મુખ્ય સમાચાર
News of Friday, 6th July 2018

લાલુના દીકરા તેજસ્વીની આગાહીઃ નીતીશકુમારને BJP પડતા મૂકી શકે છે

ઊજવણીઃ ગઇ કાલે રાષ્ટ્રીય જનતા દલે એનો બાવીસમો સ્થાપના દિન પટનામાં ઊજવ્યો હતો. એ અવસરે લાલુના મોટા દીકરા તેજપ્રતાપે તેના ભાઇ તેજસ્વી યાદવને તાજ પહેરાવ્યો હતો

 

પટણા, તા.૬: RJD ના સ્થાપના દિવસના કાર્યક્રમમાં બિહારના ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન તેજસ્વી યાદવે રાજયના મુખ્ય પ્રધાન  નીતીશકુમાર પર નિશાન સાધ્યું હતું. તેજસ્વીએ કહ્યું હતું કે BJP નીતીશકુમારને અધવચ્ચે જ પડતા મૂકે એવી શકયતાઓ છે અને તો રાજયમાં લોકસભાની ચૂંટણીની સાથે જ વિધાનસભાની ચૂંટણી પણ યોજાઇ શકે છે.

RJD ના કાર્યકર્તાઓને બિહારની ચૂંટણી માટે તૈયાર રહેવા જણાવતાં તેજસ્વીએ કહ્યું હતું કે 'JD(U) ના મહાગઠબંધનનો હિસ્સો બન્યા સિવાય BJP ને હરાવવી મુશ્કેલ છે એવી કેટલાક લોકોની માન્યતા છે. હાલમાં જ BJP અને JDU બિહારની પેટાચૂંટણીમાં હારી ગયા હતાં, આમ કઇ રીતે થયું? BJP નીતીશકુમારને છેલ્લે છેલ્લે પડતા મૂકે એવી શકયતાને નકારી શકાય નહીં. અને જો એમ થયું તો લોકસભા અને બિહાર વિધાનસભાની ચૂંટણી એકસાથે જ કરવામાં આવી શકે છે. એથી કોઇ પણ સમયે ચૂંટણી માટે આપણે તૈયાર રહેવું જોઇએ.'

RJD ના સ્થાપના દિવસના કાર્યક્રમમાં તેજસ્વી તેના મોટા ભાઇ તેજપ્રતાપ યાદવ સાથે જોવા મળ્યા હતા. RJD સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવના બન્ને પુત્રો વચ્ચે મતભેદ હોવાના સમાચારોને ભાઇઓએ નકાર્યા પણ હતા.(૨૩.૨)

(11:42 am IST)