મુખ્ય સમાચાર
News of Sunday, 7th March 2021

તમિલનાડુમાં બે જવેલર્સના ઠેકાણા પર આવકવેરા વિભાગના દરોડા : 1000 કરોડની બેનામી સંપત્તિ મળી : 1.2 કરોડ રોકડા જપ્ત: નોટબંધી દરમિયાન રોકડ જમા કરાવવાના પુરાવા પણ મળ્યા

ચેન્નાઇ, કોયંબટૂર, મદુરાઇ, ત્રિચી, ત્રિશૂર, નેલ્લોર, જયપુર અને ઇંદોરના 27 ઠેકાણાઓ પર દરોડા

ચેન્નાઇ : ઇન્કમ ટેક્ટ ડિપાર્ટમેન્ટએ તમિલનાડુના બે જ્વેલર્સ વેપારીઓના ઠેકાણા પર દરોડા પાડ્યા હતા. જેમાથી એક રાજ્યનો લીડિંગ ટ્રેડર્સ અને બીજો જ્વેલર્સ રિટેલર છે. આ દરોડા 4 માર્ચે ચેન્નાઇ, કોયંબટૂર, મદુરાઇ, ત્રિચી, ત્રિશૂર, નેલ્લોર, જયપુર અને ઇંદોરના 27 ઠેકાણાઓ પર પાડવામાં આવ્યા હતા. આ દરોડામાં 1000 કરોડ રૂપિયાની બેનામી સંપત્તિની જાણકારી મળી છે. આ સિવાય 1.2 કરોડ રૂપિયા રોકડા પણ જપ્ત કરવામાં આવ્યા છે.

સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ (CBDT)એ દાવો કર્યો હતો કે, દરોડા દરમિયાન 1.2 અબજ રૂપિયાની અઘોષિત રોકડ પણ કબજે કરવામાં આવી છે. સીબીડીટીએ દાવો કર્યો છે કે બુલિયન વેપારીના ઠેકાણાથી મળેલા પુરાવા બહાર આવ્યા છે કે રોકડ વેચાણ, બનાવટી રોકડ ક્રેડિટ, બિનહિસાબી રોકડ થાપણો, ખરીદી માટેના લોનની આડમાં ડમી ખાતામાં રોકડ રકમ જમા કરાઈ હતી.

આ સિવાય નોટબંધીના સમયગાળા દરમિયાન રોકડ રકમ જમા કરવા અંગેની માહિતી પણ મળી છે.

જ્વેલરી રિટેલરના પરિસરમાંથી મળેલા પુરાવાથી જાણકારી મળી છે કે, ટેક્સપેયર્સ એ લોકલ ફાઇનાન્સર પાસેથી કેશમાં લોન લીધી અને તેની ચૂકવણી કરી. બિલ્ડરોને કેશમાં લોન આપી અને રિયલ એસ્ટેટ પ્રોપર્ટીમાં કેશમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું. બેહિસાબ સોનાની ખરીદી કરી અને ખોટી રીતે ખોટા દેવાનો દાવો કર્યો. આ ઉપરાંત જૂના સોનાને સોના અને ઝવેરાતમાં રૂપાંતરિત કરવાના પુરાવા પણ મળી આવ્યા છે.

(10:57 pm IST)