મુખ્ય સમાચાર
News of Saturday, 6th July 2019

અમેરિકાના સ્વાતંત્રય દિને લશ્કરી પરેડ : ટ્રમ્પનું શકિત પ્રદર્શન

વોશિંગ્ટન, તા. ૬ : અમેરિકાએ સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરી હતી. તેમાં અભૂતપૂર્વ લશ્કરી પરેડ યોજાઈ હતી. પ્રથમ વખત ટેન્ક, એરફોર્સના શકિતશાળી વિમાનોને પરેડમાં સામેલ કરાયા હતા. એ પછી વિપક્ષી નેતાઓએ ટ્રમ્પ ઉપર સ્વાતંત્ર્ય દિવસે રાજકારણ કરવાનો આરોપ પણ મૂકયો હતો. અમેરિકાને ૧૭૭૪થી ૪થી જુલાઈએ આઝાદી મળી હતી.

૪થી જુલાઈએ દર વર્ષે અમેરિકાના પાટનગરમાં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી થાય છે. આ વખતે પ્રથમ વખત પ્રમુખ ટ્રમ્પે લશ્કરી ટેન્ક અને એરફોર્સના રેર વિમાનોને પણ પરેડમાં સામેલ કરવાનો આદેશ કર્યો હતો.

વર્ષો પછી ટેન્ક, એરફોર્સના વિમાનો અને સૈન્યની વિવિધ પાંખોની અત્યાધૂનિક હથિયારોથી સ્વાતંત્ર્ય દિવસે લશ્કરી પરેડ યોજાઈ હતી. અમેરિકાએ શકિત પ્રદર્શન કર્યુ હતું અને ટ્રમ્પે સ્વાતંત્ર્ય દિવસે રાષ્ટ્રજોગ પ્રવચન કર્યું હતું.

છેલ્લાં ૭૦ વર્ષમાં પ્રમુખે સ્વાતંત્ર્ય દિવસે રાષ્ટ્રજોગ પ્રવચન કર્યું હોય એવું પ્રથમ વખત બન્યું હતું. ટ્રમ્પે કહ્યું હતું કે સ્વાતંત્ર્ય દિવસ આપણા દેશના નાયકોને યાદ કરવાનો દિવસ છે. અમેરિકાએ અસંખ્ય હીરોઝ આપ્યા છે. અમેરિકન આર્મીની ત્રણેય પાંખના જવાનોએ આપણા ગૌરવ માટે બલિદાન આપ્યું છે અને આ દિવસ તેમને સલામી આપવાનો સમય છે.

આજે આપણે બધા એક રાષ્ટ્રના નેજા હેઠળ એકઠાં થયા છીએ. આજે આપણો એકતા દિવસ છે. આપણા ગૌરવપૂર્ણ ઈતિહાસને યાદ કરીને આપણે આપણા પૂર્વજોને અંજલિ આપવી જોઈએ, જેમણે આપણને આઝાદી અપાવી છે. આપણાં રાષ્ટ્રધ્વજનું જગતભરમાં ગૌરવ કરાવનારા તમામ નાગરિકો, બધા જ ક્ષેત્રોની મહાન વિભૂતિઓનું આપણે હૃદયથી સન્માન કરવું જોઈએ.

ડોનાલ્ડ ટ્રમ્પે રાષ્ટ્રજોગ પ્રવચન કરીને લશ્કરી શકિતનો પરચો આપ્યો અને ટેન્ક સહિતના ઉપકરણોનું પ્રદર્શન કર્યું તેનો વિરોધ પક્ષના નેતાઓએ વિરોધ કર્યો હતો. વિપક્ષી નેતાઓએ ટ્રમ્પ ઉપર આરોપ લગાવતા કહ્યું હતું કે ટ્રમ્પે અમેરિકાના સ્વાતંત્ર્ય દિવસનું રાજકીયકરણ કર્યું છે. સ્વાતંત્ર્ય દિવસે રાજકારણથી દૂર રહેવું જોઈએ તેના બદલે ટ્રમ્પે આ દિવસે રાજકીય સિદ્ઘીઓ ગણાવી તેને લઈને વિપક્ષી નેતાઓએ ભારે વિરોધ નોંધાવ્યો હતો.

(1:31 pm IST)