મુખ્ય સમાચાર
News of Friday, 6th December 2019

વારંગલ એન્કાઉન્ટરની યાદ ફરી વખત લોકોને તાજી થઈ

એ વખતે કમિશ્નર વીસી સજ્જનાર એસપી હતા : એસિડ હુમલો કરનાર ૪ આરોપીને ઠાર કરી દીધા હતા

હૈદરાબાદ, તા. ૬ : હૈદરાબાદમાં મહિલા તબીબ પર ગેંગરેપ અને ત્યારબાદ ઘાતકી હત્યા કરી દેવાના મામલામાં આરોપીઓને એન્કાઉન્ટરની ઘટનામાં ઠાર કરી દેવાની ઘટના બાદ વારંગલ એન્કાઉન્ટરની યાદ તાજી થઈ ગઈ છે. વર્ષ ૨૦૦૮માં વારંગલમાં એક યુવતી પર એસિડ એટક કરવામાં આવ્યો હતો. હુમલાના ત્રણેય આરોપીઓને પોલીસે આવી જ રીતે એક એન્કાઉન્ટર કરીને ઠાર કરી દીધા હતા. સંજોગની બાબત એ છે કે એ વખતે વારંગલના પોલીસ કેપ્ટન તરીકે પણ વીસી સજ્જનાર હતા. જે હાલના સમય સાઈબરાબાદના પોલીસ કમિશ્નર તરીકે છે. આજે ચારેય અપરાધિઓના એન્કાઉન્ટર બાદ એક બાજુ કેટલાક લોકો ૧૯૯૬ની બેંચના આઈપીએસ અધિકારી વીસી સજ્જનારને હિરો તરીકે રજુ કરી રહ્યા છે. જ્યારે કેટલાક લોકો તેમની ભૂમિકા ઉપર પ્રશ્નો ઉઠાવી રહ્યા છે. એક યુઝરે લખ્યું છે કે, ૨૦૦૮માં વારંગલમાં એસપી તરીકે એસિડ હુમલો કરનાર આરોપીઓના એન્કાઉન્ટર અને હવે હૈદરાબાદના પોલીસ કમિશ્નર તરીકે ગેંગરેપના આરોપીઓના એન્કાઉન્ટર કરવામાં આવ્યા છે. વીસી સજ્જનાર અસલી હિરો તરીકે છે.

        ડીસીપી જિન્દાબાદ એસીપી જિન્દાબાદના નારા આજે લાગ્યા હતા. ૨૦૦૮માં વારંગલમાં પણ પોલીસે આ જ રીતે ક્રાઈમ સીન પર લઈ જઈને એસિડ હુમલાના અપરાધીઓને ઠાર કરી દીધા હતા. આરોપી કેટલાક સમયથી એક યુવતની હેરાન કરી રહ્યા હતા. સ્કુલથી ઘરે આવતી અને જતી વેળા હેરાન કરી રહ્યા હતા. યુવતીના વિરોધ બાદ હચમચેલા ત્રણેય શખ્સોએ પિડિતા પર એસિડ હુમલો કરી દીધો હતો. જેમાં તે ગંભીર રીતે દાઝી ગઈ હતી. એ વખતે અખંડિત આંધ્રપ્રદેશમાં આ ઘટનાને લઈને જોરદાર દેખાવો થયા હતા. જોકે, એક દિવસે એવા અહેવાલ આવ્યા હતા કે પોલીસે ત્રણેય આરોપીઓને ઠાર કરી દીધા છે.

(8:00 pm IST)