મુખ્ય સમાચાર
News of Friday, 6th July 2018

લોકસભા ચૂંટણી સુધી હવે એકબીજાના 'પગેરા' દાબશે મોદી-શાહ અને રાહુલ !!

આગે આગે ચલે હમ પીછે પીછે તુમ 'મિતવા' !!

રાજકોટ, તા. ૬ :. ગુજરાત વિધાનસભાની ગત ચૂંટણી જેવો જ માહોલ હવે ફરી સર્જાશે હરિફ રાષ્ટ્રીય નેતા જે મુદ્દે દેકારો કરે એ જ મુદ્દાનો તાત્કાલીક જવાબ આપી દઇ સામા તીખા તમતમતા પ્રહારો કરવાની મોસમ ફરી ખીલી છે ગત ૪ અને પ જુલાઇથી કોંગ્રેસ અને ભાજપના ટોચના નેતાઓ વચ્ચે એકબીજાનું પગેરૂ દબાવવા માટેની હરિફાઇનો પુનઃપ્રારંભ થયો છે. ઉત્તરપ્રદેશમાં આ સ્પર્ધાને લીલીઝંડી અપાઇ હોય તેમ રાહુલ ગાંધી અને અમિત શાહે લોકસભા ચૂંટણી માટે નગારે ઘા માર્યો છ, હવે રાહુલ ગાંધીનો ગુજરાત કાર્યક્રમ નક્કી થતાં જ તેના બે દિવસ પહેલા અમિત શાહ આવી જશે અને રાહુલ ગાંધી આવી ગયા બાદ પ્રચારરૂપી સાવરણો ફેરવવા વડાપ્રધાન મોદી ડેમેજ કન્ટ્રોલ કરવા આવી રહ્યા છે.

હિન્દી ફિલ્મોના બે ત્રણ ગીત મશહુર છે. 'સાત સમંદર પાર મે તેરે પીછે પીછે આ ગઇ', 'તેરા પીછા ના છોડુંગા સોણીયે', 'આગે આગે ચલે હમ પીછે પીછે ગીત મીતવા'આ બધા ગીતોની જેવું જ કાંઇક ભાજપ અને કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષો તથા ટોચની નેતાગીરીએ શરૂ કર્યું હોય તેવા નિર્દેશો મળે છે.

જોગાનુજોગ ઘટના કે મુલાકાતો સામાજીક બાબત જ થાય. રાજકારણમાં તો બધુ પ્રિપ્લાન અને પૂર્વયોજીત ચૂંટણી વ્યૂહરચના જ હોય. ઉત્તરપ્રદેશમાં પોતાના મતવિસ્તાર અમેઠીની બે દિવસની મુલાકાતે રાહુલ ગાંધી જઇ રહ્યાની વાત આવતા અને ર૦૧૯ની ચૂંટણીને અનુલક્ષીને પ્રોજેકટ 'શકિત' લોંચ કરવાનું જાણમાં આવતા જ ભાજપના નેતાઓ પણ ઉત્તરપ્રદેશમાં પહોંચી ગયા હતાં, જોકે ભાજપની રણનીતિની જાણ થતા કોંગ્રેસી નેતાઓએ પણ રાજકીય કાર્યક્રમ ઘડયો હોય તેવું બની શકે જે બન્યું હોય, પરંતુ એકબીજાના પગેરૂ દાબવવાનું શરૂ થઇ ગયું છે.

ભાજપને તેના હોમગ્રાઉન્ડમાં જ ભીંસમાં લેવાની વ્યૂહરચના કોંગ્રેસ બરાબર રીતે કરી રહી છે, પરંતુ એક સાંધે ત્યાં તેર તૂટે છે એક ને સાંચવી લ્યે તે તેર રૂઠે છે. જોકે આવા વાતાવરણ વચ્ચે પણ યુવા રાજયપ્રભારી રાજીવ સાતવ રાષ્ટ્રીય અધ્યક્ષની  સીધી સુચનાના કારણે મક્કમ અને આકરો મિજાજ દર્શાવી રહ્યા છે.

બીજી તરફ રાહુલ આવતા જ રાહુલ ગાંધીની મુલાકાતને 'સેન્ડવીચ' બનાવી દેવી હોય તેમ રાહુલની મુલાકાત પહેલા અમિત શાહ બે દિવસ અને રાહુલ ગાંધીની મુલાકાત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત ગોઠવતા ગુજરાતની પ્રજાને તો એ સાંભળવા અને નિહાળવામાં જબરી જમાવટ થઇ જશે કે કોણ કોને કેવા ભાંડે છે.ભાજપ કોંગ્રેસ જેવા જ બે હરિફ ડોનાલ્ડ ટ્રમ્પ અને કીમ જોન્ગ વચ્ચેના વૈમનસ્યનું ભલે સુરસુરીયું થઇ ગયું હોઇ, પરંતુ દેશમાં અને ખાસ કરીને ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે અસ્તીત્વની લડાઇ છે એટલે આ બન્ને બળીયા તો વટભેર ટકરાશે તે નિશ્ચિત છે. સોશ્યલ મીડિયામાં એવું નવું ગીત મૂકાઇ શકે છે કે, 'યે દુશ્મની હમ નહીં છોડેંગે, છોડેંગે ખુરશી' મગર તેરા પીછા ના છોડેંગ...(૨-૪)ે

૧૩-૧૪ જુલાઇએ અમીત શાહ ગુજરાતમાં  રાહુલ ગાંધી ૧૬-૧૭મીએ આવશે

રાજકોટ તા. ૬ : ભાજપ અને કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખો જાણે પકડમ્પકડી રમવાનું શરૂ કર્યું હોય તેમ લોકસભા ચુંટણીને લઇને એકબીજાના પ્રવાસ કાર્યક્રમોનો પીછો કરી રહ્યા છે.

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ૧૩ અને ૧૪મી જુલાઈએ ગુજરાતમાં આવશે ઘણા વર્ષોથી અમિત શાહ રથયાત્રામાં ભગવાનના દર્શન કરવા આવે છે તેઓ ૧૪મીની રથયાત્રાની મંગળા આરતીમાં ભાગ લેશે જો કે તેઓનો કાર્યક્રમ પણ હજુ ઘડાઈ રહ્યો છે.

અમિત શાહની બે દિવસની મુલાકાત બાદ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી ૧૬- ૧૭ જુલાઈએ ગુજરાત આવી રહ્યા છે. તેઓ સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી અને જૂનાગઢના ચૂંટાયેલા વિવિધ પ્રતિનિધિઓ અને ખેડૂતોને મળશે તેમના પ્રશ્નો અને સમસ્યાઓ જાણશે તેમજ તેઓનું ફોકસ પણ લોકસભાની આગામી ચૂંટણી જ રહેશે.

(11:51 am IST)