મુખ્ય સમાચાર
News of Saturday, 6th June 2020

ધારાસભ્યોની ખરીદી માટે ભાજપનો રૂ.૧૫૦ કરોડનો ખેલ

કોંગ્રેસના યુવા નેતા હાર્દિક પટેલ સનસનાટી મચાવે છેઃ ધારાસભ્યોને ખરીદવાના પૈસાનો ઉપયોગ કોરોના દર્દીઓના વેન્ટીલેટર માટે કરવાની જરૂર હતી : નીલ સીટી કલબ ખાતે કોંગ્રેસના ધારાસભ્યના કેમ્પમાં આવેલા હાર્દિક પટેલની ભાજપ ઉપર તડાપીટ : ભાજપ શામ-દામ-દંડ-ભેદની નીતિ વાપરે છેઃ પક્ષપલ્ટુઓને લોકો ચપ્પલથી મારશેઃ લોકોનો દ્રોહ કરનારને પ્રજા કદી માફ નહિં કરે

રાજકોટ, તા. ૬ : ૧૯મી જૂને રાજયસભાની ચૂંટણી છે ત્યારે ભાજપ કોંગ્રેસ દ્વારા રાજકીય ગરમાવો આવ્યો છે. આજે પાટીદાર લડાયક નેતા અને કોંગ્રેસના યુવા નેતા હાર્દિક પટેલે આજે નીલ સીટી કલબ ખાતે બપોરે ૧૧:૩૦ કલાકે આવી પહોંચ્યા હતા. જયાં તેમને પત્રકારો સાથેની વાતચીતમાં ભાજપ ઉપર તડાપીટ બોલાવી હતી અને ઉગ્ર આક્રોશ ઠાલવ્યો હતો.

હાર્દિક પટેલે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યુ હતું કે કોંગ્રેસ લોકો માટે કામ કરે છે, જયારે ભાજપ પોતાના માટે જ કામ કરે છે. કોંગ્રેસના ધારાસભ્યોની ખરીદી માટે ૧૫૦ કરોડ રૂ. ભાજપ વાપરતી હોય તો લોકોના ભાજપ - કોંગ્રેસના ધારાસભ્ય ખરીદવા ૧૫૦ કરોડ રૂપિયા વાપરે છે.  જો આ રકમ વેન્ટીલેટર ખરીદીમાં વાપર્યા હોત તો લોકોના જીવ ચોક્કસ બચી જાય. તેવો ધ્રુજારો વ્યકત કર્યો હતો.

કોંગ્રેસના ધારાસભ્યો અંગત સ્વાર્થ માટે પૈસા અને પદ માટે કોંગ્રેસ છોડી રહી છે. તેને લોકો ચોક્કસ જવાબ આપશે. લોકોએ પણ આવા પક્ષ પલ્ટુઓને ચપ્પલથી પીટવા જોઈએ. લોકસભામાં ભાજપ પાસે બહુમતી છે જયારે રાજયસભામાં બહુમતી ન હોય ગમે તેવા પ્રયાસોથી ભાજપ રાજયસભામાં પણ સંખ્યાબળ વધારવા પ્રયાસ કરે છે. જે નીંદનીય છે. રાજયસભામાં બંને બેઠકો કોંગ્રેસ અચુક જીતશે જ.

હાર્દિક પટેલે વધુમાં જણાવ્યુ હતું કે, ભાજપ ધારાસભ્યોની ખરીદી કરીને લોકતંત્ર અને પ્રજાનો દ્રોહ કરે છે. લોકો પણ તેઓને માફ નહિં કરે. વ્યકિતગત પદ અને પૈસા માટે પ્રજાનો દ્રોહ કરનાર ધારાસભ્યોને કદી લોકોએ સ્વીકાર્યા નથી. મોરબીના ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજાએ કોંગ્રેસમાંથી રાજીનામુ આપતા હાર્દિક પટેલે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આર્થિક હિત હોવાનો આક્ષેપ કર્યો હતો.

ગુજરાતમાં હાર્દિક પટેલે જે રીતે ભાજપ દ્વારા શામ - દામ - દંડ - ભેદની નીતિ અપનાવી ધારાસભ્યોની ખરીદી કરી રાજયસભાની ચૂંટણીમાં વિજય મેળવવા જે પ્રયત્ન કર્યા છે તે અંગે ચૂંટણીપંચે પણ દરમિયાનગીરી કરવી જોઈએ.

(2:55 pm IST)