મુખ્ય સમાચાર
News of Friday, 7th May 2021

પન્નાલાલ ફ્રૂટ્સના આધારસ્તંભ ત્રણે ભાઈઓના નિધન

રાજકોટના પ્રતિષ્ઠિત - સેવાભાવી પરિવાર પર આભ તૂટ્યુ : ૨૦ દિવસના ગાળામાં કોરોનાએ ત્રણ સગા ભાઈઓના જીવ લીધા : સેવાભાવી વૃદ્ધ પિતા પર પરિવારનો બોજ આવી ગયો : મૃતક ત્રણે ભાઈઓ હસમુખા અને અન્યને ઉપયોગી થવાનો સ્વભાવ ધરાવતા હતા : ન્યુ જાગનાથ મેઈન રોડ તથા વિરાણી ચોક વિસ્તારમાં ખૂબ લોકપ્રિય હતા : વૃદ્ધ પિતાની કુદરતે આકરી કસોટી આદરી

રાજકોટ, તા. ૭ : કાળમુખા કોરોનાએ કેટલાય પરિવારોને વેરવિખેર અને નોધારા બનાવી દીધા છે. કોરોનાને કારણે મૃત્યુનો સિલસિલો સતત ચાલુ જ રહ્યો છે ત્યારે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર - ગુજરાતમાં ફ્રૂટના બિઝનેસમાં વર્ષો જૂની પ્રતિષ્ઠિત અને વિખ્યાત પેઢી 'પન્નાલાલ ફ્રૂટ્સ'ના આધારસ્તંભ ગણાતા ત્રણેય સગા ભાઈઓને માત્ર ૨૦ દિવસના ટૂંકાગાળામાં કોરોનાએ છીનવી લીધા છે. આ અતિ કરૂણ બનાવને કારણે સમગ્ર જસાણી (સિંધી) પરિવાર ઉપર દુઃખનું આભ ફાટી પડ્યુ છે. કુટુંબીજનોના હૈયાફાટ રૂદને પથ્થરસમા કઠણ કાળજાના વ્યકિતને પણ પીગળાવી અને થથરાવી દીધા છે. ત્રણેય સગા ભાઈઓના અકાળે દુઃખદ અવસાનથી સ્વર્ગસ્થના વયોવૃદ્ધ પિતાશ્રી લક્ષ્મણદાસભાઈ પણ હતપ્રત બની ગયા છે.

લક્ષ્મણદાસભાઈ જસાણીના સૌથી મોટા પુત્ર ઓમપ્રકાશભાઈ (ઓમભાઈ) (ઉ.વ.૬૦) ૩ એપ્રિલે કોરોનાગ્રસ્ત થયા હતા અને હોમ આઈસોલેશનમાં હતા. તેઓનું ઓકિસજન લેવલ સ્ટેબલ ન રહેતા અને કોરોનાની અસર વધી જતા તા.૧૩ એપ્રિલના રોજ તેઓનું દુઃખદ અવસાન થયુ હતું. સ્વર્ગસ્થની સાથે તેમના સૌથી નાનાભાઈ ગીરીશભાઈ (રાજાભાઇ) (ઉ.વ.૪૫ આશરે) ૮ એપ્રિલે કોરોના પોઝીટીવ આવ્યા હતા. તેઓએ પણ હોસ્પિટલમાં લાંબી સારવાર બાદ ૨૨ એપ્રિલે અંતિમ શ્વાસ લીધા હતા. માત્ર ૧૦ દિવસમાં જ કુટુંબના બે આધારસ્તંભ અનંતયાત્રાએ નીકળી જવાથી સમગ્ર કુટુંબીજનો શોકમાં ગરકાવ થઈ ગયા હતા. સ્વ.ઓમપ્રકાશભાઈની દીકરીની તો સગાઈ પણ થઈ ગઈ હતી અને આવતા સપ્ટેમ્બર મહિનામાં તેમના લગ્ન પણ નક્કી થઈ ગયા હોવાનું જાણવા મળે છે. સ્વ.રાજાભાઈને પણ એક દીકરી છે. બંને દીકરીઓના હૈયાફાટ રૂદને સૌ કોઈની આંખમાં આંસુનો દરીયો લાવી દીધો હતો.

