મુખ્ય સમાચાર
News of Monday, 6th August 2018

આ દેશોમાં વીકમાં ફકત ૩૦ કલાક કામઃ ઓછામાં ઓછો પગાર ૪૩ લાખ !

જોબ માટે વિદેશ જતા હોવા તો અહીં નજર કરી લેજો

નવી દિલ્હી તા. ૬ : ભારતીયોમાં, ખાસ કરીને યંગસ્ટર્સમાં જોબ માટે ફોરેન જવાનો ક્રેઝ વધ્યો છે. આવામાં જો તમે પણ સારી સેલેરી માટે વિદેશ જવા માગતા હોવ તો આ ૯ દેશોનું લિસ્ટ જરૂરથી જોઈ લેજો. પગાર અને કામની દૃષ્ટિએ આ દુનિયા સૌથી સારા દેશ માનવામાં આવે છે.

લકઝમબર્ગ

તાજેતરમાં આર્થિક સહયોગ અને વિકાસ સંગઠન તથા વર્લ્ડ બેંકના આંકડા દ્વારા જાણવા મળ્યું છે કે, આ દુનિયાનો સૌથી સારી સેલેરી આપનારો દેશ છે. આમાં મધ્ય એશિયન દેશોની ગણતરી કરાઈ નથી. લકઝમબર્ગની મોટાભાગની અર્થવ્યવસ્થા બેંકિંગ, ફાયનાન્શિયલ, રિયલ એસ્ટેટ. આઈ અને ટેલી કોમ્યુનિકેશન્સ સર્વિસિઝ પર નિર્ભર છે. અહીં સપ્તાહમાં સરેરાશ ૩૦ કલાક કામ કરવાનું હોય છે. એક કલાકના કામ માટે ઓછામાં ઓછા ૧૧.૨૦ ડોલર એટલે કે, આશરે ૭૭૦ રૂપિયા મળે છે. અહીંની વાર્ષિક સેલેરી ૬૨,૬૩૬ ડોલર એટલે કે, આશરે ૪૩ લાખ રૂપિયા છે.

યુનાઈટેડ સ્ટેટ્સ (અમેરિકા)

ભારત અને ચીન બાદ અમેરિકા વધુ વસ્તી ધરાવતો ત્રીજો સૌથી મોટો દેશ છે. અહીંની સરેરાશ આવક ૬૦,૧૫૪ ડોલર છે જે ભારતીય કરન્સી પ્રમાણે આશરે ૪૧ લાખ રૂપિયા થાય છે. અમેરિકામાં દર સપ્તાહે સરેરાશ ૩૪.૪ કલાક કામ કરવાનું હોય છે. એક કલાકનો પગાર ૭.૨૫ ડોલર એટલે કે આશરે ૫૦૦ રૂપિયા છે.

સ્વિત્ઝર્લેન્ડ

આ દેશની સરેરાશ આવક ૬૦,૧૨૪ ડોલર એટલે કે, ૪૧ લાખ રૂપિયા છે. અહીં મિનિમમ સેલેરીનું કોઈ બંધારણ નથી. સ્વિત્ઝર્લેન્ડમાં સરેરાશ ૩૧ કલાક કામ કરવાનું હોય છે.

ઓસ્ટ્રેલિયા

ઓસ્ટ્રેલિયામાં કામ કરનારા લોકોની સરેરાશ આવક ૫૨,૦૬૩ ડોલર છે જે ભારતીય કરન્સી પ્રમાણે ૩૫ લાખ રૂપિયા થાય છે. અહીં સપ્તાહમાં સરેરાશ ૩૨ કલાક કામ કરવાનું હોય છે અને એક કલાકના ઓછામાં ઓછા ૧૦.૯૦ ડોલર એટલે કે ૭૫૦ રૂપિયા મળે છે.

આયર્લેન્ડ

આ દેશમાં વીકલી ૩૯ કલાક કામ કરવાનું હોય છે. એક કલાક માટે ઓછામાં ઓછા ૧૨.૫૪ ડોલર એટલે કે, આશરે ૮૫૦ રૂપિયા મળે છે. આયર્લેન્ડની સરેરાશ ઈન્કમ ૩૫.૫૦ લાખ રૂપિયા છે.

કેનેડા

આ દેશમાં સરેરાશ ૪૦ કલાક કામ કરવાનું હોય છે અને એક કલાક માટે ૧૧.૧૫ ડોલર એટલે કે, આશરે ૭૫૦ રૂપિયા મળે છે. આ દેશની વાર્ષિક આવક ૪૮,૪૦૩ ડોલર એટલે કે, ૩૩ લાખ રૂપિયા છે.

જર્મની

આ દેશમાં પ્રત્યેક વ્યકિતની સરેરાશ વાર્ષિક આવક ૩૨ લાખ રૂપિયા છે. અહીં સપ્તાહમાં આશરે ૨૮ કલાક કામ કરવાનું હોય છે અને પ્રત્યેક કલાકના ઓછામાં ઓછા ૧૧.૬૧ ડોલર એટલે કે, ૮૦૦ રૂપિયા મળે છે.

ફ્રાન્સ

ફ્રાન્સમાં સાપ્તાહિક સરેરાશ ૩૯ કલાક કામની જોગવાઈ છે. અહીં એક કલાકના ૧૧.૫૭ ડોલર એટલે આશરે ૮૦૦ રૂપિયા મળે છે. અહીંના વ્યકિતની વાર્ષિક આવક ૨૯.૫૦ લાખ રૂપિયા છે.

યુનાઇટેડ કિંગડમ (UK)

યુકેમાં વીકલી સરેરાશ ૪૨.૩ કલાક કામ કરવાનું હોય છે. અહીં એક કલાકના ઓછામાં ઓછા ૯.૮૫ ડોલર એટલે કે, ૬૫૦ રૂપિયા મળે છે અને વાર્ષિક આવક સરેરાશ ૪૨,૮૩૫ ડોલર છે જે ભારતીય કરન્સી પ્રમાણે લગભગ ૨૯.૫૦ લાખ રૂપિયા થાય છે.

(10:39 am IST)