મુખ્ય સમાચાર
News of Monday, 6th December 2021

પાંચ રાજ્યો : ૨૧ કેસ : ઓમિક્રોનની સ્પીડ વધતા ચિંતાનો માહોલ

ભારતમાં રાજસ્થાનથી ૯, મહારાષ્ટ્રથી ૮, કર્ણાટકથી ૨, દિલ્હી - ગુજરાતમાં ૧-૧ કેસ : આ લોકોના સંપર્કમાં આવેલાઓનું ટ્રેસિંગ શરૂ : સર્વત્ર ડરનો માહોલ પણ ચિંતાની બાબત નથી : કોઇની હાલત ગંભીર નથી : લોકોને સાવચેતી રાખવા અપીલ

નવી દિલ્હી તા. ૬ : સાવધાન, દેશમાં કોરોનાનો નવો વેરીયન્ટ ઓમિક્રોન ઝડપભેર ફેલાઇ રહ્યો છે. રવિવારે દિલ્હીમાં ઓમિક્રોનથી સંક્રમિત પહેલો દર્દી આવ્યો તો મહારાષ્ટ્રમાં સાત અને રાજસ્થાનમાં નવ લોકોમાં સંક્રમણની પુષ્ટિ થઇ છે. આ સાથે જ અત્યાર સુધીમાં દેશમાં ૨૧ લોકો આ વાયરસની ઝપટમાં આવી ચૂકયા છે. આ પહેલા કર્ણાટકમાં પણ ઓમિક્રોનના દર્દીઓ મળ્યા હતા. એક દિવસમાં નવા વાયરસ ઓમિક્રોનના ૧૭ કેસ આવતા દેશમાં ભયનું વાતાવરણ ઉભું થયું છે. જો કે રાહતની વાત એ છે કે, કોઇની સ્થિતિ ગંભીર નથી.

અત્યાર સુધીમાં ઓમિક્રોન વેરીયન્ટ રાજધાની દિલ્હી સહિત પાંચ રાજ્યોમાં પહોંચી ચૂકયો છે. જેમાં સૌથી વધારે દર્દીઓ રાજસ્થાનમાં ૯, મહારાષ્ટ્રમાં ૮, કર્ણાટકમાં ૨, દિલ્હી અને ગુજરાતમાં એક-એક દર્દી આવી ચૂકયા છે.

અત્યાર સુધીમાં જેટલા પણ દર્દીઓ મળ્યા છે, તેઓ કાં તો હાલમાં જ દક્ષિણ આફ્રીકાથી પાછા આવેલા અથવા આવા લોકોના સંપર્કમાં આવેલા છે. હજુ ઓમિક્રોનથી સંક્રમિત દર્દીઓની સંખ્યા વધુ ઝડપથી વધી શકે છે કેમકે ઘણા શંકાસ્પદોનો રિપોર્ટ આવવાનો બાકી છે. તેમના સેમ્પલ જીનોમ સીકવન્સીંગ માટે મોકલવામાં આવ્યા છે. એ ઉપરાંત સંક્રમિતોના સંપર્કમાં આવેલા લોકોનું ટ્રેસીંગ પણ કરાઇ રહ્યું છે. જો કે રાહતની વાત એ છે કે, ઓમીક્રોનથી સંક્રમિત દર્દીઓમાં હળવા લક્ષણો દેખાઇ રહ્યા છે. હજુ સુધી કોઇ દર્દીમાં ગંભીર લક્ષણો નથી જોવા મળ્યા. ઓમીક્રોનના લક્ષણોમાં તાવ, નબળાઇ અને થાક જ મોટાભાગે જોવા મળ્યા છે.(૨૧.૧૨)

હળવા લક્ષણો બની શકે છે ચિંતાનું કારણ

દક્ષિણ આફ્રિકાના વૈજ્ઞાનિકો પણ કહી ચૂકયા છે કે ઓમીક્રોન વેરીયન્ટના દર્દીઓમાં બહુ હળવા લક્ષણો દેખાઇ રહ્યા છે. પણ તે જ પરેશાનીનું કારણ બની શકે છે. હળવા લક્ષણો અથવા કોઇ લક્ષણો ના દેખાવાના કારણે લોકોને ખબર જ નથી પડતી કે તે વાયરસથી સંક્રમિત અને આવા લોકો જાણ બહાર સંક્રમણ ફેલાવી શકે છે.

(11:35 am IST)