મુખ્ય સમાચાર
News of Thursday, 6th December 2018

પ્રમુખ સ્વામીને રાજકોટ પ્રત્યે ખૂબ લાગણી હતીઃ વિજયભાઇ

ગુજરાતને સંસ્કારી તથા આધ્યાત્મિક બનાવવામાં પ્રમુખસ્વામી જેવી વિભૂતિઓની મોટી ભૂમિકા રહી છેઃ મુખ્યમંત્રી

ધર્મસત્તા અને રાજસત્તાના સંગમ : સ્વામિનારાયણ નગરના ઉદ્ઘાટન પ્રસંગે પૂ. મહંત સ્વામીજીએ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનું તિલક કરીને સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે રાજકીય મહાનુભાવો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સંતો અને સ્વયંસેવકોએ પ્રમુખ સ્વામીજીના જયકાર સાથે ગગનને ગજવી દીધું હતું. (તસ્વીર સંદિપ બગથરીયા)

રાજકોટ તા. પ :.. રાજકોટમાં આયોજીત પૂ. પ્રમુખ સ્વામીજીના ૯૮માં જન્મ જયંતી મહોત્સવનું ઉદ્ઘાટન આજે સવારે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ કર્યુ હતું. આ પ્રસંગે વિજયભાઇએ જણાવ્યું હતું કે, આવો મહોત્સવ રાજકોટમાં ઉજવાય એ આપણું સદ્ભાગ્ય છે. નગરવાસી તરીકે પણ હું ગૌરવ અનુભવું છું.

મુખ્યમંત્રીએ કહયું હતું કે, પ્રમુખ સ્વામીજીને રાજકોટ પ્રત્યે ખૂબ લાગણી હતી. અત્યારે પણ સ્વર્ગમાંથી તેઓ આપણા પર કૃપા વરસાવતા હશે. સ્વામીજીએ મંદિરોના નિર્માણ કર્યા છે. યુવા વર્ગને સંત બનવા પ્રેરણા આપી છે. પ્રમુખ સ્વામીજી અન્યના સુખે સુખી હતાં. અન્યના દુખે દુખી હતાં. સંપ્રદાયની સદ્પ્રવૃતિએ ગુજરાતને આગવી ઓળખ આપી છે. ગુજરાત સંસ્કારી અને આધ્યાત્મિક રાજય તરીકે ઓળખાઇ રહ્યું છે, જેમાં પ્રમુખસ્વામીજી જેવી વિભૂતિઓની ભૂમિકા રહી છે.

સ્વામીનારાયણ સંપ્રદાયનું ગુજરાતમાં મોટું યોગદાન રહ્યું છે. તેમ જણાવીને મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, આપણે નાત-જાતના ભેદ છોડીને એક બન્યા છીએ. આ મહોત્સવમાં યુવા પેઢીને પ્રેરણા મળે તેવા આહલાદક આયોજનો થયા છે. વિવિધ ખંડો પ્રેરણાદાયી રહે તેવા છે. ખૂબ માણજો અને પ્રેરણા ગ્રહણ કરજો.

પ્રમુખ સ્વામીજીના જન્મોત્સવની ઉજવણી આપણું ભાવિ ઉજ્જવળ બનાવશે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીજીની કલ્પનાના નવા ભારતનું નિર્માણ કરવામાં આવા આયોજનો ઉપયોગી બનશે. નાત-જાતના ભેદથી મુકત ભારત, ભ્રષ્ટાચારથી મુકત, બેકારી અને ગરીબીથી મુકત ભારત બને તેવી પ્રેરણા અને શકિત આવા આધ્યાત્મિક આયોજનોમાંથી મળે છે, તેમ મુખ્યમંત્રીએ અંતમાં જણાવ્યું હતું.

મહોત્સવની ઉડતી નજરે....

* પ્રવેશદ્વારે મહોત્સવનો રીબીન કાપી નહિ પણ નાડાછેડી છોડી ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું

* મહોત્સવના પ્રારંભ પ્રસંગે શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, અક્ષર પુરૂષોતમ મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજની જયના નારા ગુંજી ઉઠયા હતા.

* રાજકોટમાં જેવું બીએપીએસ મંદિર છે તેવું આબેહુબ મંદિર અહિં બનાવાયંુ છે. ઉદ્દઘાટન પ્રસંગ બાદ પૂ. મહંતસ્વામી અને વિજયભાઇના હસ્તે આ મંદિરમાં આરતી ઉતારવામાં આવી હતી.

* પૂ. મહંત સ્વામી દ્વારા વિજયભાઇનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. તો પૂ. ડોકટર સ્વામી દ્વારા મૂર્તિ અર્પણ કરવામાં આવી હતી.

* મહોત્સવના પ્રારંભ બાદ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી અને પૂ. મહંતસ્વામીને વિશેષ પ્રકારની કારમાં લઇ જવામાં આવ્યા હતા.

(12:00 am IST)