મુખ્ય સમાચાર
News of Friday, 6th December 2019

તેલંગાણાઃ બળાત્કારના આરોપીઓના એન્કાઉન્ટરને લોકોએ બિરદાવ્યું, પોલીસને મિઠાઈ વહેંચી, ફટાકડા ફોડયા

મહિલાઓએ પોલીસને મિઠાઈ વહેંચી, કેટલાક સ્થળે ફટાકડા ફોડવામાં આવ્યા

હૈદરાબાદ, તા.૬: તેલંગાણામાં ૨૬ વર્ષીય વેટરનરી ડોકટર ઉપર પાશવી બળાત્કાર ગુજારનારા આરોપીઓનું શુક્રવારે દ્યટનાસ્થળ ઉપર એન્કાઉન્ટર કરવામાં આવ્યું છે. સાયબરાબાદ પોલીસની એસઆઈટીએ બળાત્કારના ચારેય આરોપીઓને ભાગવાનો પ્રયાસ કરવા જતા ઠાર કરી દીધા છે. જાહેરમાં ચારેય બળાત્કારીઓનું એન્કાઉન્ટર કરવાના નિર્ણયને પ્રજાએ બિરદાવ્યો છે. એન્કાઉન્ટર બાદ દ્યટનાસ્થળે લોકોના ટોળા ઉમટ્યા હતા અને લોકોએ પોલીસને અભિનંદન આપતા તેમની કામગીરીને બિરદાવી હતી. હાજર રહેલા લોકોના ટોળાએ પોલીસ ઝિંદાબાદના નારા પણ પોકાર્યા હતા અને લોકોએ ન્યાય મળી ગયો હોવાનું પણ જણાવ્યું હતું. સમાજના એક વર્ગે પોલીસની આ કામગીરીને સકારાત્મક રીતે જોતા તેને બિરદાવી હતી. તેલંગાણામાં કેટલીક મહિલાઓએ પોલીસને મિઠાઈ પણ વહેચી હતી. તો કેટલાક સ્થળે ફટાકડા પણ ફોડવામાં આવ્યા હોવાના અહેવાલ છે.

હૈદરાબાદના જ એક રહેવાસીએ જણાવ્યું હતું કે, 'દિશાની આત્માને હવે શાંતિ મળશે અને તેના પરિવારજનોને ન્યાય મળી ગયો છે. પોલીસે ચારેય નરાધમોનું એન્કાઉન્ટર કરતા અમે અત્યંત ખુશ છીએ. આ એક ઉદાહરણ બેસાડ્યું છે. જે લોકો જદ્યન્ય ગુના કરવા માંગે છે તેઓએ ડરવું જોઈએ. પોલીસે ખૂબજ સુંદર કામગીરી કરી છે.'તેલંગાણાના શાદનગર ખાતે પુલની નીચે ચારેય આરોપીઓએ વેટરનરી ડોકટર પર રેપ કર્યા બાદ તેની લાશ પર પેટ્રોલ છાંટી સળગાવી દીધી હતી. યુવતીની લાશ ૨૮ નવેમ્બરના પુલ નીચેથી મળી આવી હતી. નરાધમોએ તેના પર પાશવી બળાત્કાર ગુજાર્યો હોવાનું તપાસમાં ખુલ્યું હતું. ત્યારથી દેશમાં આક્રોશ જોવા મળી રહ્યો હતો અને શેરીથી સંસદ સુધી આરોપીઓને કડક સજા કરવાની માંગ ઉઠી હતી.

(3:23 pm IST)