બંને સ્વર્ગસ્થ ભાઈઓના દુઃખદ અવસાનના આઘાતમાંથી પરીવાર બહાર આવે એ પહેલા જ વચ્ચેના ભાઈ યશવંતભાઈ (હકાભાઈ) (ઉ.વ.૪૭ આશરે)ની તબિયત લથડતા તેઓને કોરોનાની સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. લગભગ ૧૧ દિવસની સારવાર બાદ સ્વ.હકાભાઈને હોસ્પિટલમાંથી સફળ સારવારના ભાગરૂપે રજા પણ આપી દેવામાં આવી હતી.

પરંતુ કુદરતને કંઈક અલગ મંજૂર હતું. ઘરે આવ્યાના બે જ દિવસમાં સાંજે ૪ વાગ્યા આસપાસ સ્વ.યશવંતભાઈ (હકાભાઈ)ની તબિયત લથડતા તેઓને તાબડતોબ હોસ્પિટલે ખસેડાયા હતા. પરંતુ ડોકટર્સે તથા કુટુંબીજનોના અથાગ પ્રયત્નો કારગત નિવડ્યા ન હતા અને પન્નાલાલ ફ્રૂટ્સના ત્રીજા આધારસ્તંભે પણ અનંતની વાટ પકડી લીધી. કુટુંબ, પરીવાર, સગા - સ્નેહીઓમાં વર્ણવી ન શકાય તેવા અતિ કરૂણ અને આઘાત જનક દૃશ્યો સર્જાયા. કોણ કોને સંભાળે અને છાના રાખે તેવી હૃદયદ્રાવક સ્થિતિ નિર્માણ થઈ અને દુઃખભર્યા આંસુઓનો દરીયો વહ્યો. ખેર, કુદરતની ઈચ્છા સામે સૌ કોઈ લાચાર થઈ જાય છે. સ્વર્ગસ્થના પરીવારજનોને ઈશ્વર આઘાત સહન કરવાની શકિત આપે અને પન્નાલાલ ફ્રૂટ્સ પરીવારની નવી પેઢીને પ્રતિષ્ઠિત અને ધમધમતો બિઝનેસ સતત જાળવી રાખવાની અને આગળ વધારવાની શકિત આપે એ જ પ્રભુ પાસે પ્રાર્થના.

સ્વ.યશવંતભાઈ (હકાભાઈ)ને સંતાનમાં ૧૮ વર્ષીય અને ૧૯ વર્ષીય એમ બે પુત્રો છે અને તેઓ પણ છેલ્લા મહિનાઓથી સમયાંતરે પેઢી ઉપર વેપાર પણ સંભાળતા જોવા મળી રહ્યા છે.

સ્વર્ગસ્થ ત્રણેય ભાઈઓના સદાય હસતા ચહેરા અને અન્યને મદદરૂપ થવાનો સ્વભાવ ૨૦ ન્યુ જાગનાથ મેઈન રોડ તથા વિરાણી ચોક વિસ્તાર, રાજકોટ આસપાસના તમામ વેપારીઓ અને રહેવાસીઓ કયારેય ભૂલી નહિં શકે.

જે ફ્રૂટ કદાચ સૌરાષ્ટ્રમાં કયાંય ન મળતુ હોય તે પન્નાલાલ ફ્રૂટ, ૨૦ ન્યુ જાગનાથ તથા વિરાણી ચોક, રાજકોટ ખાતે અચુક મળી જાય તેવુ મોટાભાગના લોકો દૃઢપણે માને છે. અરે ન્યુ જાગનાથ પ્લોટમાં કોઈને સરનામુ સમજાવવુ હોય તો પણ 'પન્નાલાલ ફ્રૂટ્સ'ને માઈલસ્ટોન માનીને એડ્રેસ સમજાવવામાં આવતુ હોય છે. ઈશ્વર સ્વર્ગસ્થ ત્રણેય ભાઈઓના આત્માને શાંતિ આપે એ જ પ્રાર્થના.

(3:11 pm IST)