મુખ્ય સમાચાર
News of Friday, 6th July 2018

બાળકો ચોરવાની અફવાને પગલે ટોળા દ્વારા શંકાસ્પદ વ્‍યક્તિઓને માર મારીને મારી નાખવાની ઘટનાઓ વધતા કેન્‍દ્ર સરકાર દ્વારા જુદા-જુદા રાજ્યો માટે માર્ગદર્શિકા જાહેર

નવી દિલ્હીઃ મોબ લિચિંગની વધતી ઘટનાઓ બાદ મોદી સરકાર જાગી છે. કેંદ્ર સરકારે ગુરુવારે રાજ્ય અને કેંદ્ર શાસિત પ્રદેશોને આ પ્રકારની ઘટનાઓ રોકવા માટે સૂચના જાહેર કરી છે. સોશિયલ મીડિયા અને વ્હોટ્સએપ પર બાળકો ચોરવાની અફવા ફેલાયા બાદ મોબ લિચિંગની ઘટનાઓ સામે આવી રહી છે. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, ગૃહ મંત્રાલયે બાળકો ચોરવાની અફવાને પગલે ભીડ દ્વારા શંકાસ્પદ વ્યક્તિઓને માર મારીને મારી નાખવાની ઘટનાઓ વધતાં સૂચનો જાહેર કર્યા છે.

કેંદ્રીય ગૃહ મંત્રાલયે રાજ્ય સરકારોને આ પ્રકારની કોઈ પણ અફવા પર નજર રાખવાના આદેશ આપ્યા છે અને આની સામે કડક પગલાં લેવાની સૂચના આપી છે. રાજ્ય અને કેંદ્ર શાસિત પ્રદેશોને આદેશ આપ્યો છે કે, સંવેદનશીલ વિસ્તારોની ઓળખ કરીને ત્યાં આ મામલે જાગૃતિ ફેલાવવામાં આવે. જાગૃતિ ફેલાવવા માટે સામૂહિક કાર્યક્રમોનું આયોજન કરવાનું પણ કહેવાયું છે.

બાળકોના અપહરણની ફરિયાદોથી ચિંતિત કેંદ્ર સરકારે આ મામલે યોગ્ય તપાસના આદેશ આપ્યા છે. તાજેતરમાં જ દેશના ઘણા સ્થળોએ મૉબ લિચિંગની ઘટના બની છે. જૂઠી અફવાઓ પર ભરસો કરીને ટોળાએ કેટલાક લોકોને મોતને ઘાટ ઉતાર્યા અને અમુકને ગંભીર રીતે ઘાયલ કર્યા.

મહારાષ્ટ્રમાં છેલ્લા 25 દિવસોમાં મોબ લિચિંગની 14 ઘટના પર નજર કરીએ તો ચોંકાવનારા તથ્યો સામે આવ્યા છે. મોટા ભાગની ઘટનાઓમાં જ્યાં પીડિત સ્થાનિક નિવાસી ન હોય અને પાડોશી ગામ કે શહેર કે રાજ્યના હોય તેવું બન્યું છે. ત્યારે અફવાઓ પર વિશ્વાસ રાખીને ટોળું અંધારામાં શંકાસ્પદ વ્યક્તિને ઉઠાવી જઈ તેને ખૂબ મારે છે. છેલ્લા 25 દિવસોમાં થયેલી મોબ લિચિંગની ઘટનામાં અત્યાર સુધી 9 લોકોએ જીવ ગુમાવ્યા છે. જ્યારે 10 લોકો ઘાયલ થયા છે. પીડિતોમાં બહેરા-મૂંગા, માનસિક રીતે નબળા અને મજૂરો પણ સામેલ છે.

(6:11 pm IST)