મુખ્ય સમાચાર
News of Wednesday, 6th December 2017

'કોંગ્રેસ - હાર્દિકની અનામતની ફોર્મ્યુલા કોઇ પણ રીતે શકય નથી'

પાટીદાર ઓર્ગેનાઇઝેશન કમિટિનું વલણઃ અમલીકરણ અશકયઃ હરિશ સાલ્વે સાથે કરી ચર્ચાઃ 'સમાજને ગેરમાર્ગે દોરે છે હાર્દિક'

નવી દિલ્હી તા. ૬ : પાટીદાર ઓર્ગેનાઈઝેશન કમિટી(POC)એ મંગળવારના રોજ જણાવ્યું કે કોંગ્રેસ પાર્ટી દ્વારા તેના મેનિફેસ્ટોમાં પાટીદારોને નોકરીમાં અનામત અપાવવાનું જે વચન આપવામાં આવ્યુ છે તે કોઈ પણ સંજોગે શકય નથી. ઉલ્લેખનીય છે કે પાટીદાર ઓર્ગેનાઈઝેશન કમિટી એક ફોરમ છે, જેમાં પાટીદારોના ૬ ધાર્મિક અને સમાજિક સંગઠનો શામેલ છે.

POCમાં ઉમિયા માતાજી સંસ્થાન- ઉંઝા, ખોડલધામ- કાગવડ, સરદારધામ- અમદાવાદ, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન- અમદાવાદ, સમસ્ત પાટીદાર સમાજ- સુરત, ઉમિયા માતા સંસ્થાન- સિદસર સંસ્થાનો શામેલ છે. POCના જણાવ્યા અનુસાર, તેમણે કોંગ્રેસ અને હાર્દિકના પાટીદાર અનામત અંગેના ફોર્મ્યુલા પર કાયદાના નિષ્ણાંતોની સલાહ લીધી હતી અને તેમના મત અનુસાર આ ફોર્મ્યુલાનું અમલીકરણ થવું અશકય છે.

POCના કો-કન્વીનર આર.પી.પટેલ અને ફાઉન્ડર વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન જણાવે છે કે, અમે સુપ્રીમ કોર્ટના વકીલ હરિશ સાલ્વે સાથે આ બાબતે ચર્ચા કરી હતી. આર્ટિકલ ૩૧(C) અંતર્ગત પાટીદારોને રિઝર્વેશન આપી શકાય કે નહીં તે બાબતે તેમની સલાહ માંગવામાં આવી હતી. સાલ્વેએ લેખિતમાં અમને જવાબ મોકલ્યો હતો અને જણાવ્યુ હતું કે, કોઈ પણ રીતે ૪૯ ટકાથી વધારે મર્યાદાને વધારી શકાય નહી.

ખોડલધામના ટ્રસ્ટી હંસરાજ ગજેરા જણાવે છે કે, અમારા ચેરમેન નરેશભાઈ પટેલને મળ્યા પછી હાર્દિકે દાવો કર્યો હતો કે અમે તેના સમર્થનમાં છીએ, પણ તે વાત ખોટી છે. દરેક રાજકીય પાર્ટીના નેતા ખોડલધામ મંદિરની મુલાકાત લે છે અને તે નરેશભાઈની મુલાકાત પણ કરે છે. પરંતુ અંગત લાભ માટે તેનો ફાયદો ઉઠાવવો યોગ્ય નથી. અન્ય એક સભ્યનું માનવું છે કે, એક પાર્ટીનો વિરોધ કરવા માટે હાર્દિક પાટીદારોને અન્ય કોઈ એક પાર્ટીને વોટ આપવાની અપીલ ન કરી શકે. ખોડલધામના ચેરમેન પરેશભાઇ ગજેરાએ અકિલાને કહેલ કે ખોડલધામમાં સહુ કોઇ દર્શને આવે છે. અમે કોઇની ફેવર કે અનફેવર કંઇ જ કરતા નથી. હાર્દિકની રેલીમાં માત્ર પાટીદારો નથી હતા.  સરદાર પટેલ ગ્રુપના જનરલ સેક્રેટરી પુર્વીન પટેલે કહ્યું કે, હાર્દિક જે કરી રહ્યો છે તે અંગત સ્વાર્થ માટે કરે છે. તે સમાજને આ રીતે ગેરમાર્ગે દોરી ન શકે.

(11:32 am IST)