મુખ્ય સમાચાર
News of Friday, 7th May 2021

દરેક પરિવારને રૂ. ૪૦૦૦ : મહિલાઓને બસમાં ફ્રી મુસાફરી : અવિન દુધના ભાવમાં રૂ.૩નો ઘટાડો

કોરોના દર્દીના ખાનગી હોસ્પિટલનો ખર્ચો સરકાર ભોગવશે : તામિલનાડુમાં શપથ લીધા બાદ સ્ટાલિને લીધા ધડાધડ નિર્ણય : પ્રજા ખુશખુશાલ

ચેન્નાઇ તા. ૭ : તામિલનાડુના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિને રાજ્યના મુખ્યમંત્રી પદની શપથ લીધા બાદ પહેલી મોટી ઘોષણા કરીને કોરોના રાહતના રૂપે રાજ્યના ૨.૦૭ કરોડ રેશનકાર્ડ ધારક પરિવારને ૪ હજાર રૂપિયા આપવાના આદેશ પર હસ્તાક્ષર કર્યા. આદેશના જણાવ્યા મુજબ ૨ હજાર રૂપિયાનો પ્રથમ હપ્તો મહિનામાં આપવામાં આવશે. આ ઉપરાંત મુખ્યમંત્રીએ દુધના ભાવ પણ ઘટાડવાનું એલાન કર્યું છે.

મુખ્યમંત્રી એમ.કે.સ્ટાલિને એવિન દુધના ભાવમાં ઘટાડો કરીને રાજ્યના લોકોની રાહત આપી છે. આ ઉપરાંત સરકારી પરિવહન બસોમાં મહિલાઓ માટે નિઃશુલ્ક યાત્રાની ઘોષણા કરી છે. તેમની પાર્ટી દ્રમુકે ૬ એપ્રિલે વિધાનસભામાં આ દરેક વાયદા કર્યા હતા.

એક સત્તાવાર અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે મુખ્યમંત્રી તરીકે કાર્યભાર સંભાળ્યા બાદ પ્રથમ આદેશ જાહેર કરીને સ્ટાલિને પ્રાઇવેટ હોસ્પિટલોમાં કોરોનાની સારવારને સરકારી વીમા યોજના હેઠળ લાવવાની પણ ઘોષણા કરી જેથી લોકોને રાહત મળી શકે.

આ ઉપરાંત એક અન્ય આદેશ પર પણ હસ્તાક્ષર કરીને રાજ્ય દ્વારા સંચાલિત એવિન દુધના ભાવમાં ત્રણ રૂપિયાનો ઘટાડો કર્યો છે. આ આદેશ ૧૬ મેથી લાગુ થશે. સરકારે તેના માટે સબસીડી તરીકે ૧૬૦૦ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે.

સાથે જ તેઓએ તેમના નિર્વાચન ક્ષેત્રમાં મુખ્યમંત્રી યોજનાને લાગુ કરવા માટે એક આઇએએસ અધિકારીની અધ્યક્ષતાવાળા વિભાગનું ગઠન કરવાને પણ મંજુરી આપી જેથી લોકોની ફરિયાદોનું ૧૦૦ દિવસની અંદર સમાધાન કરી શકાય.

(4:09 pm IST)