મુખ્ય સમાચાર
News of Friday, 7th May 2021

બંગાળમાં હવે વિપક્ષના નેતાની પસંદગી માટે ભાજપમાં ભારે ખેંચતાણ

મુકુલરોય અથવા શુભેન્દુ અધિકારીની પસંદગી

નવીદિલ્હીઃ ભાજપમાં હવે વિધાનસભામાં વિપક્ષના નેતાપદે કોને બેસાડવા એ મુદ્દે ખેંચતાણ શરૂ થઈ છે. અમિતભાઈ શાહ આ હોદ્દા માટે મુકુલ રોયની તરફેણ કરી રહ્યાં છે જ્યારે જે.પી. નડ્ડા શુભેન્દુ અધિકારીની તરફેણમાં છે.

બીજી તરફ પ્રદેશ પ્રમુખ દિલીપ ઘોષ શુભેન્દુ કે મુકુલ બંનેને તડકે મૂકીને કોઈ નવા યુવા ચહેરાને આ હોદ્દા પર બેસાડવાની તરફેણમાં છે તેથી બરાબરનો જંગ જામ્યો છે. ઘોષનો મત છે કે શુભેન્દુ અને રોય બંને મમતા સાથે ગદ્દારી કરીને ભાજપમાં આવ્યા છે તેથી ભરોસાપાત્ર નથી. ભાજપના કાર્યકરોનો જુસ્સો જાળવવા મૂળ ભાજપના જ કોઈ યુવા ચહેરાને આગળ કરવો જોઈએ.

ભાજપ માટે મુશ્કેલી એ છે કે, મમતાની આંધીમાં સ્વપ્ન દાસગુપ્તા, બાબુલ સુપ્રિયો, લોકેટ ચેટર્જી સહિતના ભાજપના ટોચના તમામ નેતા હારી ગયા છે. માત્ર શુભેન્દુ અધિકારી અને મુકુલ રોય એ બે જ જાણીતા ચહેરા જીત્યા છે. બંનેને અવગણીને કોઈ ત્રીજાને બેસાડવાથી તૃણમૂલ કોંગ્રેસમાંથી આવેલા નેતાઓ અને કાર્યકરો નારાજ થઈ જાય એવો ભાજપને ડર છે.

(3:25 pm IST)