મુખ્ય સમાચાર
News of Friday, 6th September 2019

તિહારની જેલ નંબર સાતમાં કેવી રહી પૂર્વ નાણા મંત્રી ચિદમ્‍બરમની રાત

નાસ્‍તામાં ચા-પૌઆ અને સૂવા માટે એક ઓશિકું અને ધાબળો મળ્‍યો

નવી દિલ્‍હી, તા.૬: દિલ્‍હીની સીબીઆઇ કોર્ટે આઇએનએક્‍સ મીડિયા કરપ્‍શન કેસમાં ગુરવારે પૂર્વ નાણાં મંત્રી અને કોંગ્રેસના દિગ્‍ગજ નેતા પી. ચિદમ્‍બરમને તિહાર જેલમાં મોકલી દીધા હતા. સરકારે કોર્ટને આશ્વાસન આપ્‍યું છે કે ચિદમ્‍બરમને જેલમાં પૂરતી સલામતી અપાશે. તેમને ૧૯ સપ્‍ટેમ્‍બર સુધી તિહાર જેલમાં રહેવું પડશે. જેલમાં તેમની પહેલી રાત એક સામાન્‍ય કેદીની જેમ જ પસાર થઈ હતી. કોર્ટના આદેશ પ્રમાણે તેમને કેટલીક સુવિધાઓ મળી છે પરંતુ મોટાભાગની સુવિધાઓ એક સામાન્‍ય કેદીની જેમ જ મળી રહી છે.

પૂર્વ નાણા મંત્રીને જેલ નંબર સાતમાં રાખવામાં આવ્‍યા છે. તેમને એક અલગ સેલ ફાળવવામાં આવ્‍યો છે. અગાઉ આ જેલમાં જ પી ચિદમ્‍બરમના પુત્ર કાર્તિ પણ રહી ચૂક્‍યા છે.

- કોર્ટે ચિદમ્‍બરમને ચિદમ્‍બરમના ચશ્‍મા અને દવાઓ જેલમાં લઇ જવાની મંજૂરી આપી છે.

- રાઉઝ એવન્‍યૂ કોર્ટના આદેશ મુજબ સેલમાં ચિદમ્‍બરમ માટે વેસ્‍ટર્ન ટોઇલેટની પણ વ્‍યવસ્‍થા કરાઇ છે.

- પૂર્વ નાણા મંત્રીને ૨૪ કલાક સુરક્ષામાં રાખવામાં આવ્‍યા છે. સેલની આસપાસ સુરક્ષાની પણ વ્‍યવસ્‍થા કરવામાં આવી છે. જેલમાં સીસીટીવી પણ લગાવવામાં આવ્‍યા હતા.

- જેલ નંબર સાતમાં કેદીઓને જમીન પર ઊંઘવું પડે છે. પરંતુ સિનિયર સીટિઝન્‍સને ગાદલા વગરના લાકડાના તખ્‍ત અપાય છે. ચિદમ્‍બરમને એક ઓશિકું અને ઓઢવા ધાબળો અપાયો હતો.

- સામાન્‍ય કેદીઓની જેમ તેઓ પણ કોરિડોર, સેલની સામેના પરિસરમાં આંટા મારી શકશે.

- જેલના નિયમો અનુસાર તેમને છાપું અને ટીવીની સુવિધા આપવામાં આવશે.

- ચિદમ્‍બરમને સવારે સાત વાગ્‍યે ચા સાથે પૌઆ, દાળિયા અને બ્રેડનો નાસ્‍તો આપવામાં આવ્‍યો હતો.

- ચિદમ્‍બરમે જેલમાં તૈયાર ભોજન આરોગવું પડશે. જેમાં દાળ, એક શાકભાજી અને ચારથી પાંચ રોટલી હશે.

- આ જેલમાં દિલ્‍હી એનસીઆરના ટોચના બિલ્‍ડર્સ અને ટુજી સ્‍પેક્‍ટ્રમના આરોપીઓ છે. સુબ્રતો રોય અને સુરેશ કલમાડી પણ આ જ જેલમાં બંધ છે. આ સેલમાં મહિલાઓ સામે ગુનાઓ આચરનાર ગુનેગારોને પણ રખાય છે.

(11:40 am IST)