મુખ્ય સમાચાર
News of Sunday, 7th March 2021

કોરોના વેક્સિનના કાચા માલ પર અમેરિકાએ પ્રતિબંધ મૂક્યો

વેક્સિનની પ્રક્રિયા પર મોટા સંકટના એંધાણ : આ પ્રતિબંધ સ્થાયી નથી પરંતુ તેના કારણે આગામી થોડા સમયમાં વેક્સિન ઉત્પાદન પર અસર જરૂર પડી શકે છે

નવી દિલ્હી, તા. : લોકોને કોરોના વાયરસથી બચાવવા માટે વિશ્વના તમામ દેશો વેક્સિનેશન પર જોર આપી રહ્યા છે. પરંતુ આગામી થોડા દિવસોમાં વેક્સિનેશનની પ્રક્રિયા સામે ભારે મોટું સંકટ આવી શકે તેમ છે. વેક્સિન બનાવવા માટે જે વસ્તુઓનો ઉપયોગ થાય છે તેના કાચા માલના પુરવઠા પર અમેરિકાએ પ્રતિબંધ મુકી દીધા છે.

પ્રતિબંધ સ્થાયી નથી પરંતુ તેના કારણે આગામી થોડા સમયમાં વેક્સિન ઉત્પાદન પર અસર જરૂર પડી શકે છે. નોવાવેક્સ કંપનીની વેક્સિન માટે સમસ્યા વધુ જટિલ બનશે કારણ કે, વેક્સિનનું ઉત્પાદન સંપૂર્ણપણે અમેરિકાથી મળતા કાચા માલ પર નિર્ભર કરે છે.

વિશ્વને ૮૦ ટકા વેક્સિન પૂરી પાડતા પુણે ખાતેની સીરમ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયાના સીઈઓ અદર પૂનાવાલાએ અમેરિકી પ્રતિબંધ સામે સવાલો કર્યા છે. પૂનાવાલાએ વિશ્વ બેંક દ્વારા આયોજિત ચર્ચા સત્રમાં મુદ્દો ઉઠાવીને અમેરિકી કાયદાના કારણે આગામી દિવસોમાં ખૂબ અડચણ ઉભી થઈ શકે છે તેમ કહ્યું હતુંતેમણે જણાવ્યું કે, વેક્સિન માટેની બેગ, ફિલ્ટર, કેપ અને તેના પેકિંગમાં વપરાતી વસ્તુઓની નિકાસ કરવામાં આવે છે. વિશ્વમાં તેનું સૌથી વધારે ઉત્પાદન અમેરિકામાં થાય છે. હાલ સમગ્ર વિશ્વને મોટા પાયે વેક્સિનની જરૂર છે. અમેરિકા આટલી માંગ પૂરી કરવાની ક્ષમતા ધરાવે છે પરંતુ તેણે થોડા સમય પહેલા પ્રતિબંધ મુકી દીધો. હકીકતે બાઈડન પ્રશાસને અમેરિકામાં વેક્સિનેશન કાર્યક્રમને ગતિ આપવા માટે ડિફેન્સ પ્રોડક્શન એક્ટ લાગુ કરવાની જાહેરાત કરી છે. ત્યાર બાદ કાચા માલની નિકાસને લઈ વેક્સિન ઉત્પાદન કંપનીઓ સવાલ કરી રહી છે.

(12:00 am IST)