મુખ્ય સમાચાર
News of Saturday, 6th June 2020

પોતાની ચાલબાજીમાં ફસાતું જાય છે ચીન

જો ચીન પાછળ નહીં હટે તો તેની અર્થવ્યવસ્થા તળીયે જઇ શકે છેઃ ટ્રમ્પ અને મોદીની દોસ્તી નહીં પણ બંને દેશોની અર્થવ્યવસ્થા ચીનને મુશ્કેલીમાં મુકી શકે છે

સીમા વિવાદ વધારીને ચીન કોરોના વાયરસ પરથી દુનિયાનું ધ્યાન હટાવવા માંગે છે. ચીનના રાષ્ટ્રપતિ શી જીનપીંગની લોકપ્રિયતા ખતરામાં છે. સમાચારો અનુસાર, ચીની સામ્યવાદી પક્ષમાં પણ જીનપિંગ સામે ફુસફુસાટ ચાલુ થયો છે. પણ હાલની નેશનલ કોન્ફરન્સમાં જીનપિંગે રાષ્ટ્રવાદનું પત્તુ ઉતર્યુ છે. તેમણે ચીની સૈન્યને લડાઇ માટે તૈયાર રહેવાનો આદેશ આપ્યો છે. જે ખરેખર હાસ્યાસ્પદ છે, કેમ કે ચીનના કોઇ પાડોશી દેશની એવી માનસિકતા નથી.

ચીનની કુલ નિકાસના ૧૭ ટકા અમેરિકામાં જાય છે. બંને દેશો વચ્ચે ટ્રેડ વોરના કારણે પહેલાથી જ તણાવ છે. અમેરિકન સેનેટે ચીન ખાતેની અમેરિકન કંપનીઓને બહાર કાઢવાનું બિલ પાસ કરી દીધું છે. તેનાથી સ્પષ્ટ છે કે ચીનમાં મેન્યુફેકચરીંગ યુનિટો ઘટશે. સસ્તી મજૂરી અને ધંધાદારી વાતાવરણના કારણે દુનિયાભરની કંપનીઓ ચીન તરફ વળી હતી. કોરોના વાયરસે પરિસ્થિતિ બદલાવી નાખી છે. હવે ઘણી મોટી અને વિખ્યાત મલ્ટીનેશનલ કંપનીઓએ ચીનથી ભારત તરફ મોઢું ફેરવ્યું છે. ચીનની કુલ નિકાસમાં ભારતનો હિસ્સો ૩ ટકા છે. ચીની સામાનનો વિરોધ ફરીથી શરૂ થઇ ગયો છે. આત્મ નિર્ભર ભારતથી ચીની નિકાસને ઝટકો લાગવાનું નક્કી છે. હવે ભારત અને અમેરિકાને સાથે ગણો તો ૨૦ ટકા નિકાસ પર ચીનને ખતરો દેખાઇ રહ્યો છે. ખરેખર તો આની જ અસર સરહદ પર દેખાઇ રહી છે.

કોરોના વાયરસના કારણે ઠપ થયેલ ચીનના ઉદ્યોગ ધંધા ફરીથી શરૂ તો થઇ ગયા છે પણ માંગ જ ન હોવાથી ફેકટરીઓ ખોલીને પણ કોઇ ફાયદો નથી. ચીનના લાખો યુવાનો બેરોજગાર થઇ ચૂકયા છે. તેમના સત્તાવાળાઓ સામે અસંતોષ ધૂંધવાઇ રહ્યો છે. ચીનની સામ્યવાદી સરકાર વિરોધ પ્રદર્શનની કયારેય પરવાનગી નથી આપણી પણ ૧૯૮૯ ની તાઇનામેન સ્કવેર જેવી પરિસ્થિતિ ફરીથી થઇ શકે છે. હોંગકોંગમાં લોકશાહી પ્રદર્શનોને ચીન જે પ્રકારે કરી રહ્યું છે તેનો અવાજ હવે ચીનમાં પણ સંભળાવા લાગ્યો છે. ચીનમાં બેરોજગારીનો દર વધીને ૬ ટકાએ પહોંચ્યો છે જે જીનપીંગ માટે ખતરાની ઘંટડી સમાન છે.

(2:44 pm IST)