મુખ્ય સમાચાર
News of Monday, 7th January 2019

2109ની લોકસભા ચૂંટણીમાં એનડીએ મેજીક ફિગરથી રહેશે દૂર :ત્રિશંકુ સરકારની સંભાવના

તાજા ઓપિનિયન પોલ મુજબ એનડીએને 257 બેઠક અને યુપીએને 146 સીટ મળવાની શકયતા;સપા ,બસપા ,ટીએમસી,બીજેડી સહિતના પક્ષો કિંગમેકર બનશે :છેલ્લા મહિનામાં સર્વેમાં એનડીએની 24 બેઠક ઘટી

નવી દિલ્હી :2019ની લોકસભાની ચૂંટણીને લઈને તમામ રાજકીય પાર્ટીઓ તૈયારીમાં લાગી ગઈ છે ત્યારે એક તાજા સર્વેમાં ભાજપને બહુમતીથી દૂર દેખાડવામાં આવ્યું છે. ઈન્ડિયા ટીવી-સીએનએએક્સના ઓપિનિયન પોલ પ્રમાણે ભાજપ 2019ની લોકસભાની ચૂંટણીમાં પોતાના 2014 જેવા પ્રદર્શનનું પુનરાવર્તન કરી શકશે નહીં.

   આ ઓપિનિયન પોલ મુજબ એનડીએને મેજિક ફિગરથી લગભગ 15 બેઠકો ઓછી મળવાની સંભાવના સર્વેક્ષણમાં દર્શાવવામાં આવી છે. ભાજપ અને તેના સાથીપક્ષોને 257 બેઠકો મળે તેવી સંભાવના છે જ્યારે કોંગ્રેસ અને તેના સાથીપક્ષોને 146 બેઠકો મળવાની સંભાવના વ્યક્ત કરાઈ છે  યુપીએના આકલનમાં સમાજવાદી પાર્ટી અને બીએસપીને મળનારી બેઠકો સામેલ નથી .

   આ સર્વેક્ષણ પંદરમી ડિસેમ્બરથી પચ્ચીસમી ડિસેમ્બરની વચ્ચે કરાયો હતો  જાહેર થયેલ સર્વેક્ષણમાં સરકાર બનાવવાની ચાવી અન્યોના હાથમાં આવે તેવી શક્યતા છે. અન્યોને 543 લોકસભા બેઠકોમાંથી 140 બેઠકો મળવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. અન્ય પક્ષોમાં સમાજવાદી પાર્ટી, બીએસપી, એઆઈએડીએમકે, ટીએમસી, ટીઆરએસ, બીજેડી, વાઈએસઆર-કોંગ્રેસ, ડાબેરી મોરચો, પીડીપી, એઆઈયુડીએફ, આઈએનએલડી અને એઆઈએમઆઈએમનો સમાવેશ થાય છે. તેની સાથે જ જેવીએમ-પી, તમિલનાડુની એએમએમકે અને અપક્ષ સાંસદો પણ સામેલ છે

  જ્યારે એનડીએમાં સત્તારુઢ ભાજપ, શિવસેના, અકાલીદળ, જેડીયુ, મિઝો નેશનલ ફ્રન્ટ, અપનાદળ, સિક્કિમ ડેમોક્રેટિક ફ્રન્ટ, એલજેપી, મેઘાલયની એનપીપી, પુડ્ડુચેરીની પીએમસીએચ, પીએમકે અને નાગાલેન્ડની એનડીપીપી સામેલ છે. જ્યારે યુપીએમાં મુખ્ય વિપક્ષી દળ કોંગ્રેસ, આરજેડી, ડીએમકે, ટીડીપી, એનસીપી, જેડીએસ, આરએલડી, નેશનલ કોન્ફરન્સ, આરએસપી, જેએમએમ, આઈયુએમએલ, કેરળ-કોંગ્રેસ-મણિ અને આરએલએસપીનો સમાવેશ થાય છે.

   વિધાનસભા ચૂંટણીઓ પહેલા નવેમ્બરમાં ઈન્ડિયા ટીવી અને સીએનએક્સ દ્વારા કરવામાં આવેલા સર્વેમાં એનડીએનો 281 બેઠક સાથે બહુમતી મળતી દર્શાવવામાં આવી હતી. યુપીએને 124 અને અન્યને 138 બેઠકો મળતી દર્શાવવામાં આવી હતી. ત્યાર પછી તાજેતરમાં કરવામાં આવેલા સર્વેમાં એનડીએને મળનારી બેઠકોની સંભાવનામાં 24 બેઠકોનો ઘટાડો થતો દર્શાવવામાં આવ્યો છે. તેની સાથે જ યુપીની બેઠકમાં તાજેતરના સર્વેમાં વધારો થતો દર્શાવવામાં આવ્યો છે.

(12:00 am IST)