મુખ્ય સમાચાર
News of Wednesday, 7th March 2018

વેપારીઓને ઇ- વે બિલ - રિફંડ - રિટર્નમાં રાહતો આપવા તૈયારી

શનિવારે જીએસટી કાઉન્સીલની બેઠકઃ સપ્લાયર્સને અપાશે રાહતઃ નાના ઓર્ડર માટે ઇ-વે બિલની જરૂર નહિ રહેઃ ૧લી એપ્રિલથી ઇ-વે બિલ પ્રથા લાગુ થશેઃ જીએસટીમાં ત્રણને બદલે એક જ રિટર્ન ભરવાની મંજુરી અપાશેઃ માત્ર ૩બીના આધારે બધા રિટર્ન પૂરા થઇ શકશેઃ રિફંડમાં બિલ મેચિંગ સિસ્ટમ બંધ થશેઃ તમામ પ્રક્રિયાઓ સરળ બનાવવા તૈયારી

નવી દિલ્હી તા. ૭ : ઇ-કોમર્સ અને એફએમસીજી સપ્લાયર્સને ઇ-વે બિલમાં રાહત આપવાની તૈયારી થઇ રહી છે. જે હેઠળ એક જ રાજ્યની અંદર પુરવઠાની મોટી ખેપમાં સામેલ નાના ઓર્ડરો માટે જીએસટી વ્યવસ્થા માટે ઇ-વે બિલની જરૂર નહિ રહે. ઇ-વે બિલ રાજ્યની અંદર ૫૦,૦૦૦ રૂપિયાથી વધુના મૂલ્યની વસ્તુ સુધી સીમિત રહેશે.

 

શનિવારે યોજાનાર જીએસટી પરિષદની બેઠકમાં ઉદ્યોગ માટે રાહતલક્ષી પગલાના ભાગરૂપે ઇ-વે બિલમાં આ પ્રકારનો ફેરફાર કરવા નિર્ણય લેવાઇ શકે છે, જો કે માલના આંતરરાજ્ય પરિવહન માટે આ પ્રકારની છુટ નહિ મળે.

એક સરકારી અધિકારીના જણાવ્યા પ્રમાણે ઉદ્યોગની માંગને અનુરૂપ ઇ-વે બિલ નિયમમાં ફેરફારો કરવામાં આવશે. જેના કારણે રાજ્યની અંદર નાના-નાના ઓર્ડરો માટે અનેકવિધ ઇ-વે બિલની જરૂર નહિ રહે. આ પગલાનો હેતુ કંપનીઓને પડતી મુશ્કેલી દુર કરવાનો છે.

આનો અર્થ એ થયો કે, જો કોઇ ટ્રક ૨૦ ઓર્ડર લઇ માલ આપવા માટે નીકળે અને એમાંથી ૪ ઓર્ડરની કિંમત ૫૦,૦૦૦ રૂપિયાથી વધુ હોય તો ફકત ચાર ઇ-વે બિલ તૈયાર કરવા પડશે. એવામાં આઇફોન અને અન્ય કિંમતી ઉપકરણો માટે ઇ-કોમર્સ કંપનીઓને ઇ-વે બિલની જો કે જરૂર પડશે. અંતર્દેશીય કન્ટેનર ડેપો (ICD)થી બંદર સુધીની નિકાસ માટે પણ ઇ-વે બિલથી છુટ મળશે.

એવી આશા છે કે, જીએસટી પરિષદ ૧લી એપ્રિલથી ઇ-વે બિલ લાગુ કરવા અંગે અંતિમ સ્વરૂપ આપી દેશે. મંત્રી સમૂહે પણ ૧લીથી લાગુ કરવા ભલામણ કરી છે. એક અન્ય અધિકારીનું કહેવું છે કે, રાજ્ય મહેસુલ ચોરી રોકવા માાટે ઇ-વે બિલને તુરંત લાગુ કરવા ઇચ્છે છે.

ઇ-વે બિલની કાયદેસરતા ૧૦૦ કિમી માટે ૨૪ કલાકની રહેશે. જો કે સરકાર ૨૪ કલાકથી વધુ સમય સુધી ટ્રકને અટકવાની સ્થિતિમાં ઇ-વે બિલની કાયદેસરતા પણ વધારી શકે છે.

જીએસટી સંગ્રહમાં ઘટાડો થતાં જીએસટી પરિષદે ઇ-વે બિલને આંતરરાજ્ય અવર-જવર માટે ૧લી ફેબ્રુ.થી અને રાજ્યની અંદર ૧લી જુનથી લાગુ કરવા નિર્ણય લીધો હતો પણ પ્રથમ દિવસે જ પોર્ટલ ક્રેશ થતાં તે ટાળી દેવાયો હતો.

આની સાથોસાથ જીએસટીઆર ૩બી રિટર્ન ભરવાનો ગાળો પણ વધારીને ૬ માસ કરી દેવાય તેવી શકયતા છે. નવેમ્બરમાં પરિષદે કરદાતાની સુવિધા જોતા જીએસટીઆર ૩બીને ૩૧ માર્ચ સુધી ટાળી દીધું હતું. હવે આશા છે કે, શનિવારની બેઠકમાં તેને અંતિમ ઓપ અપાશે. પરિષદની બેઠકમાં બિલોનું મેળવણુ તથા રિટર્ન દાખલ કરવાની પ્રક્રિયા ઉપર પણ ચર્ચા થશે. ૩ રિટર્ન જીએસટીઆર ૧, ૨ અને ૩ તથા સારાંશ રિટર્ન જીએસટીઆર ૩બીની જગ્યાએ એક જ વખતમાં રિટર્ન દાખલ કરવા ઉપર પણ ચર્ચા થશે.

આ બેઠકમાં જીએસટી રિટર્ન અને રિફંડ પર રાહત આપવા પણ ચર્ચા થશે. વેપારીઓને માટે ત્રણને બદલે એક જ ફોર્મ ભરવાની વ્યવસ્થા લાગુ થઇ શકે છે. એટલે કે એક ફોર્મના આધારે રિટર્ન ભરી શકાશે. માત્ર ફોર્મ ૩બીના આધારે બધા રિટર્ન ભરી શકાશે. આ સિવાય રિફંડના મામલામાં વેપારીઓને બિલ મેચિંગ સિસ્ટમથી છુટકારો મળી શકે છે. બીજી તરફ ૧લી એપ્રિલથી ઇ-વે બિલ સિસ્ટમ શરૂ કરાય તેવી શકયતા છે.

રિફંડની પ્રક્રિયા સરળ કરાય તેવી શકયતા છે. અત્યારે રિફંડ માટે બિલ મેચિંગ પ્રક્રિયા જરૂરી છે એટલે કે જેણે માલ વેંચ્યો અને જેણે માલ ખરીદ્યો તેના બિલોનું મેચિંગ જરૂરી છે. કાઉન્સીલ આ શરતને દુર કરી શકે છે.(૨૧.૧૨)

(10:29 am IST)