મુખ્ય સમાચાર
News of Tuesday, 7th February 2023

ભૂકંપથી થયેલી તબાહીનો ફાયદો ઉઠાવ્‍યો ત્રાસવાદીઓએ : જેલથી ફરાર થયા ૨૦ આતંકી

જેલની દિવાલ તૂટતા જ ૨૦ નાલાયકો ફરાર થઇ ગયા

નવી દિલ્‍હી તા. ૭ : સોમવારે તુર્કીમાં આવેલા ભૂકંપે સીરિયામાં પણ ભારે તબાહી મચાવી છે. સીરિયામાં અત્‍યાર સુધીમાં ૨૧૦૦થી વધુ લોકોના મોત થયા છે. તેમાંથી ૧,૪૪૪ લોકોના મોત સરકાર દ્વારા નિયંત્રિત વિસ્‍તારોમાં થયા છે. જયારે વિદ્રોહીઓના કબજા હેઠળના સીરિયાના વિસ્‍તારમાં ૭૩૩ લોકોએ જીવ ગુમાવ્‍યા છે. સીરિયામાં આવેલા ભૂકંપના કારણે સેંકડો ઈમારતો પણ ધ્‍વસ્‍ત થઈ ગઈ હતી. આ દરમિયાન ઉત્તર-પમિ સીરિયામાં એક જેલની દિવાલો પણ ધરાશાયી થઈ ગઈ હતી. આ પછી કેદીઓએ જેલમાં બળવો કર્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે ભૂકંપનો ફાયદો ઉઠાવીને આઈએસના ૨૦ આતંકીઓ ભાગી છૂટ્‍યા હતા.

 તુર્કીની સરહદ પાસે આવેલી રાજોની જેલમાં લગભગ ૨,૦૦૦ કેદીઓ બંધ છે. જેમાંથી લગભગ ૧,૩૦૦ આઈએસના આતંકવાદીઓ છે. જેલમાં કુર્દિશ લડવૈયાઓ પણ છે. જેલનું નિયંત્રણ તુર્કી તરફી જૂથ દ્વારા કરવામાં આવે છે. તુર્કીમાં આવેલા ભૂકંપની રાજો પર પણ અસર થઈ હતી. જેલની દિવાલો પડી ગઈ. આ પછી, અહીંની જેલમાં રહેલા કેદીઓએ બળવો શરૂ કર્યો અને જેલના કેટલાક ભાગો પર કબજો કરી લીધો.

ન્‍યૂઝ એજન્‍સી એએફપીએ જેલના એક અધિકારીને ટાંકીને જણાવ્‍યું હતું કે આ દરમિયાન ૨૦ IS આતંકવાદીઓ ભાગવામાં સફળ થયા હતા. આ પહેલા ડિસેમ્‍બરમાં ISએ રક્કામાં એક સુરક્ષા સંકુલ પર હુમલો કર્યો હતો. આ હુમલો ISના આતંકીઓને જેલમાંથી છોડાવવા માટે કરવામાં આવ્‍યો હતો. આ હુમલાને નિષ્‍ફળ બનાવતા ૬ કુર્દિશ લડવૈયાઓ માર્યા ગયા હતા. સીરિયામાં ૨૦૧૧થી ગૃહયુદ્ધ ચાલી રહ્યું છે. જેમાં લગભગ ૫ લાખ લોકોએ જીવ ગુમાવ્‍યા છે. સીરિયાની અડધી વસ્‍તીએ પોતાનું ઘર છોડવું પડ્‍યું છે. તેમાંથી ઘણાએ તુર્કીમાં આશરો લીધો છે.

તુર્કીને અગાઉ ઈસ્‍લામિક સ્‍ટેટનું મદદગાર માનવામાં આવતું હતું. તુર્કી સીરિયાના કુર્દિશ લડવૈયાઓને પોતાનો સૌથી મોટો દુશ્‍મન માને છે અને તેમની સામે અનેક હુમલા પણ કર્યા છે. ઈસ્‍લામિક સ્‍ટેટ કુર્દિશ લડવૈયાઓ સામે લડી રહ્યું હતું, તેને ધ્‍યાનમાં રાખીને કે તુર્કીએ ઈસ્‍લામિક સ્‍ટેટ માટે તેની સરહદ પર વધુ કડકતા દાખવી નથી. તે દરમિયાન તુર્કીએ પણ ઈસ્‍લામિક સ્‍ટેટને આતંકવાદી સંગઠન કહેવાનું ટાળ્‍યું હતું. તુર્કીના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અહમેટ દાવુતોગ્‍લુએ ઇસ્‍લામિક સ્‍ટેટના લડવૈયાઓને આતંકવાદી તરીકે લેબલ કરવાનો ઇનકાર કરતા કહ્યું, ‘ઇસ્‍લામિક સ્‍ટેટ એ ભ્રમિત નાના બાળકોનું જૂથ છે.'

વર્ષ ૨૦૧૬માં ઈસ્‍લામિક સ્‍ટેટ અને તુર્કી વચ્‍ચેના સંબંધો બગડવા લાગ્‍યા હતા, ત્‍યારબાદ તુર્કીએ ઈસ્‍લામિક સ્‍ટેટ પર તોડફોડ શરૂ કરી હતી. જો કે તુર્કીના આ શહેરોમાંથી હજુ પણ ઈસ્‍લામિક સ્‍ટેટ સાથે જોડાયેલા લોકોની ધરપકડ કરવામાં આવી રહી છે. પરંતુ હવે આ વિસ્‍તારનો મોટા ભાગનો વિસ્‍તાર ભૂકંપમાં નાશ પામ્‍યો છે.

તુર્કીમાં સોમવારે સવારે ૪.૧૭ કલાકે ભૂકંપ આવ્‍યો હતો. તેની ઊંડાઈ જમીનની અંદર ૧૭.૯ કિલોમીટર હતી. ભૂકંપનું કેન્‍દ્ર ગાજિયનટેપ નજીક હતું. તે સીરિયા બોર્ડરથી ૯૦ કિમી દૂર સ્‍થિત છે. આવી સ્‍થિતિમાં સીરિયાના અનેક શહેરોમાં ભૂકંપના જોરદાર આંચકા પણ અનુભવાયા હતા. તુર્કીમાં ૧૦૦ વર્ષમાં આ સૌથી શક્‍તિશાળી ભૂકંપ હોવાનું કહેવાય છે. ભૂકંપના કારણે અત્‍યાર સુધીમાં બંને દેશોમાં લગભગ ૪૦૦૦ લોકોએ જીવ ગુમાવ્‍યા છે. ભૂકંપના આંચકા એટલા જોરદાર હતા કે હજારો ઈમારતો પત્તાની જેમ ધરાશાયી થઈ ગઈ. તુર્કી પ્રશાસનનું કહેવું છે કે અત્‍યાર સુધીમાં ૫૬૦૬ ઈમારતો ધરાશાયી થઈ છે. તબાહીનું આ જ દ્રશ્‍ય સીરિયામાં પણ જોવા મળ્‍યું છે.

(3:38 pm IST)