મુખ્ય સમાચાર
News of Friday, 6th November 2020

અમેરિકાનો ચૂંટણી મહાસંગ્રામ

રાષ્ટ્રપતિ અને રાજ્યની ચૂંટણીમાં ૧૨થી વધુ ભારતીયો જીત્યા

નવી દિલ્હી,તા.૬: આખી દુનિયાની નજર  અત્યારે માત્ર ને માત્ર અમેરિકાના રાષ્ટ્રપતિ કોણ બનશે તેના પર રહેલી છે. ત્યારે તેની વચ્ચે વિવિધ રાજયના ડેમોક્રેટિક અને રિપબ્લિકન પાર્ટીના સેનેટરના પરિણામ આવી રહ્યા છે. જેમાં ટ્રંપની પાર્ટીમાં મૂળ ભૂજના યુવાન ચૂંટાતા તેમણે પ્રથમ ભારતીય અમેરિકન સેનેટર બનવાનો ઈતિહાસ રચ્યો છે.

નીરજ અંતાણી મૂળ ભૂજના વતની છે તેમના પિતા જૈમિનભાઈ અંતાણી ૧૯૮૭માં વોશિંગ્ટનમાં સ્થાયી થયા હતા નીરજ અંતાણીનો ઉછેર અને અભ્યાસ અમેરિકામાં જ થયો છે તે ૨૦૧૪માં ઓહાયો હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવમાં ૨૩ વર્ષની વયે ચૂંટાયા તે સમયે તે યૂએસના સૌથી નાની વયના ધારાસભ્ય બન્યા હતા ૨૦૨૦માં તે ડેમોક્રેટિક પાર્ટીના માર્ક ફૌજલને હરાવી રાજયના છઠ્ઠા ડિસ્ટ્રીકટ સેનેટર બન્યા છે.

અમેરિકામાં ભારતીય મૂળના ૪૦ લાખ લોકો રહે છે. જેમાંથી ૨૦ લાખ મતદારો છે. અમેરિકાના એરિઝોના, ફ્લોરિડા, જયોર્જિયા, મિશિગન અને ટેકસાસ સહિત ૮ બેઠકો પર ભારતીયોના મત ઘણા અસર કરે છે. રાજકીય રીતે અહીંયા ભારતીય મૂળના લોકો શકિતશાળી છે.

આ વખતે સ્ટેટ લેવલની ચૂંટણીમાં ૧૨દ્મક વધારે ભારતીયોએ જીત મેળવી છે. જેમાં હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવમાં ચાર ભારતીય મૂળના અમેરિકન ફરી પસંદ થયા છે. જેમાં ડોકટર એમી બેરા, પ્રમિલા જયપાલ, રો ખન્ના અને

રાજા કૃષ્ણમૂર્તિ ચૂંટાઈ આવ્યા છે.

આ સિવાય પાંચ ભારતીય મહિલાઓ પણ વિજેતા બની છે... જેમાં ન્યૂયોર્ક સ્ટેટ એસેમ્બલીમાં જેનિફર રાજકુમાર, કેન્ટુકી સ્ટેટ હાઉસમાં નિમા કુલકર્ણી, વર્મોન્ટ સ્ટેટ સેનેટમાં કેશા રામ, વોશિંગ્ટન સ્ટેટ હાઉસમાં વંદના સ્લેટર, મિશિગન સ્ટેટ હાઉસમાં પદ્મા કુપ્પા વિજેતા બન્યા.

સ્ટેટ સેનેટમાં પહોંચેલા ભારતીયો નોર્થ કેરોલિના સ્ટેટ સેનેટમાં જય ચૌધરી બીજી વખત ચૂંટાયા એરિઝોના સ્ટેટ સેનેટમાં અમિશ શાહ પેન્સિલ્વેનિયા સ્ટેટ સેનેટમાં નિખિલ સાવલ મિશગન સ્ટેટ યુનિટમાં રાજીવ પૂરી ન્યૂયોર્ક સ્ટેટ સેનેટમાં જર્મી કોને કેલિફોર્નિયામાં એશ કાલરા ટેકસાસ ડિસ્ટ્રીકટ કોર્ટ પોલ્સમાં રવિ સેંદિલ ચૂંટાઈ આવ્યા છે.

અમેરિકામાં આ વખતે રાષ્ટ્રપતિની ચૂંટણીની સાથે સ્ટેટ લેવલની ચૂંટણી પણ યોજાઈ. જેમાં ૧૨થી વધુ ભારતીયોએ જીત મેળવીને ઈતિહાસ રચ્યો છે. ત્યારે હજુ ત્રણ ઉમેદવારોના જીતની શકયતા છે. અમેરિકામાં રહેતા ભારતીયોએ ફરી એકવાર સાબિત કરી દીધું કે ત્યાંની ચૂંટણીમાં ભારતીય-અમેરિકન મતદારોનું કેટલું મહત્વ છે.

(9:42 am IST)