મુખ્ય સમાચાર
News of Wednesday, 6th November 2019

ચિન્મયાનંદ કેસમાં અંતે ચાર્જશીટ રજૂ કરી દેવાઈ

ખંડણી-જાતિય સતામણી કેસ

નવી દિલ્હી, તા.૬ : ભૂતપૂર્વ કેન્દ્રીયમંત્રી ચિન્મયાનંદ સામે જાતિય સતામણી કેસ અને કહેવાતી ભોગ બનેલી લોની વિદ્યાર્થીની સામે ખંડણી કેસ મામલામાં તપાસ કરી રહેલી ખાસ તપાસ ટીમે આજે ચાર્જશીટ દાખલ કરી દીધી હતી. બંને કેસમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવ્યાબાદ વધુ તપાસ ચાલી રહી છે. સીટ દ્વારા બંને કેસમાં ૨૦ પાનાની ચાર્જશીટ દાખલ કરી છે. કેસડાયરીમાં ૪૭૦૦ પાના રાખવામાં આવ્યા છે. સીટ દ્વારા ૭૯ પુરાવા રજૂ કરવામાં આવ્યા છે જેમાં કોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, તપાસ દરમિયાન ૧૦૫ લોકોની ઉલટતપાસ કરવામાં આવી છે. ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ઓમવીર સિંહની કોર્ટમાં આ ચાર્જશીટ દાખલ કરાઈ હતી. ચિન્મયાનંદ, લો સ્ટુડન્ટ, તેના પુરુષ મિત્ર સંજયસિંહ, વિક્રમસિંહ અને સચિન સેંગર સહિત તમામ આરોપીઓને કોર્ટમાં ઉપસ્થિત કરવામાં આવ્યા હતા. સઘન સુરક્ષા વ્યવસ્થા વચ્ચે તમામને જેલમાંથી કોર્ટમાં લાવવામાં આવ્યા હતા. જોરદાર પોલીસ વ્યવસ્થા પણ આ ગાળા દરમિયાન રાખવામાં આવી હતી. સઘન સુરક્ષા વચ્ચે ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં તેમને ઉપસ્થિત કરવામાં આવ્યા હતા. તેમની સમક્ષ જુદી જુદી રીતે આરોપો વાંચવામાં આવ્યા હતા. આરોપીઓ ત્યારબાદ કોર્ટમાં પરત ફર્યા હતા. સીટના વડા નવીન અરોરાના કહેવા મુજબ ચાર્જશીટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, ભાજપના નેતા ડીપીએસ રાઠોડ પણ ચિન્મયાનંદ પાસેથી ૧.૨૫ કરોડ રૂપિયાની ખંડણી લેવાના પ્રયાસમાં સામેલ હતા.

(7:51 pm IST)