મુખ્ય સમાચાર
News of Thursday, 6th May 2021

આઇડીબીઆઇ બેંકની રૂ.૩૬૦૦૦ કરોડની બેડ લોન વસુલવાને બદલે તેનું ખાનગીકરણ

તાજેતરમાં પ્રોફીટમાંથી રૂ. ૧પ૦૦ કરોડ માંડવાળ કર્યા : ખાનગી ગૃહોના હાથમાં બેંકને સોંપી દેવાનો નિર્ણય અમાન્યઃ એઆઇબીઇએ

રાજકોટ, તા., ૬: ગઇકાલે આર્થીક બાબતોને સ્પર્શતી કેબીનેટ કમીટીએ આઇડબીઆઇ બેંકનું વ્યુહાત્મક ડીસઇન્વેસ્ટમેન્ટ કરવા અને બેંકના મેનેજમેન્ટનું સંચાલન ટ્રાન્સફર કરી આ મહત્વની બેંકનું વેચાણ પ્રાઇવેટ કોર્પોરેટ કંપનીને સોંપી દેવાનો લીધેલા નિર્ણયનો ઓલ ઇન્ડીયા બેંક એમ્પ્લોઇઝ એસોસીએશન દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે અને સરકારના આ પગલાને અધોગતી સમાન ગણાવ્યો છે.

આજની તારીખે આઇડીબીઆઇ બેંકમાં સરકાર અને એલઆઇસીનું સંયુકતપણે ૯૬ ટકા જેટલી હિસ્સેદારી છે અને આ શેર એટલે કે હિસ્સો અને આ બેંકનું નિયંત્રણ પ્રાઇવેટ કોર્પોરેટ કંપનીના હાથમાં સોંપી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આઇડીબીઆઇ ડેવલપમેન્ટ ફાઇનાન્સીયલ ઇન્સ્ટીટયુશન તરીકે શરૂ થઇ હતી અને બાદમાં તે આઇડીબીઆઇ બેંક તરીકે પ્રસ્થાપીત થઇ હતી જો કે બાદમાં સંસદ દ્વારા અનુમોદીત કાનુનની વિરૂધ્ધ આ બેંક સ્થાપવામાં આવી હતી. આઇડીબીઆઇ બેંકે આપણા દેશના નાણાકીય ઔદ્યોગીક વિકાસમાં મહત્વનું યોગદાન આપેલું છે. કેટલાક ખાનગી ઔદ્યોગીક ગૃહોએ આ બેંકના ેણા નહી ચુકવીને બેંક સાથે છેતરપીંડી કરી છે અને ત્યારથી આ બેંકની મુશ્કેલીમાં વધારો થયો હતો. આજે જયારે બેંકનું લેણું નહી ચુકવનાર સામે પગલા લેવાની અને બેંકના નાણા વસુલવાની જરૂરીયાત છે ત્યારે સરકારે કમનશીબે આ બેંકનું વેચાણ પ્રાઇવેટ કંપનીને કરવાનો નિર્ણય લીધો છે. આઇડીબીઆઇ બેંક એ રાષ્ટ્રીય સંપતી છે અને તેનું વેચાણ થવું ન જોઇએ. સરકારનું આ પગલું અદ્યોગતિભર્યુુ ગણી શકાય.

આ બેંક પ્રાઇવેટ કંપનીના હાથમાં વેચી દેવાથી એસસી એસટી વર્ગને હાલ આપવામાં આવેલી અનામત પણ પાછી ખેંચાઇ જશે જે આપણા દેશના બેરોજગાર યુવકો સાથે સામાજીક અન્યાય ગણાશે.

બેંકની એક માત્ર મોટી સમસ્યા માર્ચ ર૦ર૧ (રર ટકા) ના સ્વરૂપમાં ૩૬ હજાર કરોડ રૂપિયાની બેડલોન છે. માર્ચ ર૦ર૧ ના સમાપ્ત થયેલા વર્ષ માટે રૂ. ૧૯૦૦ કરોડના ઓપરેટીંગ પ્રોફીટમાંથી રૂ. ૧પ૦૦ કરોડ બેડલોનને માંડવાળની જોગવાઇ કરવામાં આવેલ છે.

હવે બેંકની આ બિમારીઓને દૂર કરવા માટે બેંકને વેચવામાં આવી રહી છે. સરકારના ફેંસલાઓ અમે આ કરાર શબ્દોમાં વિરોધ કરીએ છીએ અને સરકારને આઇડીબીઆઇ બેંકના વેચાણના મામલામાં આગળ નહીં વધવા અપીલ કરીએ છીએ. બેંકમાં લોકોના રૂ. ર,૩૦,૦૦૦/- કરોડ થાપણ તરીકે પડેલા છે. લોકોના પેસા લોકોના કલ્યાણ અને રાષ્ટ્રીય વિકાસ માટે વપરાવવા જોઇએ નહીં કે ખાનગી ઉદ્યોગ ગૃહોને લૂંટવા માટે.

(3:54 pm IST)