મુખ્ય સમાચાર
News of Wednesday, 6th December 2017

હું ગુજરાતી બનવા લાગ્યો છું : ખીચડી - દાળ - ફુલકા - બાજરાના રોટલા ઘરે ખાવાનું શરૂ કરીશ

હું ગુજરાતી કુક પણ રાખવાનો છું રાહુલ ગાંધી

નવી દિલ્હી, તા. ૬ : શનિવારે ગુજરાત વિધાનસભાના પ્રથમ તબક્કાનું વોટિંગ છે ત્યારે ગઇકાલે છેલ્લી વાર ગુજરાતના કચ્છના અંજાર શહેરમાં આવેલા રાહુલ ગાંધીએ ગુજરાતીઓને તેમના ખાનપાન માટે મીઠો દોષ આપતા કહ્યું હતું કે 'હમણા મારી બહેન પ્રિયંકા ઘરે આવી ત્યારે મને કહે કે તારા કિચનમાં અથાણા, પાપડ, ફરસાણ બધું ગુજરાતી જ છે. ખાખરા પણ તેણે મારા કિચનમાં જોયા. આ જે કંઇ બન્યું એના માટે વાંક તમારો છે. હવે હું ગુજરાતી બનવા માંડ્યો છું. તમારા ખાનપાનની આ તાકાત છે અને મને એટલે જ ગુજરાત બહુ ગમે છે. હમણા હું ગુજરાતી કુક પણ લાવવાનો છું અને ગુજરાતી દાળ, ચીખડી, ફૂલકા અને બાજરાના રોટલા ઘરે ખાવાનું શરૂ કરવાનો છું.'

અંજારની આ જાહેર સભા સવારના અગિયાર વાગ્યે થવાની હતી, પણ ઓખીને લીધે ફલાઇટ ટેક-ઓફ નહીં થતાં રાહુલ ગાંધી છેક બપોરે અઢી વાગ્યે સભાસ્થળે પહોંચ્યા હતા. ઓખીને લીધે વાતાવરણ બગડતા રાહુલે આ એક સભા પછીની બાકીની બધી સભા રદ કરી નાખી હતી. જોકે આ છેલ્લી સભામાં રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદીને અડફેટે લઇ લીધા હતા અને કહ્યું હતું કે 'ચા વેચવાવાળા દાવો કરે છે કે તેમણે દેશ નથી વેચ્યો, પણ મારૂ કહેવું છે કે દેશ વેચાયો નથી પણ દેશ-દેશના દસ-બાર ઉદ્યોગપતિઓને ત્યાં ગીરવી મૂકી દીધો છે. '

 

(5:40 pm IST)