મુખ્ય સમાચાર
News of Thursday, 7th January 2021

અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યાઃ અશ્વેતે ગળું દબાવીને મેસેજ કર્યોઃ 'મેં તેને મારી નાંખ્યો'

મેહુલભાઇ વશીની જગ્યાએ રાત્રિની ફરજ પર આવેલા કર્મીએ મેહુલને ફોન કરીને, કયાં છે એવું પૂછયું ત્યારે સામેથી મેસેજ આવ્યો કે, મેં તેને મારી નાંખ્યો

નવી દિલ્હી, તા.૭: અમેરિકામાં ગુજરાતીની હત્યાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. નવસારીનાં રહીશ અને બીલીમોરાના નિવૃત્ત્। શિક્ષક રવીન્દ્રભાઇ વશીનાં દીકરા મેહુલભાઇ વશીની અમેરિકામાં હત્યા કરવામાં આવી છે. મૃતકની ઉંમર ૫૨ વર્ષ છે અને તેઓ પત્ની અને બે દીકરીઓ સાથા અમેરિકાના જયોર્જિયાના ઓગસ્ટા ઇવાન્સમાં રહે છે. મૃતક મેહુલભાઇ વશી એટલાન્ટામાં રેડ મોટેલમાં જનરલ મેનેજર હતા. આ મોટેલ એરપોર્ટની પાસે આવેલી છે. એનું રિનોવેશનનું કામ ચાલી રહ્યું તે દરિમિયાનમાં બોલાચાલી થઇ હતી ત્યારે અશ્વેત યુવાને ગળુ દબાવીને તેમની હત્યા કરી છે. આના ઘેરા પ્રયાઘાતો નવસારીમાં પણ પડ્યા છે. તેમના પરિવારજનોમાં શોકની સાથે રોષનો માહોલ છવાયો છે.

 આ અંગે મળતી માહિતી પ્રમાણે, મોટેલમાં નશામાં ધૂત એક અશ્વેત વ્યકિત સાથે પહેલા મેહુલ વશીની બોલાચાલી થઇ હતી. જે બાદ તેણે મેહુલભાઇ પર હુમલો કરી હત્યા કરી દીધી હતી. આ બાદ મેહુલભાઇ વશીની જગ્યાએ રાત્રિની ફરજ પર આવેલા કર્મીએ મેહુલને ફોન કરીને, કયાં છે એવું પૂછ્યું ત્યારે સામેથી મેસેજ આવ્યો કે, મેં તેને મારી નાંખ્યો. જે બાદ તરત જ મેહુલભાઇની શોધખોળ કરવામાં આવી હતી. આ સાથે પોલીસને પણ આ અંગે જાણ કરાઇ હતી.

મેહુલભાઈની પત્ની હેતલ એટલાન્ટાની એક ફેકટરીમાં નોકરી કરે છે અને પોતાનું બ્યૂટીપાર્લર ચલાવે છે. મોટી દીકરી આરોહી અને નાની દીકરી બીર્વા અભ્યાસ કરે છે. આ બાબત સામે આવતા નવસારીમાં પણ ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. પરિવાર અને મિત્રોમાં શોક અને રોષની લાગણી છવાઇ છે. આરોપીને કડકમાં કડક સજા મળે તેવી માંગણી પણ કરવામાં આવી છે. મહત્વનું છે કે, શનિવારે બપોરે મેહુલભાઇની અંતિમસંસ્કાર વિધિ કરવામાં આવશે

 નોંધનીય છે કે, ગત સપ્ટેમ્બરમાં પણ અમેરિકાના સાઉથ કેરોલિનામાં મૂળ આણંદના વલ્લભ વિદ્યાનગર શહેરના એક NRG અશ્વિન પટેલની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ૬૦ વર્ષના અશ્વિન પટેલને તેમના 'કોર્નર સ્ટોપ' પર ગોળી મારી દેવામાં આવી હતી. જે સોલોમન બ્લાટ એવન્યૂ પર સ્થિત એક સ્ટોર છે, જે સાઉથ કેરોલિના હાઈવે ૩ પર આવેલો છે. ઘટના ૯ સપ્ટેમ્બરે બની હતી. સાઉથ કેરોલિનાના લો એન્ફોર્સમેન્ટના અધિકારીઓએ આ ઘટનાને 'લૂંટના ઈરાદે' હત્યા ગણાવી.

(1:19 pm IST)