મુખ્ય સમાચાર
News of Sunday, 6th October 2019

અબ્દુલ્લાને મળવા પાર્ટીના પ્રતિનિધિમંડળને લીલીઝંડી

ફારુક અબ્દુલ્લા અને ઓમર અબ્દુલ્લા હાલ નજરકેદ હેઠળ રખાયા છે : જમ્મુ કાશ્મીર વહીવટીતંત્ર દ્વારા મંજુરી મળ્યા બાદ આજે જમ્મુથી પહોંચશે : પાર્ટીના કાર્યકરોમાં સંતોષની લાગણી

શ્રીનગર,તા.૫ : જમ્મુ પ્રાંતના નેશનલ કોન્ફરન્સના પ્રતિનિધિમંડળને ફારુક અબ્દુલ્લા અને ઓમર અબ્દુલ્લાને મળવા માટે જમ્મુ કાશ્મીર વહીવટીતંત્ર દ્વારા મંજુરી આપી દેવામાં આવી છે. પાર્ટી પ્રમુખ ફારુક અબ્દુલ્લા અને ઉપપ્રમુખ ઓમર અબ્દુલ્લાને મળવાની મંજુરી અપાયા બાદ આ લોકો હવે મળવા માટે પહોંચશે. આવતીકાલે રવિવારના દિવસે તેમને મળવાની યોજના તૈયાર કરવામાં આવી છે. ઓમર અબ્દુલ્લા અને ફારુક અબ્દુલ્લા અન્ય મોટા નેતાઓની સાથે હજુ નજરકેદ હેઠળ છે. પ્રાંતિય પ્રમુખ દેવેન્દ્રસિંહ રાણાના નેતૃત્વમાં પ્રતિનિધિમંડળમાં પાર્ટીના પૂર્વ ધારાસભ્યો રહેલા છે. આ લોકો આવતીકાલે સવારે જમ્મુથી ઉંડાણ ભરીને પહોંચશે. નેશનલ કોન્ફરન્સના પ્રવક્તા મદન મંટી દ્વારા આ મુજબની વાત કરવામાં આવી છે.

રાણાએ આ સંદર્ભમાં રાજ્યપાલ સત્યપાલ મલિક પાસેથી પરવાનગી માંગી હતી. મંટુના કહેવા મુજબ અબ્દુલ્લાને મળવાનો નિર્ણય હાલમાં જ યોજાયેલી વરિષ્ઠ અધિકારીઓની બેઠકમાં લેવામાં આવ્યો હતો. બે દિવસ પહેલા જ જમ્મુ પ્રાંતના જિલ્લા પ્રમુખો અને વરિષ્ઠ નેતાઓની બેઠક યોજાઈ હતી. જમ્મુ આધારિત નેશનલ કોન્ફરન્સના નેતાઓની અવરજવર ઉપરથી નિયંત્રણો દૂર કરવામાં આવ્યા બાદ હવે મળવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ૮૧ વર્ષીય ફારુક અબ્દુલ્લા તેમના શ્રીનગર આવાસ ઉપર હાલમાં નજરકેદ હેઠળ છે જ્યારે તેમના પુત્ર ઓમર અબ્દુલ્લા સ્ટેટ ગેસ્ટહાઉસમાં નજરકેદ હઠળ રાખવામાં આવ્યા છે. બંને નેતાઓને મળવાની પરવાનગી મળ્યા બાદ સ્થિતિ ધીમે ધીમે વધુ સામાન્ય બની રહી છે. વહીવટીતંત્ર દ્વારા પણ પાર્ટીના કાર્યકરોને મળવા માટેની મંજુરી આપી દેતા આંશિકરીતે તેમને મોટી રાહત થઇ છે.

(12:00 am IST)