મુખ્ય સમાચાર
News of Friday, 6th December 2019

કાનુની પ્રક્રિયા પહેલા જ ભગવાને સજા આપી દીધી : તેલંગાણા મંત્રી

મહિલાઓની સુરક્ષાની ગેંરટી આપે તેવી ઘટના છે : ઉમા ભારતીનો મત : એન્કાઉન્ટરની ઘટનાને અંજામ આપનારા બધા પોલીસ અધિકારીઓ, પોલીસ કર્મી અભિનંદનને પાત્ર છે : માયાવતી, રેખા શર્મા દ્વારા પણ આવકાર અપાયો

હૈદરાબાદ,તા. ૬ : હૈદરાબાદમાં તબીબ પર ગેંગરેપ અને ત્યારબાદ તેની ઘાતકી હત્યાના મામલે ઝડપાયેલા તમામ ચારેય અપરાધીઓને આજે સવારે એન્કાઉન્ટરમાં ફુંકી મારવામાં આવ્યા બાદ દેશભરમાં એકબાજુ મોટાભાગના લોકોએ પોલીસ કાર્યવાહીની પ્રસંશા કરી હતી. પોલીસની કાર્યવાહીનું સ્વાગત કર્યું હતું. હૈદરાબાદ સહિત દેશભરમાં લોકોએ ખુશી વ્યક્ત કરી હતી. આ મામલામાં તેલંગાણાના કાનુન મંત્રી ઈન્દ્રકરણ રેડ્ડીએ કહ્યું હતું કે, કાનુની પ્રક્રિયાથી જ પહેલા ભગવાને આરોપીઓને સજા આપી દીધી છે. આરોપીઓ ભાગી છુટવાના પ્રયાસમાં હતા ત્યારે ઠાર થઈ ગયા છે. દિલ્હી ગેંગરેપ પિડીતાની માતાએ પણ આ એન્કાઉન્ટરને યોગ્ય ગણાવીને કહ્યું છે કે, પરિવારને ન્યાય થયો છે. હૈદરાબાદ રેપ પિડીતાના પિતા અને અન્ય રાજકીય પક્ષોએ આ અંગે સ્પષ્ટ પ્રતિક્રિયા આપી છે. ભારતીય જનતા પાર્ટીના નાયબ અધ્યક્ષ અને વરિષ્ઠ નેતા ઉમા ભારતીએ કહ્યુ છે કે તેઓ હાલમાં હિમાલય ઉત્તરાખંડમાં ગંગા કિનારે છે.

         હાલમાં સવારે માહિતી મળી છે કે અપરાધીઓને એન્કાઉન્ટરમાં મારી નાંખવામાં આવ્યા છે. ભાગી છુટવાના પ્રયાસમાં અપરાધીઓ માર્યા ગયા છે તે સમાચાર સાંભળીને ખુશી થઇ છે. આ સદીના ૧૯મા વર્ષમાં મહિલાઓની સુરક્ષાની ગેરંટી આપે તેવી આ પ્રથમ મોટી ઘટના બની છે. આ ઘટનાને અંજામ આપનાર પોલીસ અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓ અભિનંદનને પાત્ર છે. હવે તેઓ વિશ્વાસ કરી શકે છે કે અન્ય રાજ્યો પણ આ દિશામાં આગળ વધીને અપરાધીઓને તરત બોધપાઠ ભણાવવાની દિશામાં આગળ વધશે. જે ઘરમાંથી પુત્રી જતી રહી છે તેના પરિવારમાં દુખ ઓછુ થશે નહીં પરંતુ તે બહેનના આત્માને શાંતિ થશે. સાથે સાથે અન્ય યુવતિઓના મનમાંથી ભય દુર થશે. રાષ્ટ્રીય મહિલા પંચના અધ્યક્ષ રેખા શર્માએ કહ્યુ છે કે નાગરિક તરીકે તેઓ ખુશ છે. અમે એમ જ ઇચ્છતા હતા. પરંતુ આ તમામ બાબતો કાનુનની દ્રષ્ટિએ થાય તે જરૂરી છે. બહુજન સમાજ પાર્ટીના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી માયાવતીએ કહ્યું છે કે, રાજ્યમાં મહિલાઓની સામે અપરાધ વધ્યા છે પરંતુ સરકાર ઉંધી રહી છે. યુપી અને દિલ્હી પોલીસને હૈદરાબાદ પોલીસથી શિખવાની જરૂર છે.

           કમનસીબી છે કે, અપરાધીઓને મહેમાનની જેમ જોવામાં આવે છે. કારણ કે યુપીમાં જંગલ રાજની સ્થિતિ છે. એએપીના નેતા પ્રિતી શર્માએ કહ્યું છે કે, લોકોએ એન્કાઉન્ટને લઈને ખુશી મનાવી રહ્યા છે. અમને લાગે છે કે, ન્યાય થઈ ગયો છે. કારણ કે  અમને ન્યાયપાલિકા પર વિશ્વાસ નથી. વર્તમાન સરકાર અસરકાર કામગીરી કરી રહી છે. કોંગ્રેસના નેતા શમાએ કહ્યું છે કે, અમે તમામ લોકો ન્યાય ઈછતા હતા. એન્કાઉન્ટની ઉજવણી કરવામાં આવે તો તે બાબત સમાજ માટે ચિંતાજનક હોઈ શકે છે. બોલિવુડની અભિનેત્રી રકુલે કહ્યુ છે કે તે પોલીસનો આભાર માને છે. કોંગ્રેસ સહિત તમામ રાજકી. પક્ષોએ આની પ્રશંસા કરી છે. ઘટનાસ્થળે સવારમાં લોકોના ટોળા ભેગા થઇ ગયા હતા. પોલીસની ચારેબાજુ પ્રશંસા કરવામાં આવી રહી છે. બધા પક્ષોએ સાવધાનીપૂર્વક પ્રતિક્રિયા આપી છે.

(7:56 pm IST)