મુખ્ય સમાચાર
News of Tuesday, 6th December 2022

એપલ ચીનને રામરામ કહીને ભારત પર પસંદગી ઊતારે એવી સંભાવના

ચીનમાં મોટી કંપનીઓની વધતી મુશ્કેલીઃઅત્યાર સુધી એપલની સપ્લાય ચેઈનમાં ચીન સૌથી મહત્ત્વનો દેશ હતો, ચીન સ્થિત પ્લાન્ટની મદદથી જ એપલે આખી દુનિયામાં પોતાની પ્રોડક્ટ્સ પહોંચાડી હતી

બેઈજિંગ, તા.૬ : એપલ જેવી કંપની માટે ચીનમાં એક પછી એક મુશ્કેલીઓ ઉભી થઈ રહી છે. એપલના ચીન ખાતેના પ્લાન્ટમાં તાજેતરમાં તોફાનો થયા હતા અને ચાઈનીઝ સરકાર પણ બહુ દખલગીરી કરી રહી છે. તેના કારણે એપલે ચીનને બાય બાય કહી દેવાનું વિચાર્યું છે. એપલ ચીનમાંથી વિદાય લેશે તો તેની પ્રથમ પસંદગી ભારત અને વિયેતનામ હશે તેમ માનવામાં આવે છે. અત્યાર સુધી એપલની સપ્લાય ચેઈનમાં ચીન સૌથી મહત્ત્વનો દેશ હતો. ચીન સ્થિત પ્લાન્ટની મદદથી જ એપલે આખી દુનિયામાં પોતાની પ્રોડક્ટ્સ પહોંચાડી હતી. એપલે હવે એશિયામાં બીજા કોઈ દેશમાં ઉત્પાદન શરૃ કરવાનું વિચાર્યું છે. તેમાં ભારત મુખ્ય દેશ રહેશે.

આ ઉપરાંત એપલ તાઈવાનની એસેમ્બલર કંપની ફોક્સકોન (ફોક્સકોન) પર પણ પોતાનો આધાર ઘટાડવા માંગે છે. તાજેતરમાં આઈઓફન સિટી ખાતે તોફાનો થયા હતા ત્યાર પછી એપલે આ નિર્ણય લીધો છે. ચીનની અંદર આઈફોન સિટી નામે એક વિશાળ ફેક્ટરી છે જે એક શહેર જેટલી મોટી છે. આ ફેક્ટરીનું સંચાલન ફોક્સકોન સંભાળે છે અને તેમાં ત્રણ લાખ કામદારો કામ કરે છે. આ ફેક્ટરીમાં આઈફઓન અને બીજી પ્રોડક્ટનું ઉત્પાદન થાય છે. આઈફોનની પ્રો સિરિઝના ૮૫ ટકા ફોન આ પ્લાન્ટમાં ઉત્પાદન થાય છે.નવેમ્બર મહિનામાં આ ફેક્ટરીમાં મોટા પાયે અંધાધૂંધી સર્જાઈ હતી અને સોશિયલ મીડિયા પર તેના વીડિયો ફરતા થયા હતા. આ ફેક્ટરીમાં કામ કરતા વર્કર્સે તેમના ઓછા વેતન અને કોવિડ-૧૯ના નિયંત્રણો સામે વિરોધ કર્યો છે. કામદારોને લાગે છે કે ચીનની ફેક્ટરીમાં તેમનું શોષણ કરવામાં આવે છે અને દિવસો સુધી ફેક્ટરીમાં પૂરી રાખવામાં આવે છે.

આ વીડિયોમાં જોવા મળે છે કે આઈફઓન સિટીના કામદારો પોતાના અધિકારો માટે અવાજ ઉઠાવી રહ્યા છે અને પોલીસ તેમને કચડી નાખવા માટે દંડા ફટકારે છે. કોવિડના કારણે આખી દુનિયાની સાથે સાથે ચીનને પણ નુકસાન ભોગવવું પડ્યું છે. એક મેન્યુફેક્ચરિંગ દેશ સેન્ટર તરીકે તેની પ્રતિષ્ઠા ખરડાઈ છે. તેથી તેઓ ભારત કે વિયેતનામમાં એપલની પ્રોડક્ટનું ઉત્પાદન કરવા વિચારે છે.

એપલ વિચારે છે કે ચીનની બહાર પણ તેના પ્લાન્ટ હોવા જોઈએ. તેમાં તે ભારત અને વિયેતનામનો વિચાર કરે છે. પરંતુ આ બંને દેશમાં હજુ જરૃરી માળખું છે કે નહીં તે એક સવાલ છે. તેઓ હાલમાં એનપીઆઈ (ન્યુ પ્રોડક્શન ઈન્ટ્રોડક્શન) માટે ભારત અને વિયેતનામ કેટલા સજ્જ છે તે જાણવા પ્રયાસ કરે છે. કારણ કે એનપીઆઈ નહીં હોય ત્યાં સુધી આ દેશો માત્ર એસેમ્બલિંગ માટેના દેશ બની રહેશે.

 

(7:08 pm IST)