મુખ્ય સમાચાર
News of Thursday, 6th August 2020

કોરોના બાદ વધુ એક વાયરસનો ખતરો

સાવધાન... લાલ ડુંગળીથી ફેલાઇ રહી છે બિમારી : અમેરિકામાં કહેર

અમેરિકામાં લાલ ડુંગળી ખાવાથી સેંકડો લોકો સાલ્મોનેલા નામના બેકટેરીયલ ઇન્ફેકશનનો શિકાર બન્યા : હોસ્પિટલમાં દાખલ કરવા પડયા : કેનેડામાં પણ કેસ

નવી દિલ્હી તા. ૬ : ૨૦૨૦ની શરૂઆતમાં ભાગ્યે જ કોઇએ વિચાર્યું હશે કે આ વરસ કોણ જાણે કેવા કેવા દિવસો દેખાડશે. કોઇને વિચાર પણ નહીં આવ્યો હોય કે આ વરસ આવું મનહુસ હશે. ઓસ્ટ્રેલીયાના જંગલોમાં આગ, ભૂકંપ તો કયારેક જ્વાળામુખીનો વિસ્ફોટ અને આ બધાથી પણ ખતરનાક કોરોના અત્યાર સુધીમાં આ મહામારીએ લાખો લોકોના જીવ લઇ લીધા છે સાથે જ કરોડો સંક્રમિત થયા છે. વાયરસનો ઇલાજ હજુ શોધાઇ રહ્યો છે પણ રસી હજુ સુધી નથી મળી ત્યાં અમેરિકામાં અચાનક ડુંગળીથી સંક્રમણ ફેલાવાનું શરૂ થઇ ગયું છે. અમેરિકાના કેટલાય રાજ્યોમાં ડુંગળી ખાવાથી હજારો લોકો સાલ્મોનેલા નામના બેકટેરીય ઇન્ફેકશનનો શિકાર થઇ ગયા છે. સાથે જ આના કેસ કેનેડામાં પણ આવી રહ્યા છે. કોરોના મહામારી વચ્ચે હવે શાકભાજીથી ફેલાઇ રહેલ આ સંક્રમણ અંગે નિષ્ણાંતો કંઇક આવું કહે છે.

જણાવાઇ રહ્યું છે કે આ ડુંગળી અમેરિકા અને કેનેડામાં એક જ કંપની દ્વારા નિકાસ કરવામાં આવી છે. એટલે તાત્કાલિક આ કંપનીના બાકીના માલનો સપ્લાય રોકી દેવામાં આવ્યો છે. રિપોર્ટ અનુસાર અમેરિકાના ૩૧ રાજ્યોમાં આના કેસો જાહેર થયા છે. આ ડુંગળી થોમસન ઇન્ટરનેશનલ નામની કંપનીએ મોકલી છે. અમેરિકામાં આના કેસ ૧૯ જૂનથી આવવાના શરૂ થઇ ગયા હતા. ત્યારપછી ધીમે ધીમે તેમાં ઝડપથી વધારો જોવા મળ્યો. હવે કેનેડામાંથી પણ તેના કેસ આવી રહ્યા છે.

થોમસન ઇન્ટરનેશનલે આ અંગે સફાઇ આપતા કહ્યું કે તેમને જાણવા મળ્યું છે કે તેમના દ્વારા સપ્લાય કરાયેલ લાલ ડુંગળીથી આ રોગ ફેલાઇ રહ્યો છે એટલે તેમણે અત્યાર સુધીમાં જે દુકાનોમાં તે સપ્લાય કરી છે ત્યાંથી આ ડુંગળી પાછી મંગાવી રહ્યા છે.

સાલ્મોનેલા પોઇઝનીંગ નામ ઘણાં લોકો માટે નવું છે. નિષ્ણાંતો અનુસાર તેનાથી સંક્રમિત લોકોમાં ડાયેરીયા, તાવ અને પેટનો દુખાવો જેવા લક્ષણો જોવા મળે છે. આ બેકટેરીયાનો હુમલો ૬ કલાકથી માંડીને ૬ દિવસ પછી પણ થઇ શકે છે. તેનાથી સંક્રમિત થયા પછી લોકો ૪ થી ૭ દિવસ સુધી બિમાર રહી શકે છે. સાથે જ અત્યાર સુધીના આંકડાઓના આધારે કહી શકાય કે નાની ઉંમરના બાળકો અને ૬૫ વર્ષથી વધુ ઉંમરના વડીલો સહેલાઇથી તેનો શિકાર બને છે.

આ સંક્રમણ સામાન્ય રીતે જીવલેણ નથી હોતું. ૪ થી ૭ દિવસ પછી દર્દી સાજો થવા લાગે છે. પણ હવે હવે એવું જાહેર થઇ રહ્યું છે કે આ સંક્રમણ આંતરડામાં હોય ત્યાં સુધીમાં તેનો ઇલાજ ન થાય તો મુશ્કેલીઓ વધી શકે છે.

(11:11 am IST)