેટલાક રાજયોના મુખ્યમંત્રી સાથે ફોન પર વાત કરી કોરોના મહામારીની સ્થિતિ વિશે જાણકારી મેળવી હતી. પીએમ મોદીએ ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનને પણ ફોન કર્યો હતો. હેમંત સોરેને ખુદ ટ્વીટ કરી તેની જાણકારી આપી છે. સાથે તેમણે આ ટ્વીટમાં પ્રધાનમંત્રી મોદી પર એકતરફા સંવાદનો આરોપ લગાવતા કટાક્ષ પણ કર્યો છે.

હેમંત સોરેને કહ્યુ કે, સારૂ હોત જો પીએમ મોદી કામની વાત કરત અને કામની વાત સાંભળત. મુખ્યમંત્રી હેમંત સોરેને ટ્વીટમાં કહ્યુ કે, આજે આદરણીય પ્રધાનમંત્રી જીએ ફોન કર્યો. તેમણે માત્ર પોતાના મનની વાત કરી. સારૂ હોત તે કામની વાત કરત અને કામની વાત સાંભળત.

હેમંત સોરેને આ રીતે સોશિયલ મીડિયા પર સીધો પીએમ મોદી પર કટાક્ષ કર્યો તો જવાબમાં કેન્દ્રીય મંત્રીઓ અને ભાજપ શાસિત રાજયોના મુખ્યમંત્રીઓની ફોજ ઉતરી આવી. કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજૂએ હેમંત સોરેનને જવાબ આપતા લખ્યુ- મહેરબાની કરી બંધારણીય પદોની ગરિમાને આ રીતે નીચલા સ્તર પર ન લઈ જાવ. મહામારીના મુશ્કેલ સમયમાં કોઈ રાજનીતિ ન થવી જોઈએ, આપણે એક ટીમ ઈન્ડિયા છીએ.

અસમ સરકારમાં મંત્રી હિમંત બિસ્વ સરમાએ સોરેનને જવાબ આપતા લકયુ કે, તમારૂ આ ટ્વીટ ન  માત્ર ન્યૂનતમ મર્યાદાની વિરુદ્ઘ છે પરંતુ તે રાજયની જનતાની પીડાની પણ મજાક ઉડાવવી છે, જેની સ્થિતિ જાણવા માટે માનનીય પ્રધાનમંત્રી જીએ ફોન કર્યો. ખુબ નાની હરકત કરી દીધી તમે. મુખ્યમંત્રી પદની ગરિમા ઘટાડી દીધી.

તો નાગાલેન્ડના મુખ્યમંત્રી નેફી રિયોએ લખ્યુ કે, મુખ્યમંત્રીના રૂપમાં મારા ઘણા વર્ષોના કાર્યકાળ દરમિયાન પ્રધાનમંત્રી મોદી રાજય પ્રત્યે ખુબ સંવેદનશીલ રહ્યા છે. હું હેમંત સોરેનના આ નિવેદનને નકારૂ છું. મીડિયા રિપોર્ટ પ્રમાણે હેમંત સોરેન નાખુશ છે કારણ કે તેમને પોતાના રાજય સંબંધિત મુદ્દા વિશે માહિતગાર કરાવવાની મંજૂરી આપવામાં ન આવી. પ્રધાનમંત્રીએ માત્ર કોવિડની સ્થિતિ પર ચર્ચા કરી. તો દેશભરમાં ફેલાયેલી કોરોનાની બીજી લહેરનો સામનો કરવા માટે ઝારખંડ સરકાર શું પગલા ભરવા જઈ રહી છે. તેને લઈને મુખ્યમંત્રી હેમંત સોરેને પોતાની રણનીતિ જણાવી હતી. તેમણે કહ્યુ કે, કોરોનાના વધતા સંક્રમણ પર અમારી નજર છે અને તેનો સામનો કરવા માટે જેવા-જેવા પડકાર સામે આવશે તે પ્રમાણે રણનીતિ તૈયાર કરવામાં આવશે.

(4:19 pm IST)