મુખ્ય સમાચાર
News of Thursday, 6th June 2019

હવે કોંગ્રેસ સીધી મોદી પર પ્રહારો કરવાથી બચશે

લોકસભા ચુંટણીમાં કારમી હાર માંથી શીખ મેળવી ભાજપ કે ભાજપ સરકાર કહીને ઘેરવામા આવશે

નવીદિલ્હી, તા.૬: તાજેતરમાં સામાન્ય ચૂંટણીમાં કારમી હારમાંથી શીખ મેળવતા કોંગ્રેસે પીએમ મોદી અને તેમની સરકાર પર સીધા પ્રહારોથી બચવાની રણનીતિ બનાવી છે. કોંગ્રેસની રણનીતિ છે કે પીએમ મોદી અને મોદી સરકારને ઘેરવાના લીધે ભાજપ કે ભાજપ સરકાર કહીને ઘેરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે મોદી સરકારની પહેલી ટર્મમાં કોંગ્રેસ સીધા પીએમ નરેન્દ્ર મોદી અને મોદી સરકાર કહીને પ્રહારો કરતી રહી હતી. એટલું જ નહીં રાફેલ મામલામાં કોંગ્રેસે પીએમ મોદીની વિરૂદ્ઘ 'ચોકીદાર ચોર હૈ'નો નારો બુલંદ કર્યો હતો. પરંતુ પરિણામ બાદ કયાંક ને કયાંક કોંગ્રેસ માની રહ્યું છે કે પીએમ નરેન્દ્ર મોદી પર સીધા પ્રહારો કરવાથી નુકસાન થયું છે. આથી કોંગ્રેસ હાલ સીધા પ્રહારોથી બચવા માંગે છે.

બીજું કોંગ્રેસને લાગી રહ્યું છે કે પીએમ મોદી અને તેના નેતૃત્વમાં ભાજપ જે રીતે વિશાળકાય બહુમતીથી જીત મેળવી છે, તેના લીધે માહોલ તેમના પક્ષમાં છે. એવામાં જો નકારાત્મક પ્રહારો કે ઘેરાવ થાય છે તો કોંગ્રેસને નુકસાન થશે. એટલું જ નહીં તેની સાથે જોડાયેલ કોંગ્રેસની રણનીતિ છે કે તેઓ કોઇ વ્યકિત વિશેષ પર કે ખાનગી પ્રહારો કરવાથી બચશે. ખાનગી હુમલા માત્ર ત્યારે થશે જયારે કોઇ ખાનગી મામલો હશે કે એવો કોઇ મુદ્દો હશે જે કોઇ વ્યકિત સાથે જોડાયેલો હશે.

સૂત્રોના મતે પાર્ટી એ નક્કી કર્યું છે કે તેઓ સામાન્ય લોકોના જીવન કે તેની સાથે જોડાયેલો મુદ્દો ઉઠાવશે, તેનાથી તેઓ લોકોની વચ્ચે એક સકારાત્મક વિપક્ષની ભૂમિકાને રાખી શકે. પરિણામો બાદ જો કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના સંબોધન પર ધ્યાન અપાયું તો તે સતત સકારાત્મક અને રચનાત્મક વિપક્ષની ભૂમિકા નિભાવાની વાત કરી રહ્યાં છે.

તાજેતરમાં જ કોંગ્રેસની આ બદલાયેલી રણભૂમિ અંગે જયારે કોંગ્રેસને પ્રશ્ન કર્યો તો પાર્ટી પ્રવકતા જયવીર શેરગિલનું કહેવું હતું કે આ સમય તુ-તુ મેં-મેંનો નથી. કોંગ્રેસ સંસદની અંદર અને બહાર જવાબદાર અને સશકત વિપક્ષની ભૂમિકા નિભાવશે. આ સામાન્ય પ્રજા સાથે જોડાયેલી સમસ્યાઓને ઉઠાવશે.

(11:32 am IST)