મુખ્ય સમાચાર
News of Tuesday, 6th December 2022

રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારોની બેઠકમાં ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે તમામ દેશો તરફથી આતંકવાદના મામલે સંયુક્ત રાષ્ટ્રના નિયમોનું પાલન કરવાનો આગ્રહ કર્યો

બેઠકમાં અફઘાનિસ્તાનની વર્તમાન સ્થિતિ, ક્ષેત્રની સુરક્ષા અને સ્થિરતા પર ચર્ચા થઈ: અફઘાનિસ્તાનમાં શાંતિ, સાર્વભૌમત્વ, પ્રાદેશિક અખંડિતતા જળવાઈ રહે અને તેની આંતરિક બાબતોમાં કોઈએ હસ્તક્ષેપ ન કરવો જોઈએ તે અંગે સહમતિ સંધાઈ

નવી દિલ્હીઃ મધ્ય એશિયાઈ દેશોના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારોની પ્રથમ બેઠક ભારતના નેતૃત્વમાં દિલ્હીમાં યોજાઈ હતી. બેઠકમાં અફઘાનિસ્તાનની વર્તમાન સ્થિતિ, ક્ષેત્રની સુરક્ષા અને સ્થિરતા પર ચર્ચા થઈ હતી. આ સાથે અફઘાનિસ્તાનમાં શાંતિ, સાર્વભૌમત્વ, પ્રાદેશિક અખંડિતતા જળવાઈ રહે અને તેની આંતરિક બાબતોમાં કોઈએ હસ્તક્ષેપ ન કરવો જોઈએ તે અંગે સહમતિ સંધાઈ હતી.
આ બેઠકમાં તે વાત પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો કે અફઘાનિસ્તાનનો ઉપયોગ અન્ય દેશો સામે આતંકવાદી હુમલાનું કાવતરું ઘડવા માટે આતંકવાદી સુરક્ષિત આશ્રયસ્થાન તરીકે ન થવો જોઈએ. યુએન નોમિનેટેડ કોઈપણ આતંકવાદીને ત્યાં આશ્રય આપવો જોઈએ નહીં.
અફઘાનિસ્તાનમાં સતત બગડતી માનવતાવાદી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને માનવતાવાદી મદદની વાત થઈ. બેઠકમાં ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી કે આતંકવાદી પ્રચાર, ભંડોળ અને આતંકવાદીઓની ભરતી એ મધ્ય એશિયા માટે મોટી સમસ્યાઓ છે અને તેનો સાથે મળીને સામનો કરવો પડશે. આતંક માટે નવી ટેકનોલોજીનો ઉપયોગ, ડ્રગ્સની હેરાફેરી, સાયબર સ્પેસમાં ખોટી માહિતી અને ડ્રોનનો ઉપયોગ નવા પડકારો છે.
રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારોની આ પ્રથમ બેઠકમાં ચાબહાર બંદરની પણ ચર્ચા કરવામાં આવી હતી અને અફઘાનિસ્તાનમાં માનવીય સંકટ સમયે તેણે કેવી રીતે મહત્વની ભૂમિકા ભજવી હતી અને તેનો વેપાર અને કનેક્ટિવિટી વધારવા માટે કેવી રીતે ઉપયોગ કરી શકાય તેની પ્રશંસા કરવામાં આવી હતી.
બેઠકમાં ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે તમામ દેશો તરફથી આતંકવાદના મામલે સંયુક્ત રાષ્ટ્રના નિયમોનું પાલન કરવાનો આગ્રહ કર્યો હતો. આ મીટીંગમાં આ ફોર્મેટ પર મીટીંગો માટે સંમતિ સંધાઈ હતી.

(6:05 pm IST)