મુખ્ય સમાચાર
News of Monday, 6th August 2018

દેશ-વિદેશના પોશાક ધારણ કરતા પીએમ મોદી મુસ્લિમ ટોપી કેમ પહેરતા નથી? શશી થરુર

હિંદુ તાલિબાનવાળા નિવેદન બાદ કોંગ્રેસ નેતા શશી થરુરે આ નિવેદન કરતાં વિવાદ છેડાયો છે

નવી દિલ્હી, તા.પઃ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને સાંસદ શશી થરુરે વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મુસ્લિમ ટોપી નહીં પહેરવા અંગે ટિપ્પણી કરી છે. શશી થરુરે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને સવાલ કર્યો છે કે જો તેઓ દેશ-વિદેશના પ્રત્યેક પોશાક અને પરિધાન પહેરે છે તો પછી મુસ્લિમ ટોપી પહેરવા સામે તેમને શો વાંધો છે? તેઓ મુસ્લિમ ટોપી પહેરવાનું કેમ ટાળે છે?

હિંદુ તાલિબાનવાળા નિવેદન બાદ કોંગ્રેસ નેતા શશી થરુરે આ નિવેદન કરતાં વિવાદ છેડાયો છે. શશી થરુરે તિરુવનંતંપુરમ્ ખાતે નફરત વિરુદ્ઘ ઊભા થવાના વિષય પર આયોજિત એક પરિસંવાદમાં બોલી રહ્યા હતા. આ દરમિયાન તેમણે પીએમ મોદી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંદ્યને લઇને સામાજિક કાર્યકર સ્વામી અગ્નિવેશ સાથે ગેરવર્તણૂક કરનાર લોકોની ભારે ટીકા કરી હતી.

શશી થરુુરે જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી દુનિયાભરના દેશોનો પ્રવાસ કરે છે અને ત્યાં તેઓ અલગ અલગ પ્રકારના વસ્ત્રો અને પોશાક ધારણ કરે છે. થરુરે જણાવ્યું કે પીએમ મોદી દેશ-વિદેશના પોશાક પહેરતા હોય તો પછી મુસ્લિમ ટોપી પહેરવાનું કેમ ટાળે છે? એટલું જ નહીં શશી થરુરે પીએમ મોદીના કપડાંના કલર પર પણ સવાલ ઉઠાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોઇએ અત્યાર સુધી કયારેય લીલા રંગનાં કપડાંમાં જોયા નથી.

તાજેતરમાં ભાજપ યુવા મોરચા અને બજરંગ દળના કાર્યકરોએ સામાજિક કર્મશીલ અગ્નિવેશ સાથે ગેરવર્તણૂક કરી હતી. શશી થરુરે તેમની હરકતોને વખોડી કાઢી હતી. શશી થરુરે સ્વામી અગ્નિવેશનું સમર્થન કરતાં જણાવ્યું હતું કે વર્તમાન ભારતમાં સ્વામી વિવેકાનંદ હયાત હોત તો તેઓ પણ સ્વામી અગ્નિવેશ પર હુમલો કરનારા ગુંડાઓના નિશાન પર હોત.

આ દરમિયાન શશી થરુરે મોદી સરકારના કાર્યકાળમાં રમખાણોના આંકડા રજૂ કર્યા હતા. તેમણે એવો દાવો કર્યો હતો કે ચાર વર્ષના મોદી શાસનકાળમાં ર૯ર૦ રમખાણો થયા છે. આ રમખાણોમાં ૩૮૯ લોકોની હત્યા થઇ છે અને ૮,૦૦૦થી વધુ લોકો ઘાયલ થયા છે.(૨૩.૧૦)

(3:48 pm IST)