મુખ્ય સમાચાર
News of Friday, 6th December 2019

સરકાર રાહત નહીં આપે તો વોડાફોન આઈડિયાના પાટિયા પડી જશેઃ બિરલા

દેશની ટેલિકોમ કંપનીઓ જંગી ખોટના ખાડામાં પડતા સરકાર પાસે રાહતની માગણી

નવી દિલ્હી, તા.૬: દેશની ટેલિકોમ કંપનીઓ ગળાકાપ સ્પર્ધાના દોરમાં જંગી ખોટ કરી રહી હોવાથી હવે ગ્રાહકો પર વધુ કોલ ચાર્જીસ લાદવાનું શરૂ કર્યું છે. વોડાફોન આઈડિયા, ભારતી એરટેલ સહિના ખાનગી ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડર્સ ખોટના ખાડામાં છે. વોડાફોન આઈડિયાના ચેરમેન કુમાર મંગલમ બિરલાએ જણાવ્યું કે, જો કંપનીએ માંગેલી મદદ સરકાર નહીં આપે તો કંપનીના પાટિયા પડી જશે.

બિરલાના મતે સરકાર તરફથી રાહતના અભાવે કંપની ચલાવી શકય નહીં બને અને તેને બંધ કરી દેવી પડશે. તેમણે એક મીડિયા હાઉસના કાર્યક્રમમાં આ વાત જણાવી હતી. બિરલા સ્પષ્ટતા કરતા જણાવ્યું કે જો સરકાર દ્વારા ટેલિકોમ કંપનીઓને રાહત નથી આપવામાં આવતી તો તેમનું જૂથ વોડાફોન આઈડિયામાં કોઈ રોકાણ નહીં કરશે. સારા નાણાં પણ ખરાબ નાણાંને અનુસરશે તેવું માનવામાં કોઈ તર્ક નથી. જો સરકાર તરફથી કંપનીને કોઈ રાહત નથી મળતી તો તેમણેે નાદારીનો વિકલ્પ અપનાવવો પડશે.

(4:03 pm IST)