મુખ્ય સમાચાર
News of Thursday, 6th August 2020

ચીનની ઘુસણખોરી અંગેના દસ્તાવેજો હટાવાતાં વિવાદ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીમાં ચીનનું નામ લેવાની હિંમત નથી : રાહુલ ગાંધી : ભારત-ચીન વચ્ચે પાંચ વખત સૈન્ય વાટાઘાટો થઈ પણ, એલએસી પર તનાવ ઓછો છતાં સ્થિતિમાં બદલાવ નહીં

નવી દિલ્હી, તા. : ભારત અને ચીન વચ્ચેનો સીમા વિવાદ યથાવત છે ત્યારે વધુ એક વિવાદ શરૂ થયો છે. ચીન આડોડાઈ પર ઉતર્યુ છે અને પેગોંગ લેક આસપાસના વિસ્તારમાંથી પોતાના સૈનિકોને પાછા હટાવવા માટે તૈયાર નથી. દરમિયાન સંરક્ષણ મંત્રાલયે ચીને લદ્દાખમાં ઘૂસણખોરી કરી હોવાનો ઉલ્લેખ જે દસ્તાવેજમાં કર્યો હતો તેને વેબસાઈટ પરથી હટાવી લેવામાં આવ્યો છે. ડોક્યુમેન્ટમાં મંત્રાલયે સ્વીકાર્યુ હતુ કે, મે મહિનાથી સતત ચીન ઘૂસણખોરી કરી રહ્યુ છે અને ખાસ કરીને ગલવાન, પેંગોંગ લેક વિસ્તારમાં ઘૂસણખોરી વધી છે. જોકે ડોક્યુમેન્ટ મુકાયાના થોડા સમયમાં તેને હટાવી લેવાયા છે. મંત્રાલયે એવું પણ કહયું છે કે, ચીન સાથેનો વિવાદ લાંબો ચાલી શકે છે.ભારત અને ચીન વચ્ચે પાંચ વખત સૈન્ય વાટાઘાટો થઈ ચુકી છે, એલએસી પર તનાવ ઓછો છે પણ સ્થિતિમાં કોઈ બદલાવ થયો નથી.

                ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધીએ ડોક્યુમેન્ટનો હવાલો આપીને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. રાહુલ ગાંધીએ ચીનની ઘુસણખોરીના દસ્તાવેજો સરકારે હટાવી લીધા તેના સંદર્ભમાં કહ્યું  કે, ભૂલ જાવ કે વડાપ્રધાન ચીનની સામે ઊભા રહેશે. વડાપ્રધાન મોદીની એટલી હિંમત પણ નથી કે તેઓ ચીનનું નામ પણ લે. રાહુલ ગાંધીએ તેમની ટ્વીટની સાથે એક દસ્તાવેજ પણ જાહેર કર્યો છે જેમાં ચીનની ઘુસણખોરી લદ્દાખમાં થઈ હોવાની વાત હતી.

(9:34 pm IST)