મુખ્ય સમાચાર
News of Friday, 6th December 2019

ઝારખંડ : કાલે બીજા ચરણમાં ૨૦ સીટ માટે મતદાન યોજાશે

૨૯ મહિલા સહિત ૨૬૦ ઉમેદવારો મેદાનમાં : ભાજપ અને કોંગ્રેસની પ્રતિષ્ઠા દાવ ઉપર લાગી : મતદાનને લઈને અભૂતપૂર્વ ઉત્સાહ : સાંજે પાંચ વાગ્યા સુધી મતદાન

રાંચી, તા. ૬ : ઝારખંડ વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કા માટેની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ચુકી છે. બીજા તબક્કામાં આવતીકાલે શનિવારના દિવસે ૨૦ સીટો માટે મતદાન થશે. જમશેદપુર પૂર્વ અને જમશેદપુર પશ્વિમ વિધાનસભા ક્ષેત્રોમાં ગુરુવારના દિવસે સાંજે પાંચ વાગે અને અન્ય ૧૮ વિધાનસભા સીટ પર સાંજે ત્રણ વાગે ચુંટણી પ્રચારનો અંત આવ્યો હતો. બીજા તબક્કામાં ૨૯ મહિલા અને ૭૩ અપક્ષ સહિત કુલ ૨૬૦ ઉમેદવાર ભાવિનો ફેસલો થનાર છે. બીજા તબક્કામાં જે આવતીકાલે સાતમી ડિસેમ્બરના દિવસે જે સીટો ઉપર મતદાન થનાર છે તેમાં બહરાગોડા, ઘાટશિલા, પોટકા, જુગસલાઈ, સરાયકેલા, ખરસાવા, ચાઈબાસા, મઝગાંવ, જગન્નાથપુર, મનોહરપુર, ચક્રધરપુર, તમાડ, માંડર, તોરપા, ખુંટી, સિસઈ, સિમડેગા અને કોલેબિરાનો સમાવેશ થાય છે. પ્રથમ તબક્કામાં ઉંચુ મતદાન થયું હતું. આ વખતે બીજા તબક્કામાં ત્રિકોણીય સ્પર્ધા રહેશે.

       પ્રથમ તબક્કામાં ૩૦મી નવેમ્બરના દિવસે ૧૩ સીટો પર સઘન સુરક્ષા અને હિંસાની દહેશત વચ્ચે ૬૨થી ૬૪ ટકા વચ્ચે મતદાન થયું હતું. મહારાષ્ટ્ર અને હરિયાણામાં વિધાનસભાની ચૂંટણીની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ હવે ઝારખંડમાં મતદાનની પ્રક્રિયા શરૂ થઇ ચુકી છે. પહેલી નવેમ્બરના દિવસે કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી હતી. ૮૧ સીટવાળી વિધાનસભા માટે પાંચ તબક્કામાં મતદાન થઈ રહ્યું છે. ૨૩મી ડિસેમ્બરના દિવસે પરિણામ જાહેર કરવામાં આવશે.  પ્રથમ તબક્કામાં મતદાન યોજાયા બાદ સાતમી ડિસેમ્બરના દિવસે બીજા તબક્કામાં, ૧૨મી ડિસેમ્બરના દિવસે ત્રીજા તબક્કામાં, ૧૬મી ડિસેમ્બરે ચોથા તબક્કામાં અને ૨૦મી ડિસેમ્બરના દિવસે પાંચમા તબક્કામાં મતદાન થશે. ઝારખંડમાં વર્તમાન વિધાનસભાની અવધી પાંચ જાન્યુઆરી ૨૦૨૦ના દિવસે પૂર્ણ થઈ રહી છે. ચૂંટણી પંચ દ્વારા પહેલી નવેમ્બરના દિવસે કાર્યક્રમોની જાહેરાત કરવામાં આવ્યા બાદ રાજકીય પક્ષોમાં ગતિવિધિ વધી ગઈ હતી. તમામ લોકોનું ધ્યાન હવે ઝારખંડ ઉપર કેન્દ્રીત થઈ ગયુંછે. આવતીકાલે સાતમી ડિસેમ્બરના દિવસે બીજા તબક્કામાં ૨૦ સીટો પર મતદાન થશે.

        ૧૨મી ડિસેમ્બરના દિવસે ત્રીજા તબક્કામાં ૧૭ સીટ પર મતદાન થશે. જ્યારે ૧૬મી ડિસેમ્બરના દિવસે ચોથા તબક્કામાં ૧૫ સીટ પર મતદાન થશે. જ્યારે પાંચમા અને અંતિમ તબક્કામાં ૨૦મી ડિસેમ્બરના દિવસે ૧૬ સીટ પર મતદાન થશે. ૨૩મી ડિસેમ્બરના દિવસે પરિણામ જાહેર કરવામાં આવશે. પ્રથમ વખત શારીરીક રીતે વિકલાંગ અને સિનિયર સિટીઝન માટે ઘરેથી બેઠા બેઠા પોસ્ટલ બેલેટની સુવિધા ઉભી કરવામાં આવી છે. ૮૧ સભ્યોની ઝારખંડ વિધાનસભામાં  સરકાર બનાવવા માટે કોઈ પાર્ટી અથવા તો ગઠબંધનને ઓછામાં ઓછી ૪૧ સીટો જીતવાની જરૂર રહેશે. શાસક પક્ષ ભાજપ અને ઓલ ઝારખંડ સ્ટુડન્ટ યુનિયન ગઠબંધન સરકારની સામે સરકાર બચાવવાનો પડકાર છે.  છેલ્લી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ૩૭ અને તેના સાથી પાર્ટીએ ૫ સીટો જીતી હતી. ત્યારબાદ રઘુવરદાસના નેતૃત્વમાં સરકારની રચના કરવામાં આવી હતી. જેની પાંચ વર્ષની અવધી પૂર્ણ થઈ ચુકી છે.

          ૨૦૧૪માં વિધાનસભા ચૂંટણીમાં કુલ ૮૧ સીટોમાંથી ભાજપે ૩૭ ઉપર જીત મેળવી હતી. એજેએસયુ દ્વારા પાંચ સીટો જીતવામાં આવી હતી. ઝારખંડ મુક્તિ મોરચાની ૧૯ સીટો હતી. બાબુલાલ મારન્ડીના ઝારખંડ વિકાસ મોરચાએ આઠ સીટો જીતી હતી. મોડેથી તેના છ સભ્યો ભાજપામાં સામેલ થઈ ગયા હતા. કોંગ્રેસે સાત સીટો જીતી હતી. જ્યારે અન્યોના ખાતામાં છ સીટો ગઈ હતી. ઝારખંડમાં મતદાર યાદીમાં કુલ ૨.૨૬૫ કરોડ મતદારો છે. રાજ્યના ૧૯ જિલ્લાઓમાં ૬૭ સીટો નક્સલવાદી ગ્રસ્ત છે. ૧૯ જિલ્લા સંવેદનશીલ છે. જેમાંથી ૧૩ જિલ્લા અતિસંવેદનશીલ છે.

(8:04 pm IST)