મુખ્ય સમાચાર
News of Friday, 7th May 2021

રાજસ્થાનના રણજી ટ્રોફી ખેલાડી વિવેક યાદવનું કોરોનાથી અવસાન

આકાશ ચોપડાએ ટ્વીટ કરી દુઃખ વ્યકત કર્યુ

જયપુરઃ રાજસ્થાનના પૂર્વ લેગ સ્પિનર અને રણજી ટ્રોફી ચેમ્પિયન બનનાર ટીમના સભ્ય રહી ચુકેલા વિવેક યાદવ કોરોના સામેનો જંગ હારી ગયા છે. આ ક્રિકેટર ૩૬ વર્ષના હતા પરિવારમાં પત્ની અને એક પુત્રી છે.

ભારતના પૂર્વ ઓપનર અને હાલ કોમેન્ટેટર આકાશ ચોપડાએ ટ્વીટ કર્યું છે કે રાજસ્થાનના રણજી ખેલાડી અને તેના નજીકના મિત્ર વિવેક યાદવ હવે આ દુનિયામાં રહ્યા નથી. ભગવાન તેના આત્માને શાંતિ અર્પે મારી સંવેદના તેમના પરિવારની સાથ છે.યાદવે પ્રથમ કક્ષાના ૧૮ મેચોમાં ૫૭ વિકેટ લીધી છે અને ૨૦૧૦- ૧૧માં રણજી ટ્રોફી ફાઈનલમાં પણ રમી ચુકયો છે. બરોડા સામેના ફાઈનલ મુકાબલામાં ૯૧ રન આપી ૪ વિકેટો લીધી હતી અને રાજસ્થાનને ચેમ્પિયન બનાવવા પોતાનો સિંહફાળો આપ્યો હતો.

યાદવની કેન્સરની સારવાર ચાલુ હતી અને કીમોથેરાપી માટે હોસ્પિટલ ગયા હતા. જયાં ટેસ્ટ કરતા તેનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. ત્યારબાદ તેની તબીયત બગડી ગઈ હતી અને તેમનું અવસાન થયું હતું.

(3:28 pm IST)