મુખ્ય સમાચાર
News of Friday, 6th November 2020

આંધ્રમાં શાળાઓ ખૂલ્યા બાદ ૨૬૨ વિદ્યાર્થી, ૧૬૦ શિક્ષકોને કોરોનાનો ચેપ

શાળા ખોલ્યાના ૩ જ દિવસમાં ચેપ મળ્યાઃ જોકે, કુલ વિદ્યાર્થીઓના પ્રમાણમાં નહીંવત કેસો હોવાનો સરકારનો બચાવ

અમરાવતી, તા.૬: દેશના કેટલાંક રાજયોમાં ઉચ્ચતર વર્ગોની શાળાઓ શરૂ થઇ ગઇ છે. ગુજરાતમાં દિવાળી પછી શાળાઓ ખુલવાની છે. આ વચ્ચે જ વાલીઓ તથા શિક્ષકોને વિચારતા કરી દે તેવા એક અહેવાલમાં આંધ્રમાં શાળા ખૂલ્યાના ૩ જ દિવસમાં ૨૬૨ વિદ્યાર્થી તથા ૧૬૦ શિક્ષકો ચેપગ્રસ્ત જણાયા છે. આંધ્રપ્રદેશમાં ધોરણ ૯ અને ૧૦ના વિદ્યાર્થીઓ માટે બીજી નવેમ્બરના રોજ સ્કૂલ પુનઃ ખોલવામાં આવી છે, તેના ત્રણ દિવસ બાદ લગભગ ૨૬૨ વિદ્યાર્થીઓ અને ૧૬૦ શિક્ષકો કોરોના વાયરસથી ચેપગ્રસ્ત હોવાનું જાણવા મળ્યું  છે. આંધ્રપ્રદેશ સ્કૂલ એજયુકેશન કમિશનર વી.ચિન્ના વીરભદ્રએ ગુરુવારે આ માહિતી આપી છે.

જોકે,  તેમણે કહ્યું કે સ્કૂલ આવતા વિદ્યાર્થીઓની સંખ્યાની તુલનામાં ચેપગ્રસ્ત વિદ્યાર્થીઓનો આંક ચિંતાજનક નથી. તેમણે એમ પણ કહ્યું કે પ્રત્યેક સંસ્થામાં જોકે કોવિડ-૧૯ સુરક્ષા માપદંડોનું પાલન સુનિશ્ચિત કરવા માટે શકય તમામ પગલાં ભરવામાં આવી રહ્યાં છે. ચાર નવેમ્બરના રોજ લગભગ ૪ લાખ વિદ્યાર્થીઓ સ્કૂલે પહોંચ્યા હતા અને એ પૈકી કોરોનાથી ચેપગ્રસ્ત વિદ્યાર્થીઓની સંખ્યા ૨૬૨ હતી, જે ચાર લાખ વિદ્યાર્થીઓના કુલ ૦.૧ ટકા પણ નથી. એમ કહેવું યોગ્ય નથી કે સ્કૂલ જવાના કારણે વિદ્યાર્થીઓ કોરોનાથી ચેપગ્રસ્ત થયા છે. અમે સુનિશ્યિત કર્યું છે કે પ્રત્યેક ધોરણમાં ફકત ૧૫ કે ૧૬ વિદ્યાર્થીઓ જ ઉપસ્થિત હતા, એટલે આ ચિંતાનો વિષય છે. વીરભદ્રના કહેવા મુજબ ૧.૧૧ લાખ શિક્ષકો પૈકી ફકત ૧૬૦ શિક્ષકો જ કોરોનાથી ચેપગ્રસ્ત થયા છે. આંધ્રપ્રદેશના શિક્ષણ વિભાગે આપેલાં આંકડા અનુસાર, રાજયમાં ધોરણ ૯ અને ૧૦ના કુલ ૯.૭૫ લાખ વિદ્યાર્થીઓ રજીસ્ટર્ડ થયા છે. એ પૈકી ૩.૯૩ લાખ વિદ્યાર્થીઓ જ સ્કૂલે આવ્યા છે.

યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન દ્વારા સમગ્ર દેશમાં કોલેજો તથા યુનિવર્સિટી શરૂ કરવા માટે ગાઇડલાઇન જારી કરવામાં આવી છે. યુજીસીના જણાવ્યા અનુસાર સંબંધિત રાજય સરકારોની સંમતિ સાથે કોલેજો કે યુનિવર્સિટીઓ ખોલી શકાશે.

યુજીસીએ સપ્તાહના છ દિવસ વર્ગો યોજવા, વર્ગમાં વિદ્યાર્થીઓની સંખ્યા દ્યટાડવા તથા સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવા સહિતની ભલામણો કરી છે. કોલેજ કેમ્પસ દ્વારા ડિસઇન્ફેકશન સહિતના તમામ વ્યવસ્થા ગોઠવવાની રહેશે. વિદ્યાર્થીઓ તથા સ્ટાફની ચકાસણી સહિતની વ્યવસ્થા પણ કરવાની રહેશે. જે વિદ્યાર્થીઓ ઓનલાઇન ભણવા માગતા હોય તેમને ઓનલાઇન તમામ સામગ્રી પ્રાપ્ય કરાવવાની જવાબદારી પણ કોલેજો કે સંસ્થાની રહેશે. જરૂર જણાય તો જ સલામતીનાં તમામ પગલાં સાથે હોસ્ટેલ ખોલવા પણ મંજૂરી આપવામાં આવી છે.

(3:52 pm IST)